બસ! હવે મારા દીકરા! બંધ થઈ જા. આટલું બધું રડાતું હશે કઈ? એક ૩૮ વર્ષના પિતા તેના 6 વર્ષના બાળકને આંગળી પકડીને લઈ જતા હતા. પણ આ નાનકડો બાળક ખુબજ રડી રહ્યો હતો.તે બાળકને તેના પિતા પ્રેમથી પંપાળી રહ્યા હતા. રસ્તામાં ચાલતા- ચાલતા એક નાનકડી ભાગની દુકાન આવી. તે બાળકના પિતાએ વિચાર્યું કે તેના દીકરાને ચોકલેટ લઈ દઊ. જેથી તે રડતો બન્ધ થઈ જાય. માટે તે બાળકને લઈ ને દુકાન પાસે પહોંચ્યાં. અને બોલ્યા ; ” ભાઈ! સૌથી મોંઘો અને સૌથી સારો એક આખો ચોકલેટનો ડબ્બો આપો.” દુકાનવાળા ભાઈ એ બહુંજ પ્રેમથી પૂછ્યું : ” તમારા બાબા નો આજે જન્મદિવસ લાગે છે? એટલે એક ચોકલેટ નહિ પણ આખો ડબ્બો લઈ જવો છે.પણ ! આ શું? જન્મદિવસ ના આ શુભ દિવસે આ દીકરો શા કાજે રડે છે?” પોતાના રડતા દીકરાને હાથની આંગળી છોડાવીને, તેડીને તેને પ્રેમથી આસું લૂછતાં કહ્યું: ” નહિ ..
નહિ.. મારા દીકરાના જન્મદિવસ ની તો હજી વાર છે. ત્યારે તો જાજી બધી ચોકલેટ લેવાની છે. આજે તો મારા દીકરાનો શાળાનો પહેલો દિવસ છે. 5 વર્ષ પુરા કર્યા બાદ આજે તેને પહેલા ધોરણમાં બેસાડવાનો છે. શાળાએ જવું પડ્યું માટે તે રડે છે. તેને નિશાળે નથી જવું!
પણ મારા દીકરાને ત્યાં બહુજ મજા આવશે.મેં તેને સૌથી મોંઘુ દફતર,પાટી, પેન,અને આ ચોકલેટનો ડબ્બો લઈ દીધો છે.ત્યાં બધા બાળકો સાથે તેને મજા આવશે.”
દુકાનદારે તેને સરસ ચોકલેટનો ડબ્બો આપ્યો. તે ડબ્બો તેના રડતા દીકરાને તેના પિતાએ હાથમાં આપ્યો. ડબ્બો જોઈ ને તે રડતો બન્ધ થઈ ગયો!
ચોકલેટનો ડબ્બો જોઈ તેને તેનું ગમ ભુલાઈ ગયું..ફરી પાછા તેના પિતા તેની આંગળી પકડીને આગળ ચાલવા લાગ્યા.શાળા આવી ગઈ. નાનકડી એવી નિશાળ.બહાર મોટું ફળિયું. હીંચકા અને લસરપટ્ટી, ચિત્રો દોરેલી દીવાલો,એક નાનકડો ઓરડો,તેમાં એક બ્લેક બોર્ડ નાની- નાની ખુરશીઓ,નાના – નાના બાળકો અને એક શિક્ષક.
ઘણા બાળકો હતા ત્યાં.બધાનો પહેલો દિવસજ હતો.ઘણા રમતા હતા. ઘણા રડતા હતા. પછી આ બાળકના પિતાએ તેને હાથમાં દફતર ચોકલેટનો ડબ્બો રમાડતા રમાડતા,પ્રેમથી પંપાળતા પંપાળતા ઓરડામાં શિક્ષક તરફ મોકલ્યો. શિક્ષકે પણ તેને પ્રેમથી આવકર્યો. અને બોલ્યા: ” બેટા! અહીં આવ. અહીં તારા ઘણા બધા મિત્રો છે. પછી તે બાળકને હાથ પકડતા શિક્ષકે તેના પિતાને જવાનો ઈશારો કર્યો.તે બાળકને અજાણી જગ્યાનો ડર તો લાગતોજ હતો. શાળાએ શિક્ષક પાસે તેના પિતા તેને મુકીને જતા રહશે. તેના ડરથી તેને તેના પિતાને કડકથી બાથ ભીડી લીધી.
શિક્ષકે બાળકને ખેંચવાની કોશિશ કરી.અને તેને તેડીને તેની પાસે લઈ લીધો .તે બાળક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.! અને તેના પિતા તરફ જવા માટે ધમપછાડા કરવા લાગ્યો. આ જોઈ શિક્ષક બોલ્યા; ” તમે જાવ. હું સાચવી લઈશ. થોડી વાર રડશે પછી બધા સાથે રમવા લાગશે. પછી ટેવાઈ જશે.”
તે બાળક બહુજ રડવા લાગ્યો.તેના પિતાએ શિક્ષક ની વાત માનીને તેના બાળકને ત્યાં રડતો મૂકીને બહાર જવા માટે પગ ઉપડ્યા. બાળક પિતાને દૂર જતા જોરથી રડતું હતું. બહુજ રડતું હતું. તેના પિતા બહાર નીકળી ગયા તેને દેખાતા બન્ધ થઈ ગયા.તે બાળક ઉદાસ થઈ ગયું. થોડી વાર થઈ તેના પિતા પાછા આવ્યા. શિક્ષક ને નવાઈ લાગી. તે બાળક રડતા રડતા ચૂપ થઈ ગયું. તેના પિતાએ તેના બાળકને તેડી લીધો.અને બોલ્યા.” આ ચોકલેટનો ડબ્બો વહેચી દેજો બધા બાળકોને. હું મારા દીકરાને લઈ ને ઘરે જાવ છું. તેને હું આમ રડતો ના મૂકીને જઈ શકું. મારાથી તેને અલગ નથી થવું.શાળાએ નથી જવું. તો તેને હું રડાવી મને ચેન નથી પડતો માટે મારો દીકરો હસતો હસતો જ્યારે અહીં આવવાનું કેશે ત્યારે મોકલીશ આજે હું તેને સાથે લઈ જવ છું. શિક્ષક નવાઈ થી જોઈ રહ્યા હતા. અને તે તેના દીકરાને વ્હાલ કરતા કરતા લઈ ગયા…
” ઘરડી આંખે, આછા આંસુ સાથે એક વૃદ્ધ માણસ વિચાર વિચાર માં રડી પડ્યા. કારણ કે તે વૃદ્ધાશ્રમ ની બહાર બગીચામાં બેઠા હતા. તેના દીકરાનો શાળાનો પહેલો દિવસ યાદ આવી ગયો હતો.અને તેનો પણ વૃદ્ધાશ્રમનો પહેલો દિવસ હતો…
Guest Author
– ‘વૈશાલી’ એલ.પરમાર