યુગપત્રી
મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે પ્રિય વ્યક્તિની સાથે આપણને બધી જગ્યા એ ફાવી જાય, આપણને એની આંખમાથી સતત પ્રેરણા અને પ્રેમ મળતો રહે છે પરિણામે આપણે ગમેં તે મુસીબતમાં અડીખમ ઉભા રહી શકીએ છીએ. હવે જોઈએ આગળ,
યુવાકવિ અભય દવે પોતાની કલમે લખે કે,
ભાર એવો હોય કે ધબકાર પણ ઝીલાય નૈ,
એટલું દિલમાં કદી પણ સાચવી મુકાય નૈ,
પ્રેમને પહેલા ચકાસી લેવો જોઈએ,
ક્યાંક તકલાદી મળે તો એ પછી બદલાય નૈ.
ક્યારેક આપણા દિલમાં કોઈ વાતને લઈને એટલું વધુ ભારણ વધી જાય કે આપણને ખુદ આપણા જ ધબકાર બોજ લાગવા લાગે છે.પણ સવાલ એ છે કે આટલો બધો ભાર લાગે ક્યારે ? તો કે જ્યારે આપણે કોઈ પણ વાતને દિલમાં જ સાચવીને રાખીએ ત્યારે આપણને બોજ લાગે છે. એના કરતાં આપણે જ્યારે આપણા સુખ-દુઃખની જે કાંઈ વાત હોય એ કોઈકને કરી દેવી જોઈએ અને આ વાત જેને કરીએ એને પણ વ્યક્તિને પણ તપાસી લેવી જોઈએ કે એ વ્યક્તિના મનમાં આપણાં માટે નક્કર લાગણી છે કે તકલાદી લાગણી છે અને ખબર કેમ પડે તો કે જ્યારે કોઈ વ્યક્તિ પોતે ભલે ગમે તે દુઃખ સહન કરતો હોય, પોતાના દુઃખ સહન કરીને પણ જે આપણને હસાવી શકે એ વ્યક્તિને આપણાં માટે નક્કર લાગણી હોય છે એમ કહી શકીએ. જે પોતે પીડા સહન કરીને પણ આપણને હાસ્યનો ગુલદસ્તો ભેટ કરે એને આપણા માટે નક્કર લાગણી હોય છે. એના માટે એના આંસુઓ કરતા આપણી ખુશી ખુબ મહત્વની હોય છે અને માટે ગમે તે દુઃખને પોતે સહન કરીને પણ આપણને એ વ્યક્તિ કહેશે કે,
मेरे साथ तुम मुस्कुरा के तो देखो,
હા, મારી સાથે તમે હસો કારણકે હસવાથી શું થાય છે.!? હસવાથી આપણા શરીરને વધુ ઓક્સિજન મળે છે અને આપણે ફ્રેશ થઈએ છીએ. આપણા મગજને વધુ ઓક્સિજનયુક્ત લોહી મળવને પરિણામે આપણે કોઈપણ પરિસ્થિતિ વિશે ઝડપથી સાચું અને સારું વિચારી શકીએ છીએ, અને ખુબ ઝડપથી સમસ્યાથી છુટકારો મેળવી શકીએ છીએ અને કોઈપણ સમસ્યા માટે સોલ્યુશન હોય જ છે. અંગ્રેજીની એક કહેવત છે કે,
“Every cloud has a silver lining.”
દરેક વાદળને ફરતે ચમકતી કોર હોય છે. મુસીબતના સમયે ક્યારેક હિંમત ના હરવી જોઈએ. દુઃખના કાળા વાદળો પાછળ સુખનો સૂર્ય ચમકતો જ હોય છે. મુસીબત સમયે બસ જરૂર હોય છે થોડીક ધીરજ રાખવાની અને એ ધીરજ રાખવાથી શું થશે..!? તો કે ઉદાસી હટશે. હા,મુસીબતના સમયે ધીરજ રાખવાથી આપણે વાસ્તવિકતાને જાણી શકીશું અને આપણું દુઃખ ઓછું થશે માટે એવું લખાય કે,
उदासी का बादल हटा के तो देखो,
અને જ્યારે ઉદાસીનું વાદળ દૂર થાય છે ત્યારે આપણને જિંદગીની સાચી ફિલોસોફી સમજાય છે કે,
ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ,
ભરતી પછી ઓટ છે,ને ઓટ પછી જુવાળ.
હા,જીવન એ ચકડોળ જેવું છે જેમ ચકડોળ માં એક પાલખી ઊંચી જાય ને બીજી પાલખી નીચી આવે એમ જીવનમાં પણ સુખ-દુઃખ આવ્યા કરે છે. ક્યારેય કોઈ એક વસ્તુ કાયમી નથી, માટે એવું લખવું પડે
कभी है ये आंसु,कभी ये हँसी है,
અને આ પરમ સત્ય સમજાય ત્યારે એમ થાય કે બસ આ સુખ દુઃખનો સરવાળો એટલે જ જિંદગી. સુખમાં છકી ના જવું ને દુઃખમાં હિંમતના હારવી.જે પરિસ્થિતિ છે એ કાયમી નહીં રહે જીવનનો આનંદ ઉઠાવતા રહેવું ને મોજ થી જીવી લેવું.માટે એવું લખાય કે,
मेरे हमसफ़र बस यही जिंदगी है.
આમ તો હું અને તમે આ આખી ફિલોસોફી સમજીએ છીએ પણ જ્યારે અણધાર્યા આપણાં ઘટમાં મુસીબતના ઘા આવી પડે છે ત્યારે આપણે એ બરોબર સમજી શકતા નથી અને ત્યારે જરૂર હોય છે કોઈ એવા વ્યક્તિની કે જે આપણો હાથ એના હાથમાં લઈને આપણને આ વાત સમજાવે અને આવું વ્યક્તિ જ્યારે મળી જાયને ત્યારે આપણે એનો હાથ આપણાં હાથમાં પકડી એની આંખમાં આંખ પરોવી અને કહેવું જોઈએ કે
तेरा साथ है तो मुझे क्या कमी है,
अंधरो से भी मिल रही रोशनी है ।
અને આ સાથે જ આ ગીત અહીં પૂરું થાય છે જો તમેં હજુ પણ તમારા ગમતાં વ્યક્તિને નથી કહ્યું કે
तेरा साथ है तो मुझे क्या कमी है,
अंधरो से भी मिल रही रोशनी है
તો રાહ કોની જુઓ છો..!?
જાવ અને જલ્દીથી એનો હાથ તમારા હાથમાં લઈને કહી દો..!
કારણકે જીવનમાં સાચો પ્રેમ બધાને એમ જલ્દી નથી મળી જતો ને તમને મળી ગયો છે તો વધાવી લો એ વ્યક્તિને અને એના પ્રેમને.…!
નવી યુગપત્રી સાથે મળીએ ફરી પાછા આવતા શુક્રવારે……
કોલમિસ્ટ : યુગ અગ્રાવત