મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે જીવનમાં હમેશા એવા વ્યક્તિને સાચવી રાખવા કે જે આપણને નિર્દોષ પ્રેમ કરે છે. એવા વ્યક્તિનો હાથ અને સાથ ક્યારેય છોડવો ના જોઈએ. હવે જોઈએ આગળ….
એમ કહેવાય છે કે બહુ ઓછા લોકો હોય છે જે આપણાં માટે જીવતા હોય છે. દુનિયામાં ઘણા બધા લોકો છે કે જે માત્ર પોતાના માટે જીવે છે. પરંતુ બહુ ઓછા લોકો છે જે પોતાના લોકો માટે જીવે છે. એક બાપ બધા દુઃખ સહન કરી લેશે..! પણ એના સંતાનોને સુખ આપશે. પોતાના સંતાનોને ઈસ્ત્રીટાઈટ કપડાં અપાવશે અને એ પોતે કાણાંવાળી ગંજી પહેરી લેશે. એના સંતાનોને એ રીબોક કે નાઇકીના શુઝ લઈ દેશે અને પોતે ચપ્પલમાં એક ટાંકો મરાવીને પહેરશે.સામે પક્ષે એક મા પણ પોતે પોતાના પેટના જણ્યાઓ માટે દુનિયાના દુઃખ સહન કરી લેશે.ગમે એવી ગરીબ મા પોતાના દીકરાને ભાવતા ભોજન બનાવીને જમાડવાની મહેનત કરશે.પોતે બે કોળિયા ઓછું ખાશે અને પોતાના સંતાનોને પુરું પાડશે.અને જો એનું સંતાન બીમાર પડે તો તો ત્યારે એને સાજો કરવા માટે,એની સર સંભાળ રાખવા માટે એ દિવસ રાત જોયા વગર એની ચાકરી કરશે.હિન્દી સાહિત્યનો એક સરસ મજાનો શેર છે કે,
दवा जब असर ना करे, तो नज़रें उतारती है
माँ है ज़नाब, ये हार कहाँ मानती है..
પોતાના સંતાન માટે તો એ કાળ સામે ડગલાં ભરતા પણ અચકાતી નથી.
અને બહેનના પ્રેમની તો વાત જ ન્યારી છે. પોતાને જો ઠેસ આવશે તો પણ એના મોઢામાંથી પોતાના ભાઈ માટે ખમકારો નીકળશે. પોતે હંમેશા ભાઈની પાછળ પડછાયો બનીને ઉભી રહેશે. ગમે એવું ગણિત આવડતું હોય છતાં ભાઈ માટે ગણતરી ના કરે એને બહેન કહે છે.
સામે પક્ષે ભાઈના પ્રેમની પણ વાત ના થાય પોતાના નાના કે મોટા ભાઈભાંડું માટે એક ભાઈ સદાય મદદ માટે ઉભો હોય છે.
અને પોતાના જીવનસાથીની તોલે તો કોઈ આવી જ ના શકે. કારણકે 20-25 વર્ષ સુધી પિતાજીના ઘરે રહેલી દીકરી પોતાના પતિ અને સાસરિયા માટે પિયરીયું છોડીને આવતી હોય ત્યારે સ્વાભાવિકપણે એના માટે માન ઉદભવે છે. સાસરિયામાં દરેકની નાનામાં નાની જરૂરિયાત અને ફરમાઈશ યાદ રાખવાથી માંડીને કોણ શેનાથી ખુશ થશે અને કોણ શેનાથી ગુસ્સે થશે આમ દરેકના સ્વભાવને ઓળખી શકવાની એની ક્ષમતા કે શક્તિ ખરેખર ગજબ હોય છે.
કુદરત બહુ ઓછા લોકોને આવી સંપત્તિ આપે છે. અને આ બધા હીરાઓને સાચવી રાખવાએ આપણી ફરજ છે.બહુ ઓછા લોકો હોય છે જે આપણી ક્ષણને શણગારવા માટે મહેનત કરતા હોય છે.અને આપણા આવા નજીકના લોકોને આપણે સવાયા સાચવવા જોઈએ. માટે એવું લખાય કે
पलकों के ले के साये
पास कोई जो आये..|
અને આવા લોકો જયારે આપણી સાથે હોય ત્યારે આપણે ખરેખર આપણી જિંદગીને જીવી શકીએ.વ્હાલા માણસોને જોઇને આપણું દિલ ઓટોમેટિક ધડકી ઉઠે છે.આપણુ દિલ એના માટે ગાંડુ ગાંડુ થઈ જાય છે .ગમે એટલું દિલને રોકીએ તો પણ એની પાછળ એ દોડ્યું જ જાય છે. એટલા માટે એવું લખાય કે,
लाख सम्भालो पागल दिल को
दिल धड़के ही जाये |
અને જીવનમા સમયના માર્યા ક્યારેક એવો સમય આવે કે આપણે કુટુંબથી અલગ થવું પડે એમ છે ત્યારે જીવનમાં એક જ વાત યાદ રાખવી કે આ ક્ષણ જે છે એ કદાચ આવતી ક્ષણ હોઈ પણ ના શકે.કોઈએ સાચું જ કહ્યું છે કે
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે?
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે!
ખુદ અખિલ બ્રહ્માડના નાથને પણ નહોતી ખબર કે એક જ રાતમાં અયોધ્યાના રાજ્યના બદલે 14 વર્ષનો વનવાસ મળશે.!! તો પછી આપણે તો સામાન્ય માણસ કહેવાઈએ તો શા માટે માથાકૂટ કરવી..!? એના કરતાં આપણા લોકોની સાથે જીવન જીવી લેવું જોઈએ.કારણકે આ જીવન એક જ વાર મળે છે.એને માણી લેવું જોઈએ.જીવનના આનંદને જાણવો જોઈએ.માટે જ એવું લખાય કે,
पर सोच लो इस पल है जो
वो दास्ताँ कल हो न हो
हर घड़ी बदल रही है…
તો જીવનમાં બીજી કશી ગણતરી કર્યા વગર એન માણી લેવું જોઇએ અને જાણી લેવું જોઈએ.
એક નવા ગીત સાથે ફરી મળીશું આવતા શુક્રવારે….
કોલમિસ્ટ :- યુગ અગ્રાવત