મિત્રો પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના વળતા જવાબમાં આપણા એરફોર્સે કરેલી એર સ્ટ્રાઈકને કારણે આજે જ્યારે આપણા દેશમાં દરેકમાં દિલમાં દેશભક્તિના નાદ સંભળાય છે ત્યારે મને પણ એમ થયું કે આપણા સૈનિકો અને યુવાનો માટે એક આર્ટિકલ થઈ જાય.!
કારણકે આજે મારાથી પણ નાની ઉંમર ધરાવતી એક આખી પેઢી PUB-G માં ગળાડૂબ થઈ ગઈ છે ત્યારે મને ખરેખર એમ થાય કે,
જેની હાક અને ધાક એટલી જોરદાર હતી કે દિલ્લીના બાદશાહ અકબરને પણ એક રાતમાં સુવા માટેના ચાર ઠેકાણા બદલવા પડતા અને જેણે તલવારના એક ઘા એ સેનાપતિ સાથેના ઘોડાને ચીરી નાખ્યો હતો એવા મહારાણા પ્રતાપના દેશના યુવાનો છે !?
જેણે ભેટવાને બહાને દગો કરીને મારવા આવેલ દુશ્મનનું પેટ વાઘનખથી ચીરી નાખેલું એ શિવાજીના દેશના યુવાનો છે !?,
આપણા દેશને આઝાદ કરાવવા માટે બે વાર જન્મટીપ પામેલા અને કાળાપાણીની કેદમાં અમાનવીય અત્યાચાર સહન કરનાર એ વિનાયક વીર સાવરકરના દેશના યુવાનો છે !?
” હું આઝાદ છું, આઝાદ રહીશ અને આઝાદ જ મરીશ.” આવું બોલીને મૂછે તાવ દેનારા અને પોતાનું બોલેલું પાળી બતાવનાર ચંદ્રશેખર આઝાદના દેશના યુવાનો છે.!?
પોતાના જીવની જરા પણ પરવા કર્યા વગર માત્ર 23 વર્ષની વયે દેશની આઝાદી માટે હસતા મુખે ફાંસીનો ગાળિયો પહેરનાર એ ભગતસિંહમાં દેશના આ યુવાનો છે..!?
અરે વિશ્વ ધર્મ પરિષદ માં જઈને આખી દુનિયામાં ભારતનો ડંકો વગાડનાર એવા સ્વામી વિવેકાનંદના દેશના યુવાનો છે..!?
આજના આ બેકાબુ બનેલા,ભવિષ્યની થોડી પણ ચિંતા વગર સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગમાં મંડ્યા રહેનારા,વાત વાત માં ગુસ્સો કરતા,સિસ્ટમમાં કાંઈ સુધારો લાવવા માટેના પ્રયત્નો કરવા ના બદલે સિસ્ટમને ગાળો ભાંડતા અને પોતે ટ્રાફિકનો પણ કાયદો ના પાળીને બીજા પાસે કાયદા પળવવાની ઈચ્છા રાખવા વાળા,તમને એમા કઈં ખબર ના પડે હવે જમાનો સાવ બદલાઈ ગયો છે !! એવા બહાના હેઠળ સુધરી ગયાનો ઢોંગ કરતા,પોતાની ફરજો ભુલીને માત્ર હક મેળવવા માટે નીકળી પડેલા આવા માર્ગ ભુલેલા યુવાનોને જોઈને આપણા ક્રાંતિકારીઓની આંખમાં તે જ્યાં હશે ત્યાં આંસુ આવી જતા હશે…કે શું આ દિવસો જોવા માટે અમે લીલા માથાના બલિદાન આપ્યા હતા…!?
મને તો અત્યારે રામપ્રસાદ બિસ્મિલની એક કવિતા યાદ આવે છે કે,
हम भी आराम उठा सकते थे घर पर रह कर,
हमको भी पाला था माँ-बाप ने दुःख सह-सह कर ,
वक्ते-रुख्सत उन्हें इतना भी न आये कह कर,
गोद में अश्क जो टपकें कभी रुख से बह कर ,
तिफ्ल उनको ही समझ लेना जी बहलाने को !
हमने जब वादी-ए-ग़ुरबत में क़दम रक्खा था ,
दूर तक याद-ए-वतन आई थी समझाने को !
બિસ્મિલજી કહે છે કે અમે પણ અમારા માતા-પિતાના લાડકા સંતાનો હતા,અમને પણ અમારા માતા-પિતા એ દુઃખ સહન કરીને લાડકોડથી ઉછેર્યા હતા,અમે જ્યારે ક્રાંતિના માર્ગ પર ડગલાં ભરવા માટે ઘરબાર છોડીને નીકળ્યા હતા ત્યારે અમારા માઁ-બાપને એટલું પણ નહોતું કહ્યું કે ક્યારેક આ તમારી ગોદમાં અમે રડેલા ને એ જે આંસુ પડ્યા છે એ આંસુઓ જ અમારા તરફથી ભેટ સોગાદ માની લેજો કારણકે અમે જ્યારે क्रांति ની કાંટાળી કેડી પર ડગલાં માંડ્યા હતા ત્યારે આ ધરતીની યાદ અમને દૂર સુધી કહેવા આવી હતી કે બેટા મેરા રંગ દે બસંતી ચોલા…!!!!
તો શું આપણી પણ ફરજ નથી કે આપણે આ દેશ માટે કંઈક કરીએ..!? એવું નથી કે દેશની સેવા કરવા માટે આપણે હાથમાં બંદૂક લઈને સરહદ પર ઉભા રહેવું જોઈએ. દેશની સેવા કરવી એ માત્ર આર્મી કે પોલીસની જ ફરજ નથી આપણી પણ નૈતિક ફરજ છે. તો સવાલ એમ થાય કે આ દેશનો એક સામાન્ય નાગરિક દેશની સેવા કઈ રીતે કરી શકશે..!? તો કે આપણે જ્યાં પણ હોઈએ.જે નોકરી કરતા હોઈએ એ સ્થળે પુરા દિલ અને લગનથી આપણે આપણી ફરજ નિભાવીને પણ દેશની સેવા કરી શકીએ.અન્યાય અને ભ્રષ્ટાચાર સામે લડીને પણ આપણે દેશની સેવા કરી શકીએ.પોતાને સોંપેલી કોઈ પણ જવાબદારીને 100 % ઈમાનદારીથી પુર્ણ કરીને પણ આપણે દેશની સેવા કરી શકીએ.
આપણે જે ક્ષેત્રમાં હોઈએ એમાં પારંગત બનીને આપણે સફળતા મેળવીએ અને આપણી શક્તિને સમાજ તથા દેશહિતના કાર્યમાં લગાડવી એને પણ દેશ સેવા જ કહે છે. પણ પેલું કહેવાય છે ને કે લગની લાગવી મુશ્કેલ છે અને જો એકવાર લાગી જાય તો પછી એને દૂર કરવી તો એનાથી પણ મુશ્કેલ છે. તો હવે પછીની આગામી યુગપત્રીમાં મારે એ જ વાત કરવી છે કે આપણને આપણાં કામ પ્રત્યે લગની કેમ લાગશે…!? અને એના માટે મેં પસંદ કર્યું છે ફિલ્મ રંગ દે બસંતીનું એક ગીત કે જે પ્રસુન જોશી એ લખ્યું છે અને એ.આર.રહેમાન,મોહંમદ અસલ્મ અને નસીમ એ ગાયું છે. જેના શબ્દો છે :- खलबली है खलबली..
તો મળીએ આવતા શુક્રવારે ફરી પાછા આ ગીત સાથે….
કોલમિસ્ટ:- યુગ અગ્રાવત