અમદાવાદ : સરદાર સાહેબના એકતા અખંડિતતાના મંત્રને સુદ્રઢ બનાવવા તથા સરદાર સાહેબના જીવન કવનને લોકો જાણી અને માણી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની પીઠીકામાં ૪,૬૪૭ ચોમી વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનનું નિર્માણ કરાયું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૧મી ઓકટોબર-૨૦૧૮ના રોજ સરદાર જયંતિના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રાર્પણ કરશે એ જ વેળાએ વડાપ્રધાન આ પ્રદર્શનને ખુલ્લુ મુકીને પ્રદર્શન નિહાળશે.
આ પ્રદર્શનમાં સરદાર સાહેબના જીવનની ઝરમર તથા તેમના કાર્યોની લેવાયેલ શ્રેષ્ઠ નોંધો કે જે વિવિધ સંસ્થાઓ દ્વારા સંગ્રહ કરાઈ છે તેને પણ અહીં અદભૂત રીતે પ્રદર્શિત કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પીઠીકામાં ૪,૬૪૭ ચોમી ક્ષેત્રફળ વિભાગમાં તૈયાર કરાયેલા આ પ્રદર્શન હોલમાં ૧૮ ફૂટ ઊંચી, સરદાર સાહેબની અદભૂત કાંસ્યની પ્રતિમા પર્યટકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝાંખી કરાવશે, એક વીડિયો વોલ ઊભી કરાઈ છે આ વીડિયોવોલ ઉપર સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમાના નિર્માણની સમગ્ર પ્રક્રિયાનું નિદર્શન દર્શાવશે. જેમાંથી સહેલાણીઓને સમગ્ર માહિતી મળી રહેશે. સાથેસાથે એક ઓડિયો-વીડિયો કિયોસ્ક તૈયાર કરાયું છે. જેમાં આ વિરાટતમ પ્રતિમાના નિર્માણમાં દેશભરના લોકોને જોતરવા માટે વિવિધ રાજયોમાંથી લોખંડ અને માટીનું એકત્રિકરણ કરાયું હતું તેની વિસ્તૃત વિગતો ટેકનોલોજીસભર કિયોસ્કમાં મૂકવામાં આવી છે.
૭૩ ફૂટ ઊંચા આ પ્રદર્શન હોલમાં નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયા, નહેરુ મેમોરિયલ, રાષ્ટ્રપતિ ભવન, નેશનલ ગાંધી મ્યુઝિયમ, મીડલ ટેમ્પલ લંડન, ભારતીય વિદ્યાભવન મુંબઈ, મહારાષ્ટ્ર આર્કાઈવ્સ મણિભવન મુંબઈ, સાબરમતિ આશ્રમ અમદાવાદ, સ્વરાજ આશ્રમ બારડોલી અને અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, વીર વિઠ્ઠલભાઈ પટેલ અને સરદાર હાઉસ કરમસદ, સરદાર પટેલ યુનિ. વલ્લભ વિદ્યાનગર, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, હૈદ્રાબાદના સ્ટેટ આર્કાઈવ્સ, સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ જંતરમંતર, પાર્લામેન્ટ મ્યુઝિયમ, પાર્લામેન્ટ લાયબ્રેરી, ઓલ ઈન્ડિયા રેડિયો, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એમજે લાયબ્રેરી અમદાવાદ સહિતની સંસ્થાઓમાં સંગ્રહાયેલી અભિલેખીય સામગ્રી પણ અહીં રજૂ કરાઈ છે.
સાથે સાથે વીડિયોમાં સરદાર સાહેબના વાસ્તિવક ફૂટેજ પણ રજૂ કરાયા છે. તેમજ ટ્રસ્ટ દ્વારા અખંડ ભારતના નિર્માણમાં વિવિધ રાજયોના વિલીનીકરણની ઘટનાઓને લોકો જાણી શકે તે માટે રાજયના પ્રખ્યાત નિર્દેશકો દ્વારા ૧૬ ફિલ્મો પણ તૈયાર કરાઈ છે. જે પણ અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. ઉપરાંત સરદાર સાહેબને લગતા પ્રસિદ્ધ પુસ્તકો પણ અહીં લાયબ્રેરીમાં મૂકાયા છે. આ ઉપરાંત સરદાર સાહેબના અંગ્રેજ સરકાર સામેનો સંઘર્ષ, દેશના વિભાજન અંગે, દેશી રજવાડા એકત્રિકરણ, શૂણ-પાણેશ્વર સેન્ચ્યુરી, આદિજાતિ લોકોની જીવન શૈલી અને સંસ્કૃતિ, સરદાર સરોવર ડેમ સહિતના વિવિધ વિષયોના ફોટાઓ તથા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા રજૂ કરાયા છે જે માણવાનો અનમોલ અવસર છે.