અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમને ઐતિહાસિક, યાદગાર અને સફળ બનાવવા માટે કોઇ કચાશ રાખવામાં આવી રહી નથી. કાર્યક્રમ વેળા ભારતીય હવાઇ દળ દ્વારા પણ દિલધડક પરાક્રમ દર્શાવવામાં આવનાર છે. ભારતીય હવાઇ દળ આકાશમાં તિરંગાની તમામનુ ધ્યાન ખેંચાય તે રીતે નયનરમ્ય પ્રતિકૃતિની રચના કરીને તમામને ગૌરવથી ભરી દેશે.
આ ‘ફ્લાય પાસ’ કાર્યકમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્મારકના સ્થળ ઉપર પહોંચીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ માટે બટન દબાવશે તે જ ક્ષણે ભારતીય વાયુસેનાની સૂર્યિકરણની ટીમ આકાશમાં ગગનભેદી નાદ સાથે ઉપસ્થિત થશે અને ભારતીય તિરંગાની પ્રતિકૃતિથી સમગ્ર આકાશને કેસરી, સફેદ અને લીલા રંગથી ભરી દેશે. આ પ્રસંગે ઉદબોધન બાદ વડાપ્રધાન જ્યારે રાષ્ટ્રીય એકતાના પ્રતિક સમી ‘ધ વોલ ઓફ યુનિટી’નું અનાવરણ કરશે તે જ ક્ષણે ત્રણ જગુઆર ફાઇટર જેટ એકદમ નીચી કક્ષામાં નર્મદા ડેમ ઉપરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની દિશામાં ઉડાન ભરશે.
ધ વોલ ઓફ યુનિટીનું અનાવરણ થયા બાદ વડાપ્રધાન મોદી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક ખાતે જઇને સરદાર પટેલના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરશે તે જ ક્ષણે ભારતીય વાયુસેનાના બે એમઆઇ-૧૭ હેલિકોપ્ટર પણ આકાશમાં એ જ સ્થાને ઉપસ્થિત થશે અને વડાપ્રધાનની સાથે સમગ્ર દેશના પ્રતિનિધિત્વ સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર સરદાર પટેલના ચરણોમાં પુષ્પવૃષ્ટિ કરશે. સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ હરોળના લોકનેતા, લોહપુરુષ અને ભારતદેશને એકતા અને અખંડિતતાના એકસૂત્રે બાંધનારા રાષ્ટ્રના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલને વીરોચિત શ્રદ્ધાંજલિ સ્વરૂપે ગુજરાતની ધરતી ઉપર આકાર લઇ રહેલાં વિશ્વના સૌથી ઊંચા એટલે કે ૧૮૨ મીટરની ઊંચાઇ ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ સરદાર સરોવર નર્મદા પરિયોજનાના સાનિધ્યમાં સાધુ બેટ ખાતે કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકના લોકાર્પણ વેળા ભારતીય વાયુ સેના ‘ફ્લાય પાસ’ કાર્યકમ દ્વારા આ વૈશ્વિક ઘટનાને યાદગાર બનાવશે.