અમદાવાદ : દેશભરમાં ખળભળાટ મચાવનારા બેસ્ટ બેકરી કેસના ટ્રાયલમાં વિવાદીત અને પક્ષપાતી ભૂમિકા ભજવનાર વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટના મુખ્ય સરકારી વકીલ રઘુવીર નંદકૃષ્ણ પંડયાની નિમણૂંકને ગુજરાત હાઇકોર્ટે અગાઉ રદ કરી તેમના સ્થાને કાયમી મુખ્ય સરકારી વકીલની નિમણૂંક છ સપ્તાહમાં કરવાનો સ્પષ્ટ હુકમ કર્યો હોવાછતાં રાજય સરકાર દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના આદેશનો તિરસ્કાર થાય તે રીતે હજુ સુધી વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કાયમી મુખ્ય સરકારી વકીલની નિમણૂંક કરવામાં આવી ન હતી અને જે ઇન્ચાર્જ મુખ્ય સરકારી વકીલ મનોજ દરજીથી કામ ચલાવાઇ રહ્યું છે, તેમની સામે પણ ખુદ વડોદરાના જ એડિશનલ સેશન્સ જજ દ્વારા ગંભીર ટિપ્પણીઓ કરવામાં આવી હોવા છતાં તેમને ઇન્ચાર્જ ડીજીપી(ડિસ્ટ્રીક્ટ ગવર્મેન્ટ પ્લીડર-મુખ્ય સરકારી વકીલ) તરીકે ચાલુ રાખવામાં આવતાં આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ થઇ હતી, જેની સુનાવણીના અંતે હાઇકોર્ટના એકટીંગ ચીફ જસ્ટિસ અનંત એસ.દવે અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કાયમી ડીજીપીની નિમણૂંક ત્રણ સપ્તાહમાં કરવા રાજય સરકારને મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે સરકારના વલણ પરત્વે ગંભીર નારાજગી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, રેગ્યુલર પબ્લીક પ્રોસીકયુટરની નિમણૂંકના અભાવે ક્રિમીનલ જયુડીશીયલ સીસ્ટમ વિલંબિત થઇ રહી છે અને તેને લઇ માઠી અસર પડી રહી છે. હાઇકોર્ટે જા કાયમી ડીજીપીની નિમણૂંક ના થાય તો કન્ટેમ્પ્ટ માટે તૈયાર રહેવા પણ રાજય સરકારના સત્તાવાળાઓને સ્પષ્ટ ચીમકી આપી હતી.
અરજદાર લક્ષ્મણભાઇ રૂપચંદ મેઘવાણી તરફથી હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ચકચારભર્યા બેસ્ટ બેકરી કેસના ટ્રાયલમાં ખુદ કેસની સાક્ષી ઝહીરા શેખ દ્વારા ટ્રાયલ દરમ્યાન સરકારપક્ષ ખાસ કરીને મુખ્ય સરકારી વકીલ રઘુવીર પંડયાની ભૂમિકાને લઇ ગંભીર સવાલો ઉઠાવાયા હતા અને આરોપ લગાવાયા હતા. મુખ્ય સરકારી વકીલની આવી ભૂમિકાને લઇ કેસને વિપરીત અસર પહોંચી હોવાના આક્ષેપ પણ સાક્ષી દ્વારા કરાયા હતા. દરમ્યાન અરજદાર દ્વારા અગાઉ ૨૦૧૫માં આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરી વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટના તત્કાલીન મુખ્ય સરકારી વકીલ રઘુવીર પંડયાની નિમણૂંકને પડકારી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે કેસની ગંભીરતા અને હકીકતો ધ્યાને લઇ વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટના તત્કાલીન મુખ્ય સરકારી વકીલ રઘુવીર પંડયાની નિમણૂંકને રદબાતલ ઠરાવી હતી અને આ જગ્યા પર નવેસરથી નિમણૂં કરવા માટે ખૂબ જ મહ્ત્વનો આદેશ કર્યો હતો. એટલું જ નહી, ખુદ હાઇકોર્ટે મુખ્ય સરકારી વકીલ જેવી નિયુકિત માટેની અગત્યની માર્ગદર્શિકા પણ જારી કરી હતી.
સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામીએ હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, રઘુવીર પંડયાની નિમણૂંક રદ કરાતાં રાજય સરકારે આ હુકમ સામે સુપ્રીમકોર્ટમાં એસએલપી કરી હતી પરંતુ સુપ્રીમકોર્ટે પણ ગુજરાત સરકારની સ્પેશ્યલ લિવ પિટિશન ધરાર ફગાવી દઇ હાઇકોર્ટના હુકમને બહાલ રાખ્યો હતો. તેમછતાં સરકાર દ્વારા વડોદરા ડિસ્ટ્રીકટ કોર્ટમાં કાયમી ડીજીપીની નિમણૂંક કરાઇ નથી અને તેના બદલે ઇન્ચાર્જ ડીજીપી તરીકે મનોજ દરજીને મૂકી કામ ચલાવાઇ રહ્યું છે. પરંતુ ઇન્ચાર્જ ડીજીપી મનોજ દરજીની ભૂમિકા પણ વિવાદીત અને ચર્ચાસ્પદ રહી છે. તે જુનીયર એડવોકેટ છે અને મુખ્ય સરકારી વકીલ(ડીજીપી)ના હોદ્દા માટે લાયક નથી. ખુદ વડોદરાના સંબંધિત એડિશનલ સેશન્સ જજે આ ઇન્ચાર્જ મુખ્ય સરકારી વકીલ વિરૂધ્ધ ગંભીર ટિપ્પણીઓ હુકમમાં નોંધ કરી તે હુકમ વડોદરા કલેકટરથી લઇ ગુજરાત હાઇકોર્ટ સુધીના સત્તાવાળાઓને મોકલ્યો હતો. તેમછતાં વડોદરા ડિસ્ટ્રીકટ્ કોર્ટમાં કાયમી ડીજીપીની નિમણૂંક નહી થતાં અરજદારે ૨૦૧૭માં ફરીથી હાઇકોર્ટમાં રિટ કરી હતી.
જેમાં ખુદ સરકારે છ અઠવાડિયામાં આ નિમણૂંક કરી દેવાની ખાતરી આપતાં હાઇકોર્ટે તે મુજબનો હુકમ કર્યો હતો. જા કે, સરકારની ખાતરીના આ છ અઠવાડિયા તા.૫-૧-૧૮એ પૂરા થઇ ગયા હોવાછતાં આજદિન સુધી સરકારે વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કાયમી મુખ્ય સરકારી વકીલની નિમણૂંક કરી નથી. આ માત્ર હાઇકોર્ટ જ નહી પરંતુ સુપ્રીમકોર્ટનો પણ સીધેસીધો અદાલતી તિરસ્કાર છે કારણ કે, રઘુવીર પંડયાની નિમણૂંક રદ કરી નવી નિમણૂંક કરવાના હાઇકોર્ટના હુકમ સામે સરકારની પિટિશન સુપ્રીમકોર્ટે પણ ફગાવેલી છે. આ સંજાગોમાં હાઇકોર્ટે સરકારના સત્તાવાળાઓનો આ સમગ્ર મામલે ખુલાસો માંગવો જાઇએ અને તાત્કાલિક કાયમી ડીજીપીની નિમણૂંક કરાવવી જાઇએ.