” જો પ્રયાસોના ગુબારા આભ આંબી શકે ના,
દોર એનો કાપવામાં કાંઇ પણ વાંધો નથી “
— મધુમતી મહેતા.
આમ તો એવું કહેવાય છે કે માણસને ગમે તેટલીવાર નિષ્ફળતા મળે તો પણ તેણે હાર માનવી નહિ અને પોતાના પ્રયત્નો ચાલુ જ રાખવા જોઇએ. અહીં આ શેરમા કવયિત્રીએ કહ્યું છે કે જો તમારા પ્રયત્નો આકાશને એટલે કે તમારા ધ્યેયને પામી શકે એમ જણાતું ન હોય તો તમારે એ પ્રયત્નો પડતા મૂકવા જોઇએ. આમાંથી આપણને કદાચ જીવનની વાસ્તવિક્તા અથવા તો કડવું સત્ય સ્વીકારી લેવાની પ્રેરણા કવયિત્રીએ આપી છે.
ક્યારેક એવું પણ બનતું હોય કે કોઇ મંજિલ મેળવવા માટેના આપણા પ્રયત્નો અધૂરા અથવા તો પૂરી તૈયારી વિનાના પણ હોઇ શકે છે અને તે કારણે જો આપણને સફળતા ન મળતી હોય તો એ પ્રયત્નો ત્યાં અટકાવી દઇ આપણે નવેસરથી આત્મખોજ કરીને નવી શરુઆત કરવી જોઇએ. એક જ રસ્તો અપનાવીને નિષ્ફળતા મળે તો ત્યાં અટકી જવાને બદલે એ રસ્તો છોડી દઇ નવો બીજો માર્ગ અપનાવી લેવો જ જોઇએ.
કેટલાક લોકો કાયમ ફરિયાદ કરતા જોવા મળે છે કે અમે ઘણું મથ્યા પણ જીંદગીમાં આગળ આવી શક્યા નહિ, અમારું તો નસીબ જ ફૂટલું છે…. ખરેખર આવી ફરિયાદ કરનારાઓને અહીં આડકતરી રીતે શિખામણ અપાઇ છે કે ભાઇ તમે જે રસ્તો પકડ્યો છે તે રસ્તે તમારું ધ્યેય સિધ્ધ ન થાય તો મહેરબાની કરી એ રસ્તો છોડી દો અને નવો રસ્તો પસંદ કરો, કોઇનું મારગદર્શન મેળવો અને આગળ વધો તો સફળતા જરુર મળશે જ..
- અનંત પટેલ