અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ કરી તેને કચરાગાડીમાં ઠાલવવાની નીતિ જાહેર કરાઇ છે પણ હજુ સુધી નાગરિકો તેમ કરવા ટેવાયેલા નથી. ગત તા.ર ડિસેમ્બરે તંત્ર દ્વારા શહેરના બાર લાખ ઘરનો સંપર્ક કરી લોકોને કચરાને અલગ પાડવા બાબતે સમજ અપાઇ હતી. જા કે, બીજીબાજુ, હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ હાઉસિંગ પ્રોજેકટ દ્વારા બંધાયેલા કે નિર્માણાધીન આવાસ યોજનામાં ભીના કચરામાંથી કોમ્પોસ્ટ ખાતર બનાવવાની કામગીરીને પ્રાથમિકતા આપી હોઇ તેમાં પણ નવા ટેન્ડરમાં તો આ અંગેની જોગવાઇને ફરજિયાત કરી છે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની સૂચનાના પગલે નવી આવાસ યોજનાના ટેન્ડરમાં જ કોન્ટ્રાકટરો માટે આ પ્રકારના કોમ્પોસ્ટ મશીન મૂકવાની જોગવાઇ ફરજિયાતપણે કરાયું છે. તાજેતરમાં તંત્રની નવી નીતિ હેઠળ જ ૩પ૦૦ એલઆઇજી મકાન ધરાવતી સ્કીમ હેઠળ સોલા, થલતેજ અને ગોતામાં બંધાનારા આવાસ યોજનામાં કોમ્પોસ્ટ ખાતરનાં મશીન ફરજિયાત બન્યાં છે. આમ, તંત્ર દ્વારા વેસ્ટ સેગ્રીગેશનના મામલે હાઉસિંગ પ્રોજેકટની આવાસ યોજનામાં કડકાઇપૂર્વક કામ લેવાઇ રહ્યું છે. શહેરને સ્વચ્છતામાં નંબર વન બનાવવા માટે વેસ્ટ સેગ્રીગેશન જરૂરી હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત તા.ર ડિસેમ્બરના રવિવારે ખાસ મહાઅભિયાન હાથ ધરાયું હતું. ખુદ કમિશનર વિજય નેહરાએ એએમટીએસ અને બીઆરટીએસ બસમાં ફરી લોકોને કચરો અલગ તારવી આપવાનું મહત્વ સમજાવ્યું હતું.
ત્યારબાદ તા.૩ ડિસેમ્બરથી તંત્ર દ્વારા નાગરિકો પાસેથી સૂકો અને ભીનો કચરો અલગ હોય તો જ સ્વીકારાઇ રહ્યો છે. તેમ છતાં આજે રર દિવસ બાદ પણ શહેરીજનો કચરાગાડીને સૂકો અને ભીનો કચરો અલગ કરી આપવાના મામલે ખાસ ટેવાયા હોય તેમ લાગતું નથી, કેમ કે અગાઉની દરરોજ ડોર ટુ ડોરના ૧૪પ૦ મેટ્રિક ટન કચરા સરેરાશ જોતાં આજે પણ ર૦ ટકા કચરો ઓછો આવી રહ્યો છે. બીજી તરફ કમિશનર નેહરાની કડક તાકીદના પગલે હાઉસિંગ પ્રોજેકટ દ્વારા નિર્મિત વિવિધ સ્કીમ હેઠળ આ આવાસોમાં ઉત્પન્ન થતા સૂકા અને ભીના કચરા પૈકી ભીના કચરામાંથી સ્થળ પર જ કોમ્પોસ્ટ ખાતર બનાવે તેવાં મશીન મુકાઇ રહ્યાં છે. વર્ષ ર૦૧૦ની સ્લમની આઠ સ્કીમમાં જે તે ડેવલપર દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ કોમ્પોસ્ટ ખાતરનાં મશીન મુકાયાં છે. ત્યારબાદ ઇડબલ્યુએસ-એલઆઇજીની વિવિધ સ્કીમ હેઠળ વસ્ત્રાલ, નિકોલ, નરોડા, અસલાલી જેવાં ૧૬ સ્થળોએ બંધાયેલાં કુલ ૬૦૦૦ મકાન ધરાવતી આવાસ યોજનામાં જે તે એનજીઓ દ્વારા કોમ્પોસ્ટ ખાતરનાં મશીન મુકાઇ રહ્યાં છે.