*શ્રી શક્તિસૂત્રમ્ – આદિશક્તિ અંબિકાના અવતરણની ગાથા*
જગદંબાની પાંચમી પ્રમુખ મહાવિદ્યા – ત્રિપુરસુંદરી એટલે કે ધનુષધારી માતાજી વિશે જાણીએ
સર્વે માઈભક્તોને આદિત શાહના જય અંબે…
વાચક મિત્રો, આજે નવરાત્રિનો પાંચમો દિવસ. આજે આપણે જાણીશું જગદંબાની પાંચમી પ્રમુખ મહાવિદ્યા – ત્રિપુરસુંદરી એટલે કે ધનુષધારી માતાજી વિશે. ભગવતી બહુચરાનું આ એક જ એવું સ્વરૂપ છે, જેમાં તેમના હાથમાં ધનુષ ધારણ કરેલું જોવા મળે છે અને તેથી જ તેમને ધનુષધારી કહેવામાં આવે છે.
દેવી ત્રિપુરસુંદરી (ધનુષધારી)
ત્રિપુરસુંદરી, એક દેવી છે અને દસ મહાવિદ્યાઓમાંની એક છે. તે દેવી પાર્વતીનું સ્વરૂપ છે. તેણીને લલિતા સહસ્રનામમાં પ્રમુખસ્થાન આપવામાં આવેલ છે. તે સિવાય દેવીને હિન્દુ ધર્મમાં લલિતોપાખ્યાનના મૂળભૂત વિષય તરીકે ઓળખવામાં આવે છે.
શક્તિવાદમાં શ્રીકુલા પરંપરા મુજબ, ત્રિપુરા સુંદરી એ મહાવિદ્યાઓનું સૌથી મોટું અને દેવી આદિ પરાશક્તિનું સૌથી મોટું પાસું છે. ત્રિપુરા ઉપનિષદ તેને બ્રહ્માંડની અંતિમ શક્તિ તરીકે સ્થાન આપે છે. તેણીને બ્રહ્મા, વિષ્ણુ અને શિવની પણ ઉપર સર્વોચ્ચ ચેતના તરીકે વર્ણવવામાં આવે છે. ત્રિપુરાસુંદરીએ “ઇચ્છાના સ્વામી” કામેશ્વર તરીકેના સ્વરૂપે શિવના ઢોળાવ પર બેસીને સ્વરૂપ લીધેલું છે. ત્રિપુરસુંદરી (પાર્વતી)એ તાંત્રિક પરંપરા સાથે સંકળાયેલી પ્રાથમિક દેવી પણ છે.
પ્રાગટ્ય
દેવોને તારકાસુર નામના એક એવા અસુરનો સામનો કરવો પડ્યો હતો, જેને એક વરદાન હતું કે તે માત્ર શિવ અને પાર્વતીના પુત્ર દ્વારા જ મારી શકે છે. તેથી શિવ અને પાર્વતીના પુત્રને જન્મ આપવાના હેતુથી, દેવોએ પ્રેમના ભગવાન મન્મથ (કામદેવ)ને વિનંતી કરી. મન્મથે તેમના તીવ્ર જાતીય લાગણીઓને પ્રેરિત કરવા માટે તેમના ફૂલોના બનેલા ધનુષ પર તીર ચડાવી શિવ અને પાર્વતીને ફટકાર્યા. સમાધિભંગ થવાને લીધે ગુસ્સામાં શિવજીએ તેની ત્રીજી આંખ ખોલી જેણે પ્રેમના ભગવાન કામદેવને ભસ્મ કરી નાખ્યો. કામદેવની પત્ની રતિદેવીએ શિવને કામદેવને પુનર્જીવન આપવા વિનંતી કરી. તેમની વિનંતી સાંભળીને શિવાએ મન્મથની રાખ પર ત્રાટક કર્યું, જેમાંથી ભંડાસુરનો જન્મ થયો. ભંડાસુરે શોણિતપુર નામનું નગર વસાવ્યું જ્યાંથી તે આખા વિશ્વ પર શાસન કરતો. ધીમે ધીમે તેણે દેવોને હેરાન કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ આપત્તિના નિવારણ અર્થે દેવોએ દેવર્ષિ નારદ અને ત્રિદેવોની સલાહ માંગી, જેમણે તેમને નિર્ગુણ બ્રહ્મની મદદ લેવાની સલાહ આપી, જે સર્વોપરી દેવતા છે, જેમનું સ્વરૂપ નિરાકાર છે. દેવોની વિનંતી સાંભળી નિર્ગુણ બ્રાહ્મણે મહાશંભુ અને આદિ પરાશક્તિનું સ્વરૂપ લીધું અને તેમની આગળ પ્રગટ થયા. મહાશંભુ અને આદિ પરાશક્તિએ સમસ્ત બ્રહ્માંડના ફાયદા માટે મહાકામેશ્વર અને લલિતા ત્રિપુરા સુંદરીનું સ્વરૂપ લીધું, જેના અનુષ્ઠાન રૂપે ઋષિઓએ એક મહાયજ્ઞનું આયોજન કર્યુ. જ્યાં યજ્ઞની જ્વાળામાં કામેશ્વર શિવ અને દેવી લલિતા ત્રિપુરસુંદરીને ઉછેરવામાં આવે છે. સમયાંતરે બીજી તરફ ભંડાસુરનો ત્રાસ વધી જતા તેના પાપનો ઘડો ભરાઈ જાય છે. નિશ્ચિત સમય આવતા દેવી ત્રિપુરસુંદરી પોતાના ચાર હાથમાં ખડગ, ત્રિશૂળ, ધનુષ અને બાણ સાથે કૂકડાના વાહન પર આરૂઢ થઈને પ્રગટ થાય છે અને પંચ મહાતત્વો જ્યાં એક જ સ્થળે ભેગા થતા હોય તે સ્થળે ભેગા આવીને ભંડાસુરનો વધ કરે છે.
દૈવી સ્થાનક
હાલમાં પણ આ સ્થળ અમદાવાદમાં નરોડા નજીક કૃષ્ણનગર વિસ્તારમાં આવેલું છે. હાલની માહિતી મુજબ, આશરે 1200 વર્ષ પુરાણું આ મંદિર સુંદર તળાવ અને સૈજપુર સ્મશાન ગૃહની બાજુમાં આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે મંદિરમાં પ્રવેશવાનું દ્વાર ફક્ત સાડા ત્રણ ફૂટનું છે જેથી તમામ ભક્તો માની સામે મસ્તક ઝુકાવીને આવે. આનો આશય એ છે કે વ્યક્તિ ચાહે ધનિક હોય કે ગરીબ, માના દરબારમાં સૌ સમાન જ હોય છે. ગર્ભગૃહમાં માતાજીની મુખારવિંદ પ્રતિમા છે. આ પ્રતિમાની નીચે વાવ આવેલી છે, જ્યાં દર પૂનમે કુદરતી રીતે પાણી ઉપર આવતું હોવાની માન્યતા છે. દર ગુરુપૂર્ણિમાએ માતાજીનો ભવ્ય મેળો ભરાય છે. હાલમાં આ મંદિરનો જિર્ણોદ્ધાર ચાલુ છે. મંદિરના રંગમંડપમાં એ શિલા આવેલી છે જ્યાં માતાજીએ ભંડાસુર રાક્ષસનો વધ કરેલો હતો. તે સિવાય માતાજીની પ્રતિમાની એકદમ સામેની તરફ ધનુષેશ્વર મહાદેવનું સ્થાનક અને અઘોરીનાથ બાબાની સમાધિ આવેલ છે. ટૂંક સમયમાં અહીં બહુચરમાના ભાઈ એવા નારસંગવીરની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે.