અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ખમાસા-દાણાપીઠ ખાતેના મુખ્યાલયમાં ઐતિહાસિક સરદાર પટેલ ભવનને બદલે કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય કોર્પોરેટ લુક ધરાવતું બિલ્ડિંગ બનાવીને ત્યાં મેયર, કમિશનર સહિતના ઉચ્ચ હોદ્દેદારો-અધિકારીઓની ઓફિસ તેમજ રાજકીય પક્ષોની ઓફિસ ધમધમતી કરાઇ છે. પહેલી નજરમાં સી બ્લોક તરીકે ઓળખાતી આ બિલ્ડિંગ લોકોનાં મન મોહી લે છે, પરંતુ આ સિક્કાની બીજની બાજુ તંત્રની ભ્રષ્ટ કાર્યશૈલી પર પ્રકાશ પાડનારી છે. કેમ કે માત્ર સાડા આઠ વર્ષમાં આ સુંદર બિલ્ડિંગમાં ઠેર ઠેર લીકેજીસની ગંભીર સમસ્યા સર્જાઇ છે. આ બિલ્ડીંગ કયાંક બેઝમેન્ટના પીલર ખવાઇ ગયા છે તો, કયાંક તિરાડો અને પોપડા ખરી રહ્યા છે.
આમ, અમ્યુકોના પોતાના જ બિલ્ડીંગની આવી હાલત હોય તો શહેરીજનોની સમસ્યા કોર્પોરેશન શું દૂર કરતું હશે તેવા ગંભીર સવાલો હવે ઉઠી રહ્યા છે. ગત તા.ર૦ ઓગસ્ટ, ર૦૧૦ તત્કાલીન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ભવ્ય બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું. તત્કાલીન મેયર કાનાજી ઠાકોર અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આઇ.પી ગૌતમના કાર્યકાળમાં તંત્રના નવા મુખ્યાલયનું સરદાર પટેલ ભવન એવું નામકરણ કરાયું હતું. આ બિલ્ડિંગનાં નિર્માણ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા હતા અને તત્કાલીન શાસકોએ તેના ભવ્યતમ કોર્પોરેટ લુક બદલ પ્રસિદ્ધિ મેળવવાના પણ પ્રયાસ કર્યા હતા. જોકે હજુ આ બિલ્ડિંગને તૈયાર થયે પૂરા નવ વર્ષ પણ થયાં નથી અને ઠેર ઠેર લીકેજીસની સમસ્યા સર્જાઇ છે.
આ લીકેજીસ અમુક જગ્યાએ એટલી હદે ગંભીર છે કે બેઝમેન્ટનાં પિલર ખવાઇ રહ્યાં છે. અમુક ઠેકાણે તિરાડો પડી છે તો સ્ટાફને પોતાનાં વાહન પાર્ક કરવામાં પણ ઉપરથી ગટરનું પાણી ટપકતું હોઇ મુશ્કેલી પડે છે. આ સમસ્યા છેલ્લા સાત-આઠ મહિના જૂની છે. જા કે, અમ્યુકો તંત્ર તેની ટેવ મુજબ, હજુ સુધી કુંભકર્ણની નિદ્રામાં છે. બીજી તરફ ત્રીજા માળે આવેલા ટોઇલેટના લીકેજનું ગંદું પાણી નીચેના માળે આવેલી એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં જતું હોઇ સત્તાવાળાઓએ ટોઇલેટના રિપેરિંગની કામગીરીને તત્કાળ હાથ ધરી છે. જા કે, આ પ્રકારની ભેદભાવભરી નીતિથી ખુદ સ્ટાફમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દરમ્યાન આ અંગે મધ્ય ઝોનના એડિશનલ સિટી ઈજનેર અમિત પટેલે જણાવ્યું કે, તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીની રૂમની બાજુના ટોઇલેટના લીકેજીસને દૂર કરવામી કામગીરી હાથ ધરાઈ હતી. હવે અન્ય લીકેજીસની સમસ્યા પણ દૂર કરાશે. બિલ્ડીંગમાં જયાં જયાં ખામી હશે, તે જાણી તેનું સત્વરે નિરાકરણ કરાશે.