” મમ્મી! આ ચિત્રમાં ઝબલુ છે એવું આપણી પાસે છે? ” પહેલાં ધોરણમાં ભણતા વિશુએ પૂછ્યું.
તે ગુજરાતી વાચનમાળામાંથી જોઈ, મોટેથી બોલી ક, ખ,ગ…. એમ લખી રહ્યો હતો. તેમાં ઝબલાનો ‘ઝ’ આવ્યો ને તેને અચાનક કૈક યાદ આવ્યું.
” ના બેટા. તું તો હવે મોટો થઈ ગયો ! ઝબલા તો બાળકો નાના હોય ત્યારે…. અને ત્યાં…. ” મમ્મીએ પૂર્તિ કરી.
” તો બજારમાં મળે ને?” વિશુએ મમ્મીના જવાબમાં તરત સવાલ જોડ્યો.
” મળે ને ! પણ તને હવે…. હં… તારે એનું શું કામ પડ્યું..? અત્યારે …?? ” મમ્મીને દીકરાની વાતમાં વ્હાલ અને અચરજ બેઉ ઉપજ્યુ. ત્યાં સુધીમાં તો વિશુ હાથમાં ચોપડી લઈ મમ્મી પાસે આવીને ઊભો રહી ગયેલો.
ઝબલુ પહેરેલા બાળક સાથેનો ફોટો બતાવતા કહે “મમ્મી ! મારી શાળા પાસે ફુગ્ગા લઈને બેસે છે તેના બે નાના બાળકોએ રોજ માત્ર ચડ્ડી જ પહેરી હોય છે. તેને આવું ઝબલુ….”
કામ પડતું મૂકીને કેટલાય જવાબ સાથે મમ્મીએ તેના ‘ઝબલા’ ને એક અનોખા વ્હાલથી તેડી લીધો. ઉચ્ચ શિક્ષિત પરિવારનું સંતાન હોવા છતાં વિશુને શિક્ષણ માટે ગુજરાતી માધ્યમની પસંદગીનો જરા પણ અફસોસ ન થયો.
ડૉ. ભારતીબેન જી. બોરડ