મિત્રો,ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે જ્યારે માણસના મગજમાંથી પુર્વગ્રહો દૂર થાય ત્યારે એને એનું ખોવાયેલું સપનું પાછું મળે છે એના જીવનમાંથી આનંદના સુર રેલાય છે. હવે જોઈએ આગળ,
એકવાર માણસના મગજમાંથી કોઈ શું કહેશે એ ભય દૂર થઈ જાય એટલે એનું મગજ પોતાના સપનાને પુરા કરવા માટે પ્રયત્ન કરશે અને એ માટે એ નવું નવું વિચારશે. જેનાથી એને પોતાનું ધ્યેય પુરુ કરવામાં ઝડપ થશે. આકાશ એ વિશાળતા નું પ્રતીક છે, નિર્મળતાની નિશાની છે. જેવી રીતે ખુલ્લા આકાશમાં અનેક વાદળો આવેલા હોય છે એવી રીતે માણસમાં મગજમાં પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અનેક વિચારો આવે છે. આ વિચારો પોઝિટિવ સકારાત્મક હોવા ખુબ જરૂરી છે. પોઝિટિવ વિચારોને કારણે માણસના મન અને મગજને પોષણ મળે છે અને એ ખુબ ઝડપથી પોતાના લક્ષ્ય તરફ ગતિ કરે છે. માણસના મનમાં રહેલા નેગેટિવ વિચારોએ શિયાળામાં જોવા મળતા ધુમ્મસ જેવા હોય છે. જે જગ્યાએ ધુમ્મસ હોય ત્યાં કાંઈ દેખાય નહિ એવી રીતે જે માણસમાં મનમાં નેગેટિવ વિચારો હોય એને પોતાનું લક્ષ્ય ચોખ્ખું દેખાતું નથી. માટે સૌથી પહેલા આ ધુમ્મસને દૂર કરવો ખુબ જરૂરી છે. પણ આપણને એમ થાય કે આ ધુમ્મસને દૂર કેવી રીતે કરવો.!? આપણે બધાએ જોયું છે કે શિયાળામાં જ્યાં સુધી સૂર્યોદય નથી થતો ત્યાં સુધી ધુમ્મસ પોતાનું સામ્રાજ્ય જમાવી રાખે છે પણ જેવા સૂર્યના કિરણો આ પૃથ્વી પર પડે ને તરત ધુમ્મસ દૂર થવા લાગે છે એમ આ નેગેટિવ વિચારોના ધુમ્મસને દૂર કરવા માટે આપણે મનમાં સકારાત્મક વિચારોનો સૂર્ય ઉગાડવો પડશે. જેના કિરણો પડતા જ નકારાત્મક વિચારો જતા રહેશે.
એક વાત તો સાફ છે કે આપણે જેવું વિચારશું એવા થઈ જઈશું. જો આપણે એમ વિચારશું કે આ દુનિયામાં કાંઈ સારું છે જ નહીં.મારી પર જ કેમ બધી મુસીબતો આવે છે.!? શા માટે મારી સાથે જ આવું થાય છે.!? દર વખતે કેમ હું જ આવી મુસોબતોનો શિકાર બનું છું.!? તો ચોક્કસપણે આપણે દુઃખી જ થઈશું. પણ જ્યારે આપણે એવું વિચારવાનું ચાલુ કરીશું કે હા,હું એ કરી શકીશ.! હું મારા કાંડાના કૌવતે બધું સરખું કરી દઈશ તો આપણી સાથે બધું સારું જ થવા લાગશે.આપણે એવો વિશ્વાસ રાખીશું કે હું ગમે એવી મુસીબતનો સામનો કરી શકું છું તો આપણે બહુ હેરાન નહિ થઈએ.અને આપણને આપણું લક્ષ્ય મેળવવામાં કોઈ તકલીફ નહી પડે.માટે એવું લખવું પડે કે,
धुंआ छटा खुला गगन मेरा,
આપણને એમ થાય કે આમાં લખે છે કે खुला गगन मेरा તો શું અત્યાર સુધી આપણા આકાશને કોઈએ બાંધી રાખ્યુ હતું કે શું..!? હા,આપણું આકાશ બંધાયેલુ હતું :-નેગેટિવ વિચારોથી. આપણે જાતે કરીને આપણને નેગેટિવ વિચારોના પીંજરામાં પુરી લીધા હતા.પણ પોઝિટિવ વિચારોના પ્રચંડ પ્રહારે એ પીંજરું તોડીને આપણને આઝાદ કર્યા અને એકવાર આપણે આઝાદ થઈએ પછી શું થાય તો કે,
नयी डगर नया सफ़र मेरा,
આપણને ધ્યેય પૂરું કરવા માટે નવા નવા રસ્તા મળે છે.આપણે ધ્યેયને પુરી કરવા માટે એક નવી,ઉર્જા સભર યાત્રા ચાલુ કરીએ છીએ અને આપણાં લક્ષ્ય તરફ ગતિ કરવાનું ચાલુ કરીએ છીએ.હવે બને છે એવું કે જ્યારે કોઈ યાત્રા ચાલુ થાય ત્યારે ઘણી વાર એ સમૂહમાં થતી હોય છે.એના માટે લોકોને ભેગા કરવાના હોય છે પણ અહીં એવું થતું નથી.અહીં તો એવું કહે છે કે,
जो बन सके तू हमसफ़र मेरा,
नज़र मिला ज़रा.
હા,અહીં એવું કહે છે કે હું કહું છું એટલા માટે નહીં..! પણ જો તું મારો હમસફર બની શકે તો ચાલ.નજર મિલાવ. મારી આંખોમાં રહેલું ઝનૂન જો અને જો તને સાથે આવવાની ઈચ્છા થાય તો જ તું આવ. આવું એટલા માટે કહેવું પડે છે કે ક્યારેય આપણે યાત્રામાં સાથે લીધેલા વ્યક્તિઓ જો થકી જાય તો આપણે પણ યાત્રા અધૂરી રાખીને એની સાથે પાછું આવતું રહેવું પડે છે.આવું ના થાય અને આપણે આપણી મંજિલ સુધી પહોંચીએ એટલા માટે પહેલેથી જ એને ચોખવટ કરી દેવાની હોય છે કે,
सफ़र में धूप तो होगी जो चल सको तो चलो,
सभी हैं भीड़ में तुम भी निकल सको तो चलो ।
कहीं नहीं कोई सूरज, धुआँ धुआँ है फ़िज़ा,
ख़ुद अपने आप से बाहर निकल सको तो चलो । ( निदा फाजली )
હા, કે મારી સાથે ચાલવામાં મુશ્કેલીઓ બહુ આવશે જો તમારી ઈચ્છા હોય તો મારી સાથે ચાલો,આ દુનિયાએ બનાવેલા નિયમો કે રસ્તા પર હું નહીં ચાલુ ! ,હું તો મારો રસ્તો પોતે બનાવીશ. જો તમારામાં આ દુનિયાએ બનાવેલા રસ્તાથી અલગ થઈને કંઈક હટકે કરવાની ઈચ્છા હોય તો મારી સાથે ચાલો, ઘણીવાર એવું બનશે કે આપણને એવું લાગશે કે હવે સફળ થવાની કોઈ ચાન્સ જ નથી, ક્યારેક ક્યાંય આશાનું એક કિરણ જોવા નહીં મળે, નેગેટિવ વિચારો ચારે તરફથી ઘેરી લેશે ત્યારે હવે મારાથી આ નહિ થાય એવી તમારી પોકળ માન્યતાઓમાંથી નીકળી શકો એમ હોય તો ચાલો મારી સાથે. આમ આપણી સાથે ચાલવાવાળો જો મક્કમ મનોબળ વાળો હોય તો જ એ આવશે માટે એવું લખાય કે,
जो बन सके तू हमसफ़र मेरा,
नज़र मिला ज़रा.
પણ સવાલ એ છે કે આવા ખુમારી ભરેલા શબ્દો નીકળે ક્યારે તો કે જ્યારે આપણે રોશનીની રૂબરુ થઈએ ત્યારે,જ્યારે આપણે કંઈક કરી છુટવાની તમન્ના ધરાવતા હોય ત્યારે…….
માટે એવું કહેવું પડે કે,
.
रू-बा-रू रौशनी हेय..
વધુ આવતા શુક્રવારે….
કોલમિસ્ટ:- યુગ અગ્રાવત