નમસ્કાર દોસ્તો,
આજે વેલેન્ટાઇન ડેના દિવસે પ્રણવના પગરવના લેખનો અંતિમ લેખને રજૂ કરી રહ્યો છું. ગતાંકના છેલ્લા વાક્યમાં મેં કહેલું કે હવે આપણે મળીશું આ યાત્રાના અંતિમ પડાવ – પ્રેમસંબંધમાં અંત સાથે.. શું સાચે જ પ્રેમસંબંધમાં અંત શક્ય છે? ના, ક્યારેય નહિ. કારણ કે પ્રેમ એ એવો સંબંધ છે જેની શરૂઆત તો કદાચ દોસ્તીથી થાય છે, પરંતુ તેનો અંત શક્ય નથી. તેના આભાસી અંતના રૂપે આપણે ફક્ત એક વસ્તુની કલ્પના કરી શકીએ, જે છે સમર્પણ.
ધારો કે તમારો કોઈ મિત્ર છે જેને તમે પસંદ કરો છો. એ તમારી કાળજી રાખે છે, તમે બંને સંજોગોવશાત મળ્યા, એકબીજાને ઓળખ્યા, મોબાઈલ નંબરની આપ લે થઈ, વાતો શરૂ થઈ. ધીમે ધીમે તમે અનુભવ્યુ કે એ તમારી દરેક બાબતને ધ્યાનમાં લે છે અને તમારી સાથે જરૂરી વાતો પણ કરે છે… કદાચ ક્યારેક જરૂર કરતા વધારે પણ… હવે તમને એ વ્યક્તિ સાથે સેફ અને સિક્યોર ફીલ થાય છે. તમે તમારા મનથી એવું ધારી લીધું કે નક્કી કરી લીધું છે કે આ એ જ વ્યક્તિ છે જેની સાથે મારું ભવિષ્ય, મારી કારકિર્દી, મારી ઈચ્છાઓની પૂર્તિ, મારું સ્વાભિમાન સુરક્ષિત છે. શક્ય છે કે આ બાબત સાચી હોઈ પણ શકે અને કદાચ ન પણ હોય. ખરી દુવિધા તમારી અહીંથી શરૂ થાય છે. આ પ્રાકરની પૂર્વધારણાથી બે વાતો શક્ય છે – એક, જો તમે તે વ્યક્તિ સમક્ષ તમારા પ્રેમનો કે તમારી લાગણીઓનો એકરાર કરો છો અને તે વ્યક્તિ તમારી પહેલને કાં તો તરત કાં તો થોડા સમય પછી સ્વીકારી લે છે, તો આ કિસ્સામાં તમારાથી વધુ ભાગ્યવાન વ્યક્તિ કોઈ હોઈ જ ન શકે. અને બીજું, જો સામી વ્યક્તિ તમને ફક્ત મિત્ર જ માનતી હશે તો એ કાં તો સ્પષ્ટપણે તમને કહીં દેશે કે તમારો સંબંધ મિત્રતા સુધી જ રહે તો સારું કાં તો તમે એ કાળજી, એ વાતો, એ જરૂર કરતાં વધારેની વાતો – એ બધું ગુમાવી દેશો.
દર સોમાંથી નવ્વાણું કિસ્સામાં બીજી પૂર્વધારણાનું બીજું સંભવિત પરિણામ જ સત્ય કથન સાબિત થતું હોય છે કારણ કે આપણે, આપણી સામી તરફનું પાત્ર અને આપણો આ કથિત સભ્ય સમાજ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર જ નથી. સામી વ્યક્તિના તમને ના પાડવા પાછળના કારણોમાં ત્રણ બાબત હોઈ શકે છે.- એક, કાં તો તે તમારી લાગણી સમજી નથી શકતી, બીજું, જો સમજે છે તો સ્વીકારી નથી શકતી અને ત્રણ, જો સમજે છે અને સ્વીકારવા પણ તૈયાર છે તો એને સમાજની બંદિશો નડે છે જેમાં માતા પિતાની મરજી, સામાજિક રિવાજોથી લઈને કુછ તો લોગ કહેંગે સુધીની તમામ બાબતો આવરી લેવામાં આવે છે.
એ જ રીતે આપણે પણ એ વ્યક્તિ સમક્ષ એકરાર કર્યા પછી તેની ના સ્વીકારવા માનસિક રીતે તૈયાર નથી હોતા. જે એકતરફી પ્રેમની તાકાત સોલિડ અને સ્ટિરોઈડ જેવી જબરદસ્ત હોય છે, તેવી જ તેની આડઅસર પણ એટલી જ ઘાતક હોય છે. આવા સંજોગોમાંથી બચવા માટેનો અથવા તેમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હોય છે – સમર્પણ…. શુદ્ધ અંગ્રેજીમાં લેટ ગો… જો તે વ્યક્તિ તમારો પ્રસ્તાવ સ્વીકારે છે તો શુભસ્ય મંગલમ્ પણ જો નહિ તો લેટ ધેમ ગો… કારણ કે ઘણી વાર આપણે પડાવ પાર કરીને મંજિલ સુધી પહોંચવામાં એ સડકનો સાથ છોડી દેતા હોઈએ છીએ, જેણે આપણને આપણા વર્તમાન ગંતવ્ય સુધી પહોંચાડવામાં ગહેરો સાથ આપ્યો હોય છે.
જ્યારે આપણે કોઈને કઈંક કહેવું હોય ને ત્યારે જ આપણી પાસે કહેવા જેવું કઈ નથી હોતું – બસ, આ પણ એવી જ વાત છે. કદાચ, તમારે લાગણી વ્યક્ત કરવી છે પણ નથી કરી શકાતી કારણ કે સામી વ્યક્તિ તેને સ્વીકૃતિ નહિ આપે અને જ્યાં સ્વીકૃતિ મળવાની જ નથી ત્યાં સમર્પણ સિવાય કોઈ મુખ્ય વિકલ્પ જ નથી. એના કરતાં સારું એ રહે કે તમે એની સાથે સામાન્ય રીતે જ વાતો કરો, એને અનુભવો, એના સ્મિતનો આનંદ લો અને જે દોસ્તીનો સંબંધ છે તેને પ્રેમના સ્ટિરોઈડથી દૂર રાખો.
ખૂબ યાદગાર રહી આ નાનકડી સફર…. આપ સૌને આ આર્ટિકલ્સ પસંદ આવ્યા એ મારા માટે આનંદની વાત છે… ટૂંકા વિરામ બાદ પુન:મુલાકાત…ક્યોં કિ….
હમ હૈ રાહી પ્યાર કે…ફિર મિલેંગે ચલતે ચલતે…
- આદિત શાહ