અમદાવાદ : ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો શિક્ષકોની પોલીસે અટકાયત કરી હતી. એક તબક્કે પોલીસે દેખાવો કરી રહેલા શિક્ષકો પર બેરહમીથી લાઠીઓ વીંઝતા પરિસ્થિતિ વણસી હતી અને ભારે નાસભાગ મચી ગઇ હતી. પોલીસના અમાનવીય લાઠીચાર્જ અને અત્યાચારને લઇ શિક્ષકઆલમમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી હતી અને ગાંધીનગરમાં એક તબક્કે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. સને ૧૯૯૭થી સળંગ નોકરી ગણવા સહિતની માંગણીઓના મુદ્દે આજે માસ સીએલ પર ઉતરેલા હજારો શિક્ષકો ગાંધીનગર તરફ કૂચ કરતાં આગળ વધ્યા હતા. હજારો શિક્ષકો દ્વારા વિધાનસભાના ઘેરાવના કાર્યક્રમને પગલે વહેલી સવારથી જ ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યની તમામ જગ્યાએ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પોલીસે વહેલી સવારથી જ એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે જ ઘણા શિક્ષકોને અટકાવાયા હતા. ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજના આંદોલનના એલાનને પગલે રાજ્યના સવા બે લાખ શિક્ષકો આજથી હડતાળ પર ઉતર્યા હતા અને શિક્ષકોએ એક દિવસની રજા રાખી હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ૭ હજારથી વધુ શિક્ષકો પણ જોડાયા હતા. ગાંધીનગર જવાના તમામ રસ્તા પર પોલીસે બેરિકેડ લગાવીને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ચારે તરફ કિલ્લેબંધી કરી દીધી હતી. સવારથી વિધાનસભાનો ઘેરાવ કરવા માટે નીકળેલા હજારો શિક્ષકોની પોલીસે અટકાયત કરી હતી અને તેમને કરાઇ એકેડેમી ખાતે લઇ જવામાં આવ્યા હતા. રાજ્યમાં કોઇ હિંસક કૃત્ય થાય નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓએ તમામ શિક્ષકોની અટકાયત કરવાના આદેશ પણ આપ્યા હતા. ગાંધીનગર સિવાય રાજ્યમાં પણ પોલીસે ઠેરઠેર બંદોબસ્ત ખડકી દીધો હતો.
વિધાનસભા ઘેરાવ માટે નીકળેલા તમામ શિક્ષકોની વિવિધ જગ્યાએથી અટકાયત કરવામાં આવી હતી. આ સિવાય નાના ચિલોડા તેમજ ગાંધીનગર જવાના તમામ રસ્તા પર પોલીસે નાકાબંધી કરી દીધી હતી. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની વિધાનસભાને ઘેરાવ કરવાની ચીમકીના પગલે પોલીસ સતર્ક બની હતી. ગાંધીનગર જતા પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના શિક્ષકોને પોલીસે ડિટેઈન કર્યા હતા.જેમને પાટણ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે રાખવામાં આવ્યા હતા. ઘેરાવ માટે દાહોદથી ગાંધીનગર જઈ રહેલા ૩૦ શિક્ષકોને ડિટેઇન કરી પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના એક હજારથી વધુ શિક્ષકોએ પડતર પ્રાથમિક પ્રશ્નોને લઈ ગાંધીનગર તરફ કૂચ કરી હતી. મોડાસાથી ગાંધીનગર તરફ ખાનગી ગાડીમાં રવાના થયેલા શિક્ષકોને અટકાવાયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાયડ તાલુકાના રપથી વધુ શિક્ષકોની અટકાયત કરાઈ હતી.
વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના પ૩૦૦થી વધુ શિક્ષકો આજે સામૂહિક રજા પર ઊતર્યા હતા, જેમાં મોટા ભાગના શિક્ષકોને ડિટેઇન કરાયા હતા. ગીર સોમનાથના રપ જેટલા શિક્ષકોની સુત્રાપાડા પોલીસે અટક કરી હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને તેમના હોદ્દેદારોની મોડી રાતે પોલીસે અટકાયત કરીને આંદોલન તોડી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જા કે, આજે ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવાના પ્રયાસને લઇ પોલીસ વીફરી હતી અને એક તબક્કે નિર્દોષ શિક્ષકો પર ક્રૂરતાપૂર્વક લાઠીઓ વીંઝી હતી, જેમાં મહિલા શિક્ષકો પણ સામેલ હતી. જેને લઇ રાજયભરના શિક્ષકઆલમમાં આક્રોશ ભભૂકી ઉઠયો હતો. શિક્ષકોએ પોલીસ અને સરકારના સત્તાવાળાઓ પોલીસ દમન મામલે માફી માંગે તેવી ઉગ્ર માંગ ઉઠાવી હતી અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.