“સાંકડે મારગ મદોન્મત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાખે મને, કાં મસ્તકે ઢોળે કળશ .”
— શ્રી પુરુરાજ જોશી
આ એક એવી પરિસ્થિતિની વાત છે જ્યારે તમારા જીવન પંથમાં બે શક્યતાઓ ઉભી થયેલી હોય છે. તમે જીવનના એવા તબક્કે પહોચેલા હો કે જ્યારે તમારુ ધ્યેય અથવા સફળતા અને મૃત્યુ બને હાથ વ્હેંત જ છેટાં હોય , સામે હાથિણી ઉભી છે તેની સૂંઢમાં કળશ છે જો તે તમારા પર ઢોળે તો તમારો બેડો પાર છે પણ તે જ હાથિણી જો ધારે તો તમને આ સાંકડા માર્ગમાં કચડી પણ નાખે. આ શેરમાં શાયરે મનુષ્યના જીવનમાં નસીબનું કેટલું મહત્વ છે તે દર્શાવ્યું છે. તમારે જે પુરુષાર્થ કરવો હતો તે કરી ચૂક્યા છો હવે તમારા ભાગ્યની દેવી તમને શું આપે છે તે જોવાનું રહે છે. કવિ અહીં એવું કહેતા લાગે છે કે નસીબ આગળ કોઇનું કશું ચાલતું નથી. ભગવદગીતામાં ભગવાને કહ્યું છે ને કે તારો માત્ર કર્મ પર જ અધિકાર છે તેનું ફળ કેવું મળે તે તો ઇશ્વરની ઇચ્છાની વાત છે.
સાંકડો માર્ગ એટલે જીવનમાં આવતી મુશ્કેલીઓ, હાથિણી એટલે ભાગ્યનીદેવી.આમાં બીજો એક ગુપ્ત સંદેશ પણ છે કે તમને તમારા કર્મના બદલામાં જે ફળ મળે તે ખેલદિલિપૂર્વક સ્વીકારી લેવું જોઇએ. સફળતા કે નિષ્ફળતા તો ભાગ્યને આધીન છે.
- અનંત પટેલ