અમદાવાદ : ગીર સોમનાથ જિલ્લાના પ્રાસલીમાં નવા બનેલા માર્કેટિંગ યાર્ડનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ ભાષણ શરૂ કરતા જ એક ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવને પગલે થોડીવાર માટે તો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બીજીબાજુ, ખેડૂતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જા કે, બનાવને લઇ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડાના પ્રાસલી ખાતે માર્કેટિંગ યાર્ડના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા માર્કેટિંગ યાર્ડને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જો કે, કાર્યક્રમ દરમ્યાન કોડીનારના ડોળસા ગામમાં રહેતા મશરીભાઇ ડોડિયા નામના ખેડૂતે સીએમનું ભાષણ શરૂ થતા જ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે સીએમના કાર્યક્રમમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થળ ઉપર હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા તરત જ તેને વેરાવળની હોસ્પિટલમાં ખસેડ્ાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ખેડૂત મશરીભાઇ દ્વારા થોડા દિવસ પહેલા જ જમીનના મુદ્દાને લઇને કોડિનાર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મશરીભાઇએ જણાવ્યું હતું કે, મારી જમીનની આગળનો રસ્તો ભૂમાફિયાઓએ બંધ કરી દીધો છે. આથી મારી જમીન પર જવા આવવા માટે મુશ્કેલી પડી રહી છે. મુખ્યમંત્રીએ ૧૫ દિવસ પહેલા આ અંગે હુકમ કરી દીધો હતો. છતાં ટીડીઓ દ્વારા ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. આથી આજે મુખ્યમંત્રીની હાજરીમાં જ આત્મહત્યા કરવા આવ્યો હતો. દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોની હડતાળ પાછી ખેંચાતા આવતીકાલથી લાભ પાંચમથી ટેકાના ભાવથી મગફળી ખરીદવાનું સરકાર શરૂ કરશે. પહેલીવાર ઇતિહાસમાં ૧ મણ મગફળીના ૧ હજાર રૂપિયા સરકાર આપી રહી છે. પછી ચણાની ખરીદી કરીશું. અમદાવાદનું કર્ણાવતી રાખવા અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, આ મામલે બધા પાસાનો વિચાર કરી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇશું. તેમણે ભાવાંતર મુદ્દે જણાવ્યું હતું કે, ખેડૂતનું હિત ટેકાના ભાવથી મગફળી વેચવી તેમાં છે.
ભાવાંતરમાં જશે તો બધો માલ બજારમાં જશે અને એક સાથે ભાવ તૂટશે. એટલે ખેડૂતોને નુકસાની ખમવાનો વારો ન આવે એટલા માટે સરકાર ટેકાના ભાવથી મગફળી ખરીદી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા માર્કેટિંગ યાર્ડને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રૂ. ૪૦ લાખના ખર્ચે બનેલા સુત્રાપાડા શાક માર્કેટ અને બે કરોડના ખર્ચે બનેલા ચોપાટીનું સીએમ રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ખેડૂતો અને સરકારના પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.