અમદાવાદ : અમદાવાદ શહેર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પંથકો સહિત રાજયના વાતાવરણમાં આજે નોંધપાત્ર પલ્ટો આવ્યો હતો અને સમગ્ર વાતાવારણ વાદળછાયુ બનવાની સાથે સાથે વરસાદી છાંટા અને હળવા ઝાપટાં સાથે માવઠાની સ્થિતિ સર્જાઇ હતી. ઉનાળાની હજુ શરૂઆત થવા જઇ રહી છે ત્યાં હવામાનમાં પલ્ટા સાથે થયેલા માવઠાના કારણે રાજયના ખેડૂતો ઉંડી ચિંતામાં ગરકાવ બન્યા હતા. કારણ કે, માવઠાને લઇ ખેડૂતોના ઘઉં, ચણા, જીરૂ, કેરી, પપૈયા, મકાઇ સહિતના પાકને ભારે નુકસાન થવાની શકયતા બની છે, જેને લઇ હવે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે વાદળછાયા વાતાવરણ અને માવઠાની સ્થિતિને લઇ ઠંડીનું પ્રમાણ એકંદરે વધ્યું હતું. જા કે, રાજયના કેટલાક વિસ્તારો કોરા અને ખુલ્લા આકાશવાળા રહ્યા જાવા મળ્યા હતા.
રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાત રાજયના હવામાનમાં પણ નોંધપાત્ર ફેરફાર જાવા મળ્યો હતો. ખાસ કરીને અમદાવાદ શહેર સહિત ઉત્તર ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આજે વાદળછાયા વાતાવરણ અને માવઠાની પરિસ્થિતિમાં જાવા મળ્યા હતા. રાજકોટ-મોરબી સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા છાંટા સાથે માવઠાની સ્થિતિ સર્જાઇ હતી, જેના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ઘેરી ચિંતા પ્રસરી ગઇ હતી. તો, આ જ પ્રકારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, અરવલ્લી સહિતના પંથકો અને વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે માવઠાની છૂટીછવાઇ અસર વર્તાઇ હતી. માવઠા બાદ હવે ખેડૂતોને તેમના ઘઉં, ચણા, જીરૂ, કેરી, પપૈયા, મકાઇ સહિતના પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજસ્થાનમાં સર્જાયેલા હવાના નીચા દબાણના કારણે સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાવાની અને ઠંડીમાં વધારા સાથે કયાંક કયાંક વરસાદી છાંટા અને માવઠાની સ્થિતિની આગાહી કરવામાં આવી હતી, જેની સીધી અસર આજે અમદાવાદ શહેર સહિત રાજયના ઘણાખરા ભાગોમાં જાવા મળી હતી.
રાજ્યના વાતાવરણમાં પલ્ટો આવતાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી અને પવન સાથે હળવા વરસાદી છાંટણાં અને માવઠા પડયા હતા. જેના કારણે અમદાવાદ સહિત રાજયભરમાં ઠંડીના પ્રમાણમાં એકંદરે વધારો નોંધાયો હતો. બીજીબાજુ, માવઠાની સ્થિતિને લઇ રાજયભરના ખેડૂતો તેમના પાકને નુકસાન અને નિષ્ફળ જવાની દહેશતમાં ચિંતામાં સરી પડયા છે. ખેડૂતોના પાકના નુકસાનને લઇ હવે રાજય સરકારની પણ ચિંતા વધી છે. આજે અમદાવાદમાં પણ મોટાભાગે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. બીજી બાજુ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થવાના સંકેત ળી રહ્યા છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૨૧.૫ ડિગ્રી રહ્યું હતું. લોકોએ બપોરના ગાળામાં ગરમીનો અનુભવ કર્યો હતો. ગાંધીનગરમાં પણ પારો ૨૦ થયો હતો.