અમદાવાદ: ગુજરાતના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પરપ્રાંતિયોના સંદર્ભમાં વધુ માહિતી આપી હતી. તેમણે વિગત આપતા કહ્યું હતુંકે, હજુ સુધી પરપ્રાંતિયોને હેરાન પરેશાન કરવાના સંદર્ભમાં તથા હુમલાના સંદર્ભમાં ૫૩૩ની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં ૨૦થી વધુના નામ ખુલ્યા છે જે પૈકી કોંગ્રેસના કેટલાક સભ્યોના નામ પણ ખુલ્યા છે.
જાડેજાએ ખાતરી આપતા કહ્યું હતું કે, જે લોકો પણ પકડાયા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રદેશ પ્રવક્તા આઇકે જાડેજાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતને અશાંત કરવાના કોંગ્રેસના પેંતરા સાબિત થઇ ચૂક્યા છે. કોંગ્રેસની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઇ છે. શું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલની જ ઇચ્છાથી તો ગુજરાત અશાંત થયુ નથી ને? રાજ્યની કોંગ્રેસ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પરપ્રાંતિયોના હુમલામાં સંકળાયેલી હતી ત્યારે કેન્દ્રની કોંગ્રેસે ‘‘રુક જાઓ’’ ના આદેશો કેમ ન આપ્યા? પ્રદેશના આગેવાનો ત્રણ દિવસ સુધી મૌન કેમ રહ્યા?
જાડેજાએ જણાવ્યું હતું કે, જયારે સમગ્ર ગુજરાત અને દેશની જનતા જાણી ગઇ છે કે ગુજરાતને અશાંત કરવાનું પાપ કોંગ્રેસ કરી રહી છે ત્યારે વાહિયાત આક્ષેપો કરી અન્યોને દોષ દેવાનું કાર્ય કોંગ્રેસ કરી રહી છે. અલ્પેશ ઠાકોરને કોઇપણ પ્રકારના ખુલાસા કરવા હોય તો માત્ર કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે જ કરવો જોઇએ અને કોંગ્રેસે આ બાબતે ખુલાસા કરવા જોઇએ. હવે સરકારે જ્યારે ૪૦૦ થી વધુ તોફાની તત્વોની અટકાયત કરી છે ત્યારે, હવે કોંગ્રેસ નીચે રેલો આવતો જણાઇ આવે છે. ત્યારે કોંગ્રેસ હવે સફાળી જાગી છે અને તેમાંથી બચવા હવાતીયા મારી રહી છે.
જાડેજાએ ગુજરાતની પ્રજાને અને પરપ્રાંતિયોને અપીલ કરી હતી કે, ગુજરાતમાં શાંતિમય વાતાવરણ છે. કોઈએ ચિંતા કરવી નહી તથા અફવાઓથી દૂર રહેવું.