ઘરનો દરવાજો ખખડવાનો અવાજ આવતા ઉંઘ ઉડી ગઇ.. થોડીવાર રાહ જોઇ કે ફરીથી અવાજ આવે છે કે નહિ.. અવાજ ન આવતા ચોક્કસ આ ભ્રમ હશે તેમ જાણી ફરીથી પડખુ ફેરવ્યું. થોડીવાર ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ નીંદર ન આવી. મનને કાબુમાં લઇ ફરીથી પડખુ ફેરવ્યું. ફરીથી દરવાજો ખખડવાનો અવાજ.
મનમાં વિચાર આવ્યો કે આટલી અંધારી મધ્યરાત્રિએ આ ગામથી દૂર વગડામાં અત્યારે કોણ..? જ્યાં દિવસના સમયે પણ કોઇ જણ ભૂલથીય આવતું નથી તો અત્યારે.. મન માં ડર-બીક, એક અજંપો.
કોઇ સગા-સંબંધી..? ના એ તો ક્યાંથી આવે એમણે જ તો મને અહિં દૂર છેવાડે..અરે શેનો છેવાડો આતો વગડો છે.. ત્યાં ધકેલી દીધી છે તો તેમની આશા શું રખાય. તો વળી કોણ હશે..કોઇ ભટકેલુ, ભુલૂ પડેલુ અહિં તો દૂર સુધી કોઇ રસ્તો નથી કે કોઇ ગામ. છે તો માત્ર એક પગદંડી. તો કોણ હશે.. જે હશે તે જોયું જશે, મને ક્યાં બીક છે મરવાની.
ધોમધખતી બપોર..ગામનાં પાદરમાં આખુ ગામ વર્તુળ આકારમાં એકઠું થયું.. વચ્ચે હું ઘૂંટણીએ..ઘૂળમાં આળોટતી વિખરાયેલા વાળ સાથે સૌની નજરનું કેન્દ્ર બની હતી. મારો વાંક શું? મેં કોઇનું ખૂન કર્યું છે, મેં કોઇનું જીવન બરબાદ કર્યું છે.. નહિં તો પછી આ બધો તમાશો શાનો? આટલો તિરસ્કાર, આટલી ધ્રુણા મારા પ્રત્યે શાની? ગામ તો ઠીક.. પણ મારા કુટુંબીઓનો આવો વ્યવહાર.. લાચાર હતી. મારો વાંક એટલો જ કે સોળ વર્ષની ઉંમરે એક મા-બાપ વિનાની અનાથ બાળકીને એક આધેડ વયના માણસ સાથે પરણાવવાનો અભરખો ધરાવતાં મારા કુટુંબીઓને આ લગ્ન મંજૂર હોવાની ના કહી. આધેડ હોય કે યુવાન પુરૂષ મારે આમેંય ક્યાં કોઇની સાથે હથેવાળું કરવાના સ્વપ્ન હતા. હું મનથી વરી ચૂંકી હતી મારા માધવને.
ગામ આખાએ એક થઇને કાઢી મૂકી ગામની બહાર દૂર સુધી વગડામાં. એક ભેંકાર.. ભલાભલા કઠણ કાળજાવાળાને કંપાવી દે તેવો વગડો. જંગલી પ્રાણીઓની આવન-જાવન, મોત એક વ્હેંત છેટું હોય તેમ લાગતુ. પણ મને ક્યાં હવે બીક રહી હતી.. એક એક લાકડુ – તણખલુ ભેગુ કરી બનાવી એક ઝૂંપડી અને મન પરોવ્યું હરિમાં. રોજ સવારે વહેલુ ઉઠી બાજુમાં વહેતા ખળખળીયામાં સ્નાન કરી, થોડા ફૂલની માળા બનાવી મારા માધવની માળા જપતી રહેતી. એ જીવાડતો રહ્યો અને હું જીવતી રહી. હરિના નામથી આ વગડો પણ હવે વનરાવન દેખાવા લાગ્યો, પણ મારો માધવના દેખાયો. આજ કાલ કરતા ત્રીસથી વધુ વર્ષ થઇ ગયાં એ વાતને હવે વિરહ કપરો બનતો જાય છે.. મન ભરાઇ આવે છે, પણ કોને કહું મારી વ્યથા.. કોને કહું મારી દશા.. કોને કહું મારી વિવશતા, કોઇ હોવું તો જોઇએને. દયા કર મારા પર… મારો ભવ પાર કર.
ફરીથી દરવાજો ખખડવાનો અવાજ આવ્યો.. કોઇ ક્યારનુંય દરવાજો ખટખટાવતું હતું, ઊભી થઇ ચાલવા માંડી દરવાજા તરફ.. પગ થંભી ગ્યાં પણ વિચાર્યું શાની બીક! દરવાજો ખોલ્યો અને આંખો પહોળી થઇ ગઇ, ઢગલો થઇ તેના પર ઢળી પડી.. શ્વાસ થંભી ગયા.. એક આખર શબ્દ મારો માધ..વ…મારો પરમ પ્રેમી.
- હાર્દિક દવે