” ઠેસ પહોંચાડવી છે હૈયાને ?
કોઇ તાજુ ગુલાબ લઇ આવો. “
-શ્રી”કાબિલ” ડેડાણવી
નરમ અને મુલાયમ ચીજો કોઇને ક્યારેય કશી ઠેસ કે તકલીફ આપતી નથી તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. પણ કવિ કોને કહેવાય ? એને તો ફૂલથી ય ઠોકર વાગે છે. એ કહે છે જો મારા હ્રદયને ઠેસ પહોચાડવી જ હોય તો તમારે એને માટે પથરો લાવવાની જરુર નથી, જાઓ તમે બસ એક ગુલાબ લઇ આવો . એનાથી મારા દિલને આઘાત મળી શકે એમ છે. અહીં પ્રશ્ન થાય કે કવિ આવું શું કામ કહેતા હશે ? લાગે છે કે કવિનુંહ્રદયજીવનમા ઘણા આઘાત વેઠીવેઠીને ખૂબ જ કોમળ બની ગયું છે અથવા તો ખૂબ જ ભયભીત બની ગયું છે કે તેને હવે કોઇ ગુલાબ અથવા કોઇ સુંદર ફૂલ આપશે તો પણ એને એ વેઠી નહિ શકે.
જીવનમાં માણસે ઘણા સંઘર્ષ કરવા પડતા હોય છે. ડગલે ને પગલે કંઇ ને કંઇ તકલીફ આવતી જ હોય છે. પરંતુ આવી અનેક તકલીફોવેઠીનેમાણસનુ દિલ અમુક સમય બાદ તેનાથી ટેવાઇ જતું હોય છે. છતાં ઘણીવાર માણસનું દિલ આવી અસંખ્ય ચોટ ખાઇ ખાઇને એટલું બધું નરમ થઇ ગયું હોય છે કે એને ગુલાબના ફૂલનો સ્પર્શ થાય તો પણ તેનાથી દુ:ખ થાય છે.તેનો નરમ સ્પર્શ પણ દર્દ આપી જતો હોય છે. કવિએ જીવનમાં થયેલ સંઘર્ષ અને તેને લીધે આળા બની ગયેલા હૈયાનેગુલાબના ફૂલનો સ્પર્શ પણ દુ:ખ આપી શકે તે વાત આ શેરમાં સુપેરે સમજાવી છે. ક્યારેક એવું પણ બને છે કે તમને કોઇએ ફૂલ દ્વારા પણ ઠેસ પહોંચાડી હોઇ શકે છે. આ શેર વાંચતી વખતે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં ક્યારેક આવી અનુભૂતિ થયાનું યાદ આવી જાય છે,
- અનંત પટેલ