વ્યારા: તાપી જિલ્લાના કલેક્ટર એન.કે ડામોરની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના ડૉલવણ તાલુકાના મુખ્ય મથક ડૉલવણ ખાતે ૬૯મા પ્રજાસત્તાક પર્વની રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે દબદબાભેર જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રની આન, બાન અને શાન સમા તિરંગાને સલામી આપી પોલીસ પરેડનું નિરીક્ષણ કરી માર્ચપાસ્ટની સલામી ઝીલી પ્રજાજોગ સંબોધન કરતા જિલ્લા કલેકટર એન.કે ડામોરે રાજય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલી ધ્યાનાકર્ષક કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે તાપી જિલ્લાના પ્રજાજનોને ૬૯મા પ્રજસત્તાક પર્વની શુભકામના પાઠવી સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદવીરોને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
પ્રજાજોગ સંબોધન કરતા કલેકટરે તાપી જિલ્લામાં વહી રહેલી વિકાસની અપ્રતિમ સરવાણીની ઝલક રજૂ કરતા જણાવ્યું હતું કે, પ્રજાભિમુખ અને પારદર્શી વહીવટ થકી તાપી જિલ્લાએ દસ વર્ષના ટુંકા ગાળામાં જ બહુમુખી વિકાસ સાધ્યો છે એમ જણાવી તેમણે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી પ્રજાલક્ષી કામગીરીનો પણ ચિતાર રજૂ કર્યો હતો.
ડૉલવણ ખાતે યોજાયેલી ૬૯મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન સ્વાતંત્ર્ય સેનાની સન્મુખભાઇ શાહનું જિલ્લા કલેકટર એન.કે ડામોરે સુતરની આંટી પહેરાવી સન્માન કર્યું હતું. જિલ્લા કલેકટરે ડૉલવણ તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.પી. પાટડિયાને એનાયત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ઠ પ્રદાન કરવા બદલ જિલ્લાના નાગરિકો અને વહીવટીતંત્રના કર્મયોગીઓનું જિલ્લા કલેકટર એન.કે ડામોર, જિલ્લા વિકાસ અધિકારી જે.બી. પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક ચૌધરીએ પ્રમાણપત્ર આપીને નવાજયા હતા. આ ઉપરાંત શ્રેષ્ઠ ટેબ્લો, શ્રેષ્ઠ સાંસ્કૃતિક કૃતિઓને પણ પ્રમાણપત્ર અને રોકડ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન યોજાયેલા પરેડ અને માર્ચપાસ્ટ, ટેબ્લોઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપસ્થિતોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ડૉલવણ હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન અને પોલીસ વિભાગના એ.એસ.આઇ જાદુગર મોહનભાઇ રાઠોડે બાઇક સ્ટંટ કરી ટ્રાફિક અવેરનેસ અંગે સંદેશો આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાની બે બાળાઓને સ્માર્ટ ફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ઉચ્છલના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.
કાર્યક્રમમાં અધિક જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશભાઇ પટેલ, અધિક નિવાસી કલેકટર એસ.પી મુનિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિનામા, પ્રયોજના વહીવટદાર બોર્ડાર, કાર્યપાલક ઇજનેર એ.જી.વસાવા, કાર્યપાલક ઇજનેર ચૌધરી, ડૉલવણ તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા/જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, અન્ય પદાધિકારીઓ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, શાળાના બાળકો, ગ્રામજનોઉપસ્થિત રહ્યા હતા.