” કઇતરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઇ હથોડી છે ?
–ઉદયનઠક્કર
આ શેરમાં કવિએ કૂંપળ કોમળ હોવા છતાં જાણે કોઇ તરકીબ કરીને પથ્થરની દીવાલ તોડીને બહાર આવતી હોય તેવું કવિને લાગી છે અને તેમાં રહેલી કુદરતની અમાપ શક્તિની વાતને સહજપણે સરસ રીતે રજૂ કરી છે. કેટલીક વાર આપણે સપાટ જમીન ઉપર પણ કૂંપળ ન ફૂટતી હોય તેવું જોઇએ છીએ જ્યારે અહીંયાં તો જમીનથી ખાસી ઉંચાઇ પર દીવાલમાં કાણાં અથવા તિરાડો પાડી પીપળ કે અન્ય કોઇ વૃક્ષની કૂંપળને બહાર નીકળેલી જોઇને આશ્ર્ચર્યમાં પડી જઇએ છીએ તે બાબતે કવિ સૌનું ધ્યાન દોરી રહ્યા છે. પાછુ અહીંયાં કવિએ એવી અદભુત ધારણા કેકે કલ્પના કરી જે ઘણી જ રસપ્રદ છે. કવિ માને છે કે કૂંપળ પાસે કદાચ નાનકડી કોમળ-મૃદુ હથોડી છે જેનાથી તેણે ઝીણાઝીણા પ્રહાર કરીને દીવાલને તોડીને તેનો બહાર આવવાનો માર્ગ બનાવ્યો છે. કવિ આ સમગ્ર ક્રિયાને કોઇ ચોર તરકીબ વાપરીને જેલની કે કેદખાનાની દીવાલ તોડતો હોય તેની સાથે સરખામણી કરી છે. ખરેખર કવિની કલ્પના અદભુત છે…
બીજી રીતે જોઇએ તો આ શેરમાં શાયરે કુદરતની અમાપ શક્તિની આપણને પહેચાન કરાવી છે. એ પથ્થરમાંથી પાણી વહાવી શકે છે, જળ હોય ત્યાં સ્થળ કરી શકે છે, એની તાકાતને તો આપણે શીશ નમાવીને વંદન જ કરવાનું રહે છે. અને કહેવાનું થાય છે કે હે પ્રભૂ, તું જેમ એક કૂંપળને પથ્થર તોડીને બહાર આવવાની શક્તિ કે પ્રેરણા આપે છે તેવી જ શક્તિ કે પ્રેરણા અમોને પણ આપજે અને અમારામાં પણ પ્રેમ અને વિકાસની કૂંપળ પ્રગટાવજે.
- અનંત પટેલ