અમદાવાદ :સમગ્ર વિશ્વના કડવા પાટીદારોને એક તાંતણે જાડવા અને સમાજના છેવાડાના માનવી સુધી શિક્ષણથી લઇ આરોગ્ય સહિતની તમામ સેવા-સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના ઉમદા આશયથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે ૧૦૦ વીઘા જમીનમાં આશરે રૂ.એક હજાર કરોડના ખર્ચે વિશ્વકક્ષાનું પાટીદાર એમ્પાવરમેન્ટ હબ બનાવવાનો પ્રોજેકટ હાથ ધરાઇ રહ્યો છે, ત્યારે જગત જનની મા ઉમિયાની પ્રત્યેની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવા અને સમાજની સામાજિક સમરસતા અને પ્રેમ-ભાઇચારો મજબૂત બનાવવાના આશયથી પવિત્ર નવરાત્રિ પર્વના પહેલા નોરતાથી તા.૧૦મી ઓકટોબરના રોજ માં ઉમિયાના દિવ્યરથનું પ્રસ્થાન અને પરિભ્રમણનો ઉંઝાના સુપ્રસિધ્ધ ઉમિયા માતાજીના મંદિરેથી પ્રારંભ થશે. વિશ્વભરમાં આ પ્રકારની માં ઉમિયાની દિવ્યરથની સૌપ્રથમ પરિભ્રમણ યાત્રા હશે કે જે ગુજરાત રાજય, ત્યારબાદ ભારત અને પછી વિશ્વભરમાં પોતાની દિવ્યતા અને માં ઉમિયાના આશીર્વાદની કૃપા વરસાવશે એમ અત્રે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી.કે.પટેલ અને સંયોજક આર.પી.પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા નોરતે તા.૧૦મીએ વહેલી સવારે આઠ વાગ્યે માં ઉમિયાના દિવ્યરથમાં મૂર્તિનું સ્થાપન સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિથી પૂજા બાદ કરાશે અને તે પછી દિવ્યરથ અમદાવાદ આવવા પ્રસ્થાન કરશે. દિવ્યરથની સાથે ૭૦૦થી વધુ બાઇક, ૪૦૦થી વધુ કાર અને ૪૦થી વધુ લક્ઝરી બસ જાડાશે. દિવ્યરથના પરિભ્રમણ માર્ગમાં રસ્તામાં ઉનાવા મુકામે પાંચથી સાત હજારની વિશાળ જનમેદની માં ઉમિયાના દિવ્યરથનું સ્વાગત-પૂજન કરશે. એ પછી મહેસાણા મુકામે બપોરે ૨-૩૦ વાગ્યે ૨૫થી ૩૦ હજાર જેટલા નગરજનો દ્વારા દિવ્યરથ અને માં ઉમિયાનું સામૈયુ કરી ભવ્ય સ્વાગત અને પૂજા કરાશે. એ પછી સાજે ૪-૦૦ વાગ્યે કલોલ ખાતે આઠ હજારથી વધુ લોકો માં ઉમિયાના દિવ્યરથના વધામણાં અને પૂજા કરશે. ત્યારબાદ આ દિવ્યરથ જાસપુર-અમદાવાદ ખાતે જયાં માં ઉમિયાનું વિશ્વપ્રસિધ્ધ મંદિર આકાર પામનારું છે ત્યાં ઉમિયાધામની ભૂમિ પર આવશે. જયાં માં ઉમિયાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી.કે.પટેલ અને સંયોજક આર.પી.પટેલે વધુમાં ઉમેર્યું કે, તા.૧૫મી ઓકટોબરે સવારે ૯-૦૦ વાગ્યે માં ઉમિયાનો દિવ્યરથ વિશ્વ ઉમિયાધામ, જાસપુરથી અમદાવાદના ચેનપુર, ન્યુ રાણીપ, રાણીપ, ચાંદલોડિયા, ગોતા, સાયન્સ સીટી, સોલા, ભાડજ, શીલજ, થલતેજ, બોડકદેવ, જાધપુર, પ્રહલાદનગર, વેજલપુર, વાસણા, પાલડી, આંબાવાડી, નારણપુરા, નવરંગપુરા, શા†ીનગર, પ્રગતિનગર, વાડજ-નવા વાડજ, ઉસ્માનપુરા, સાબરમતી, મોટેરા સહિતના વિસ્તારોમાં પરિભ્રમણ કરી પૂર્વ વિસ્તારમાં પ્રસ્થાન કરશે. ત્યારબાદ માતાજીનો આ દિવ્યરથ અમદાવાદના આસપાસના જિલ્લાઓના ગામડાઓમાં પરિભ્રમણ કરી ત્યાંથી ઉત્તર ગુજરાત, એ પછી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ત્યાંથી દક્ષિણ ગુજરાતમાં ફરી ત્યારબાદ ભારતભરમાં પરિભ્રમણ કરશે. ભારત દેશમાં માં ઉમિયાના દિવ્ય રથનું પરિભ્રમણ સંપન્ન થયા બાદ વિશ્વભરમાં તે પરિભ્રમણ કરશે. માં ઉમિયાના દિવ્યરથનું ગુજરાતમાં છ મહિના સુધી પરિભ્રમણ ચાલે તેવી શકયતા છે. તેમણે ઉમેર્યું કે, આ પ્રોજેકટ અંતર્ગત પાટીદારોના કુળદેવી અને જગતજનની ઉમિયા માતાજીનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામે તેવું અદ્ભુત અને અપ્રીતમ મંદિર આકાર પામશે.
સમગ્ર વિશ્વમાં કયાંય નહી હોય તેવું ઉમિયા માતાજીનું મંદિર રૂ.એક હજાર કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા પાટીદાર એમ્પાવરમેન્ટ હબમાં આકાર પામશે, જેને જાવું દુનિયાભરના લોકો માટે એક લ્હાવો હશે અને તેને વૈશ્વિક સ્તરના ટુરીઝમ ટેમ્પલ તરીકે વિકસાવવામાં આવશે.
આ વિશ્વકક્ષાના પાટીદાર એમ્પાવરમેન્ટ હબમાં કેરિયર ડેવલપમેન્ટ તથા રોજગાર ભવન, હેલ્થ, સ્પોર્ટસ એન્ડ કલ્ચર સંકુલ, આરોગ્ય સારવાર યુનિટ, એનઆરઆઇ ભવન, સિનિયર સીટીઝન ભવન, કુમાર-કન્યા અને વર્કીંગ વુમન હોસ્ટેલ, વિધવા-ત્યકતા બહેનો માટે રોજગાર કેન્દ્ર, મેટ્રીમોનીયલ પ્રશ્નોના નિવારણ માટે સમાધાન પંચ, કાયમી લગ્ન કેન્દ્ર, કાનૂની ઇમીગ્રેશન સલાહ કેન્દ્ર સહિતની અનેકવિધ સેવાઓ ઉપલબ્ધ બનાવાશે.