ગમતાનો કરીએ ગુલાલ
” તમારા પગ મહી જ્યારે પડ્યો છું,
હું સમજ્યો એમ આકાશે ચડ્યો છું. “
-શ્રી શયદા
શ્રી શયદા સાહેબ આપણા ખૂબ મોટા ગજાના ગઝલકાર છે. તેમની એક ગઝલનો આ શેર મને ખૂબ જ ગમી ગયો છે. શાયર પોતે જ્યારે કોઇના પગમાં પડે છે ત્યારે એ ઘટનાને પોતે જાણે એ વખતે ખૂબ ઉંચે ગગનમાં ચઢ્યા હોય તેવું માને છે. ” તમારા પગ મહીં ” શબ્દોમાં તો ઇશ્વરના કે પોતે માનેલાસદગુરુનાચરણો જ અભિપ્રેત હોઇ શકે છે. પ્રભૂના કે ગુરુના ચરણમાં વ્યક્તિ ક્યારે પડે છે અથવા ક્યારે ક્યારે વંદન કરતો હોય છે ?
— પોતે ખૂબ દુ:ખમાં હોય ને દુ:ખ દૂર કરવાની પ્રર્થના કરવી હોય,
— દુનિયાનાં કે સમાજના અન્ય લોકોના દુ:ખ દર્દ દૂર કરવા માટે પણ પ્રભૂને પ્રાર્થના કરવી પડે ( બહુજન હિતાય- બહુજન સુખાય )
— ઇશ્વરે આપણી પ્રાર્થના માન્ય રાખી હોય અને જીવનમાં ધારેલું કામ પાર પડ્યું હોય ત્યારે પ્રભૂનો આભાર માનવા વંદના કરવી પડે છે.
વધુમાં અહીં શાયરે એવું પણ કલ્પ્યું છે કે પોતે જ્યારે પગે પડ્યા છે એટલે કે વંદના માટે ઝૂક્યા છે ત્યારે મનોમન પોતાને ઉંચે ગગનમાં વિહારકર્તા અનુભવે છે. યાચના કરવા માટે ઝૂક્યા પછી ય કવિ પોતાને ઉંચે ગગનમાં વિહરતા જોવાની કલ્પના કરે છે તે એવું સૂચવે છે કે હે પ્રભૂ હું તારા ચરણમાં ઝૂકી ગયો છું હવે મારે કોઇ આરો ઓવારો નથી રહ્યો ને હું તારે શરણે આવી ગયો છું મારું તારા શરણે આવવું એટલે તારા સમીપ આવી જવું તેથી તારો વાસ ઉંચે ગગનમાં હોય છે એટલે હું પણ આજે ઉંચે તારી સાથે જ વિહરતો હોઉં તેવું અનુભવું છું. પોતાના ગુરુ પણ પ્રભૂ તુલ્ય ગણાય છે એટલે તેમને વંદન કરતી વખતે પણ કવિ જાણે કે તેમના મારફતે પ્રભૂ પાસે ઉંચે આકાશમાં પહોંચી ગયા હોય તેવું અનુભવતા લાગે છે.
શાયરનીપ્રભૂના ચરણમાં ઝૂક્યા પછી પ્રભૂની સાથે ઉંચાઇએ વિહાર કરવાની કલ્પના અદભૂત છે.
અનંત પટેલ