કચ્છ જીલ્લાનો સરહદી લખપત તાલુકો ભવ્ય ભૂતકાળ અને ઐતિહાસિક ઘટનાઓ પોતાના હૈયામાં સંગરીને બેઠો છે. જેમાં આજે પણ ઘણા એવા સ્થળો જોવા મળે છે કે જેનો ઇતિહાસ લોક જીભે ચડેલ ન હોય અથવા તો બહુ પ્રસિધ્ધિ ન હોય.
આવું જ એક સ્થળ જે સરહદી વિસ્તારમાં તાલુકા મથક દયાપરથી એક કિલોમીટરના અંતરે નૈસર્ગિક વાતાવરણમાં આવેલ ભગવાન શ્રી કમલેશ્વર મહાદેવનું ૫૦૦ વર્ષ જુનું શિવાલય છે.
આ સ્થાન સાથે સંકળાયેલી જુની ઐતિહાસિક ઘટનાનો કચ્છ કલાધરમાં ઉલ્લેખ છે જ્યારે કચ્છ સાથે સિંઘનો વેપાર ચાલુ હતો, ત્યારે લાખા વણજારાની પોઠનો રસ્તો હંમેશા આ રહેતો, તેની પોઠ રસાલા સાથે અહીં વિસામો ખાતી જેમાં લાખા વણજારાને સ્વપ્નમાં આ શિવાલયનો સંકેત મળતાં જ જાગીને તપાસ કરતાં સલોરવાવ પણ મોજુદ છે.
લાખા વણજારાને શિવજીનો સંકેત મળતા મંદિર બની ગયા પછી શિવજી અતિ પ્રસન્ન થઇ લાખા વણજારાને વરદાન આપેલ કે, આ શિવાલયમાં શ્રધ્ધા પૂર્વક જે કોઇ ભક્તિ કરશે, તેના તમામ મનોરથ પરીપૂર્ણ થશે. ૫૦૦ વર્ષ પહેલાં આપેલ વરદાન આજે પણ શ્રધ્ધાનું પ્રતિક બની રહ્યું છે. આજના કળીકાળમાં તમામ મનોરથ પરીપૂર્ણ થાય છે. અને આ શિવાલયના દર્શનાર્થે પુરા ભારતભરમાંથી દર્શનાર્થીઓ આવે છે.
ઘણા વર્ષોનાં પછી આ મંદિરના પથ્થર કામના કોતરકામ ખરાબ થતા વર્ષો પછી મુન્દ્રા તાલુકાના ગુંદીયાળી ગામના શાહ સુંદરજી સોદાગરે આ શિવાલયનો જીર્ણોધાર કરાવ્યો હતો. અને આ અગાઉના લેખ મુજબ આ મંદિરનું બાંધકામ તેરા ગામના સોમપુરાએ કરાવેલ.
નીજ મંદિરમાં આવેલ શિવલીંગની બરોબર સિધ્ધી રેખાની સામે જ વર્ષો જુનું વૃક્ષ અડીખમ ઊભું છે. આ મહાકાય થડ વાળું વૃક્ષ કલ્પવૃક્ષ તરીકે ઓળખાય છે. અને ભાવિકો આ કલ્પવૃક્ષને પૂજે છે. આ વૃક્ષ સામાન્ય રીતે બીજા વૃક્ષોથી અલગ છે. બીજા વૃક્ષમાં પહેલાં ફુલ આવે, પછી ફળ આવે. આ વૃક્ષમાં ઉલટો ક્રમ છે. અહીં પહેલાં ફળ આવે છે.
વર્ષો પહેલાં આવેલા નાગા બાવાની જમાત અહીંથી પસાર થઇ ત્યારે તેમની સાથે આવેલા મહાત્માઓએ એવી માહિતી આપેલ કે ભારતભરમાં આવા વૃક્ષો ફકત બે જગ્યાએ જ આવેલ છે. એક વૃક્ષ હિમાચલ પ્રદેશના ચંમ્બા જીલ્લાના ઉમા ગૌરીના મંદિરમાં છે. બીજું અહીં કમલેશ્વરમાં આવેલું છે. ગામ લોકોએ આ વૃક્ષના ફળ, બીજ તથા ડાળખીઓ વાવવાની કોશિશ કરેલ પરંતુ સફળતા મળેલ નહીં.
આ મંદિરની પૂજા નાગા બાવાઓ કરતા જે પૂજારીની સમાધી મંદિરના સંકુલમાં આવેલી છે. આ કમલેશ્વર મંદિરના પટાંગણ વિશ્વ શાંતિ માટે હોમાત્મકરુદ્ર મહાયરો ગામ ધારેશીના દયારામભાઇ રામજીભાઇ લીંબાણીએ કરાવેલ. કચ્છમાં આવેલા ગોજારા ભુકંપમાં આ પ્રાચીન મંદિરના બાંધકામને નુકસાન થયેલ ત્યારે દયાપર ગામના શિવ ભક્તો સેવકો દ્વારા પુર્ણ સંકુલનું જીર્ણોધાર કામ હાથ ધરતાં તમામ કામ પરીપૂર્ણ થતાં ફળ, ફુલ, પાણી તથા બેઠકની વ્યવસ્થા તથા યાત્રીકો માટેની સુંદર સુવિધા ધરાવતાં અહીં સાંજ પડતાંને ભાવિકોની ભીડ જામે છે. મનોહર સુરમ્ય વાતાવરણમાં આવેલ આ મંદિરનું સ્થળ વર્ષોથી મહત્વનું બની રહેલ છે.