અમદાવાદ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકરક્ષકના પેપરલીકની ઘટનાએ કમનસીબ અને પરીક્ષાર્થીઓ માટે પીડાદાયક છે. તમામ પરીક્ષાર્થીઓની લાગણી છે કે પરીક્ષા પારદર્શક અને ન્યાયી રીતે લેવામાં આવે. પેપરલીકમાં જે પણ કસુરવાર હોય તેની સામે સરકાર કડકમાં કડક એકશન લે. આ પરીક્ષાર્થીઓની લાગણી અને સંવેદનાની સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભાજપ સરકારની પણ લાગણી અને સંવેદના જાડાયેલી છે. ભાજપ સરકાર ઝીરો ટોરલેન્સથી કામ કરે છે. પારદર્શિતા સાથે એકશનમાં માને છે. સરકારે આ બે બાબતને ધ્યાનમાં રાખીને જ કાર્યવાહી કરી છે.
પંડ્યાએ જણાવ્યું હતું કે પેપરલીક પછી પરીક્ષા લેવાય તો હોશિયાર પરીક્ષાર્થીઓને ખૂબ અન્યાય થાય એટલે સરકારે પ્રામાણિક અને પરીશ્રમથી પરીક્ષાર્થીઓના અધિકાર જળવાઈ રહે તેમજ પારદર્શક પરીક્ષા અને ન્યાયી રીતે યોજાય તે માટે પુનઃ પરીક્ષાનો નિર્ણય લીધો છે. હવે પછી લેનાર પરીક્ષામાં તમામ લોકોને ઘરથી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા જવાનું ભાડુ આપવાનો સરકારે નિર્ણય લીધો છે. દરેક પરીક્ષાર્થીની લાગણી છે કે પેપરલીકમાં જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.
સરકારે તાકીદે ગણતરીના કલાકોમાં કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કસુરવારોને પકડવાનું શરૂ કરી દીધું છે. તેમાં ભાજપના બે કાર્યકર્તા (૧) મુકેશ ચૌધરી વડગામ તા.પં.નો સભ્ય છે અને (૨) મનહર પટેલ બાયડના કાર્યકર્તાના નામ આવતાની સાથે તેમને તાત્કાલિક અસરથી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુબાઈ વાઘાણીએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસ તંત્ર દ્વારા હજુ મુળ શોધવાનું ચાલુ છે. એક પછી એક ગુનેગાર પકડાયા જાય છે ને પોલીસ અધિકારી દ્વારા મીડિયામાં પારદર્શી રીતે ગુનેગારો સાથે જનતા સમક્ષ ઘટનાક્રમ મુકવામાં આવી રહ્યો છે.