શાળામાં અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓને સ્થાન આપવામાં આવે તો વિદ્યાર્થીમાં રહેલી કળાને બહાર લાવી શકાય છે. આ હેતુને ધ્યાનમાં રાખી અમદાવાદના સરખેજ વિસ્તાર સ્થિત સરખેજ કન્યા શાળા ખાતે આનંદ મેળા સાથે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતુ. આયોજનમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ સક્રિયતા દર્શાવી હતી.
શાળાના શિક્ષકોના દ્રષ્ટિકોણથી જોતા આ આયોજનનો હેતુ વિદ્યાર્થીનાઓમાં પાકશાસ્ત્ર, માર્કેટિંગ, આયોજન, સંકલન, વ્યવસાય, નફો-ખોટ, જૂથ કાર્ય, સહકાર, સ્વચ્છતા વગેરે કૌશલ્યોને ખીલવવાનો રહેલો છે.
આ પ્રવૃત્તિમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ વિવિધ વાનગીઓ બનાવી પોતાના સ્ટોલ પર ગોઠવણી કરી હતી. આ વાનગીનો લાભ ધોરણ 6 અને 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ લીધો હતો. આ આયોજન સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે એક અનોખો અનુભવ રહ્યો અને તેઓ માટે જીવન ઉપયોગી પ્રવૃત્તિ સાબિત થશે.