ગમતાનો કરીએ ગુલાલ
” ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે,
ઇંટને તોડીનેઢેખાળા ન કર. “
–શ્રી ખલીલધનતેજવી
માણસો પોતે હાથે કરીને જ એવી પ્રવૃત્તિ કરતા હોય છે કે જેને કારણે તેમને ભવિષ્યમાં ઘણી બધી તકલીફો ઉભી થતી હોય છે અથવા તો તેમણે કરેલી પ્રવૃત્તિ એવી હોય છે કે જે તેમને માટે વધારે મુશ્કેલીઓ ઉભી કરે છે. આ શેરમાં કવિએ ખૂબ સરળ શૈલીમાં સલાહ અથવા તો બોધ આપેલ છે કે ભાઇ તું ઇંટ તોડીશ નહિ કેમ કે ઇંટના તૂટવાથી તેના નાના મોટા ટૂકડા થશે જેને આપણે સાદી ભાષામાં ઢેખાળા કહીએ છીએ. આ ટૂકડા તને ક્યાંક ફેકવાનું મન થશે તો સ્વાભાવિક છે કે ઢેખાળા ફેકવાથી શું પરિણામ આવે તે આપણે સૌ જાણીએ છીએ. અહીંયાં કવિના કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે ઘણીવાર એવાં કામ કરતા હોઇએ છે કે તેનાથી ઉદભવેલા પરિણામમાંથી આપણે વધારે ક્રોધે ભરાઇને બીજું કશું ક વધારે ખરાબ અથવા અન્ય કોઇ અટકચાળુ કરવા જતા હોઇએ છીએ.
અહીં બીજો ગુપ્ત અણસાર એ બાબતનો પણ જણાય છે કે તારે બીજું કાંઇ ઉપજાઉં કામ ના કરવું હોય તો ભલે, પણ તું ઇંટ તોડવા જેવી પ્રવૃત્તિ તો ન જ કરીશ કેમ કે એ તને અંતે તો વધારે ખરાબ સ્થિતિ તરફ જ લઇ જશે. આ જ શેર ઉપર વધારે મંથન કરીએ તો એવું ય લાગશે કે આપણે સાજી નરવી ઇંટશું કામ તોડવી જોઇએ ? એ ઇંટને બીજે ચણતરના કામમાં ઉપયોગમાં ન લઇ શકાય ? ટૂંકમાં અહીં કવિએ નકારાત્મક કામોથી દૂર રહીને માત્ર હકારાત્મક કહી શકાય તેવાં કામો કરવાની જ શીખ આપી છે. તમે એક વાર નકારાત્મક કામ શરુ કરો તો પછી એનો સિલસિલો ચાલુ જ રહે છે. તો આપણે તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન અવશ્ય કરીએ અને માત્ર ને માત્ર સર્જનાત્મક કામો પર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ એ જ ઇષ્ટ ગણાશે.
- અનંત પટેલ