અમદાવાદ : ગાંધીનગર પાસે સાબરમતી નદીના કિનારે આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ત્રાટકેલા તસ્કરો ૧પ કિલો ચાંદીનાં ભગવાનનાં આભૂષણ અને રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ધોળેશ્વર મહાદેવ મંદિર બહુ લોકપ્રિય ધાર્મિક સ્થાન હોવાથી બનાવને પગલે શ્રધ્ધાળુઓમાં ભારે દુઃખની લાગણી ફેલાઇ છે. બીજીબાજુ, ધોળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાંદેસણના રહેવાસી રાજેન્દ્રસિંહ રતુજી વાઘેલાએ મંદિરમાં ચોરીની આ ઘટના અંગે સ્થાનિક પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતો મુજબ, તેમના કાકાના દીકરા અજિતસિંહ મંગળવારે વહેલી સવારે મંદિરે દર્શન કરવા ગયા ત્યારે સ્ટોરરૂમના દરવાજાનું તાળું તૂટેલું જોતાં તથા ભગવાનનાં આભૂષણ ગાયબ હોવાનું ધ્યાને આવતાં રાજેન્દ્રસિંહને ફોન કરીને જાણ કરી હતી.
રાજેન્દ્રસિંહ મંદિરે પહોંચતાં જાણવા મળ્યું હતું કે મોડી રાતે ત્રાટકેલા તસ્કરોએ બહારથી રૂમને સ્ટોપર મારી દીધી હતી. સવારે અજિતસિંહ ગયા ત્યારે સેવકોને સ્ટોપર ખોલીને બહાર કાઢ્યા હતા. મંદિરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવતાં રાત્રે ૧.૩પ વાગ્યે છ તસ્કરો આવ્યા હતા, જેમાં ચાર તસ્કરો મંદિરની બહાર વોચમાં ઊભા હતા અને બે અંદર મંદિરમાં પ્રવેશ્યા હતા.
તસ્કરો ત્રણ કિલોનું ચાંદીનું ત્રિશૂલ, ૭૦૦ ગ્રામની આરતી, સવા ચાર કિલો પાણીની જલહરી, એક કિલોની પાવડી, ૭૦૦ ગ્રામ વજનની આચમની, માતાજીનું તોરણ, મુગટ, કમરબંધ, બે કિલો નાગ, એક કિલોનો પાટલો, થાળી, લોટો, સાત ગ્લાસ તથા દાનપેટી તોડીને રૂ.૪ હજારની ચોરી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જા કે, બનાવને પગલે સમગ્ર ગાંધીનગર અને તેની આસપાસના પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. કારણ કે, ધોળેશ્વર મહાદેવ બહુ પ્રાચીન અને લોકપ્રિય ધાર્મિક સ્થાનક છે, અમદાવાદ, ગાંધીનગર સહિત રાજયભરના અનેક સ્થળોએથી લોકો ધોળેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે.