અમદાવાદ : શહેરમાં બેફામ ગતિએ ચાલતી બીઆરટીએસ બસના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ગઇકાલે મોડી રાતે શાસ્ત્રીનગરના પલ્લવ સર્કલ પાસે બીઆરટીએસ બસ, કાર અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલી બીઆરટીએસ બસના ચાલકે એક્ટિવાચાલક અને કારને અડફેટમાં લીધાં હતાં, જેમાં એક્ટિવાચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે કારમાં બેઠેલ બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હતી. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે બીઆરટીએસના ડ્રાઇવર વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
જો બનાવને પગલે સમગ્રવ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, એક્ટિવાચાલકના કરૂણ મોતને લઇ સ્થાનિકોમાં અરેરાટીની લાગણી પણ પ્રસરી હતી. વાસણા વિસ્તારમાં આવેલ ગુપ્તાનગરમાં રહેતા કરણસિંહ જગતસિંહ પવારે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બીઆરટીએસના ડ્રાઇવર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે, ગોતા નજીક આવેલા ઓગણજ પાસેના વસંતનગરમાં રહેતા શંભુસિંહ જગતસિંહ પવાર એઇસી સર્કલ પાસે ખાણી-પીણીનો ધંધો કરે છે. ગઇકાલે મોડી રાતે શંભુસિંહ દુકાન બંધ કરીને એક્ટિવા પર પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમને પલ્લવ સર્કલ પર અકસ્માત સર્જાયો હતો. શંભુસિંહ અંકુરથી પલ્લવ સર્કલ તરફ જવાના રોડ પર જતા હતા ત્યારે એઇસી સર્કલથી આરટીઓ જવાના રૂટ પર પુરઝડપે બીઆરટીએસ બસ આવતી હતી.
પલ્લવ સર્કલ પર બીઆરટીએસના ડ્રાઇવરે બ્રેક મારવાની જગ્યાએ પુરઝડપે રોડ ક્રોસ કરવાની કોશિશ કરી હતી. પુરઝડપે રોડ ક્રોસ કરતી વખતે શંભુસિંહ અને અન્ય એક કાર બસની અડફેટમાં આવી હતી. બસની સ્પીડ એટલી વધારે હતી કે શંભુસિંહનું એક્ટિવા બસની નીચે કચડાઇ ગયું હતું જ્યારે કાર રેલીંગ સાથે અથડાઇ હતી. બીઆરટીએસના આ ભયંકર અકસ્માતમાં શંભુસિંહનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે કારમાં બેઠેલ ચાર વ્યકિતઓ પૈકી બે વ્યકિતઓને ઇજા પહોંંચી હતી. આ ઘટના જોઇને સ્થાનિકો દોડી આવ્યા હતા અને શંભુસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. તો કારમાં બેઠેલ વ્યકિતઓને પણ સ્થાનિકોએ બહાર કાઢીને તેમની સારવાર માટે ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી.
અકસ્માતની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી અને ઘાટલોડિયા પોલીસ તેમજ ટ્રાફિક બી ડિવિઝન પોલીસ પણ પહોંચી ગઇ હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોનાં ટોળે-ટોળાં ઘટનાસ્થળે ઊમટી પડયાં હતાં. મોડી રાતે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ ટ્રાફિક ક્લિયર કર્યો હતો, જ્યારે અકસ્માત કરીને બીઆરટીએસનો ચાલક નાસી ગયો હતો. પુરઝડપે આવતી બીઆરટીએસના ચાલકો સામે ઉશ્કેરાયેલા ટોળાઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. પોલીસ ઉશ્કેરાયેલા ટોળાને વેરવિખેર કરીને બીઆરટીએસના ડ્રાઇવર વિરુદ્ધમાં આઇપીસી ૩૦૪ (અ) હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી ત્યારે બીજી તરફ શંભુસિંહની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.
ટ્રાફિકના બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે બસનો ડ્રાઇવર ઝુંડાલ સર્કલ આવેલ બીઆરટીએસના ક્વાર્ટરમાં રહે છે. પોલીસે મોડી રાતે બીઆરટીએસના ડ્રાઇવર ચિરંજીલાલ મરતાજી બોડરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચિરંજીલાલ મૂળ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે અને હાલ બીઆરટીએસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. આ મામલે શંભુસિંહના પિતરાઇભાઇ કરણસિંહ જગતસિંહ પવારે જણાવ્યું છે કે શંભુસિંહ મુળ રાજસ્થાનનો છે અને અમદાવાદના ઓગણજ ખાતે છેલ્લા ઘણા સમયથી પત્ની સાથે રહે છે. દસ વર્ષ પહેલાં તેનાં લગ્ન થયાં હતાં. શંભુસિંહના અકસ્માતમાં મોતની ઘટનાને પગલે તેના પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.