*યુગપત્રીઃ મળ્યાને તે દિવસથી જાજરમાન છે મિત્રો…*
મિત્રો, ગઇ યુગપત્રીમાં આપણે જોયું કે આપણા જીવનમાં ઘણા બધા મિત્રો આવે છે,પ્રસંગે પ્રસંગે અને ઉંમરે ઉંમરે આપણે અલગ અલગ મિત્રો સાથે હળીએ મળીએ છીએ.મિત્રો તો ઈશ્વરનું વરાદાન છે, મિત્ર વગરની દુનિયા આપણને મસાણ જેવી લાગે છે, મિત્રો વગર આપણને એકાંત જાણે ખાવા દોડે છે. આપણા જીવનનો એક ખાસ મિત્ર હોય છે કે જેનો ચહેરો વર્ષો વીતી જવા છતાં પણ આપણી નજરમાં સહેજે ય ઝાંખો નથી થતો એ આપણો જીગરી યો હોય છે. તો હવે જોઈએ કે એ જીગરિયામાં,કે deariya માં એવા ક્યા ગુણો હોય છે કે જેથી આપણે એને ભૂલી નથી શકતા…!
ઘણી વખત એવું થતું હોય છે કે આપણે આપણા કામમાંથી કે ઓફિસેથી કામના બોજના લીધે કે ટેંશનના લીધે એકદમ થાકીને લોથપોથ આવતા હોય અને રસ્તામાં એક વ્યક્તિ એવું મળી જાય કે જે પરાણે આપણો હાથ પકડીને આપણને ચાની કીટલીએ ખેંચીને લઈ જાય અને એ અડધી ચાની એક ચુસ્કીમા અને ખડખડાટ હાસ્યના પડઘામાં આપણા આખા દિવસનો થાક ક્યાં ગાયબ થઈ જાય એ આપણને ખબર નથી પડતી.અને એટલા માટે તો કોઈક કવિ લખેને કે,
એવા ને એવા આપણે સુદામા થઈ જીવ્યા,
એવા ને એવા આંખ, હૈયું કાન છે મિત્રો
અમથી નવાબી હોય ના સંબંધની કદી-
મળ્યાને તે દિવસથી જાજરમાન છે મિત્રો…
હા,જે વ્યક્તિની હાજરી માત્રથી વાતાવરણમાં એક અલગ રોશની ફેલાઈ જતી હોય,જેની સાથે વાત કરવા માત્રથી આપણે હળવાશ અનુભવી શકતા હોય એ મિત્ર આપણને જિંદગીના દરેક તબક્કે યાદ આવે જ.
જે વ્યક્તિના હોવા માત્રથી આપણને જિંદગીના ધોમ ધખાતા રણમાં હાશકારો થાય એને જ સાચો મિત્ર કહી શકાય એટલા માટે જ ગીતની શરૂઆતમાં જ લખ્યું છે ને કે,
बहती हवा सा था वो,
કે સાચો મિત્ર તો વહેતા પવન જેવો હોય છે ! આપણને એમ થાય કે કેમ વહેતા પવન જેવો જ.!? વહેતા પવન જેવો એટલા માટે કે વહેતા પવનમાં શીતળતા હોય છે.એવી જ રીતે જેના સ્વભાવમાં શીતળતા હોય એવા વ્યક્તિ સાથે મિત્રતા કરવી જોઈએ.અમુક મિત્રો પણ વહેતા પવનની જેમ શિતળ હોય છે.એની હાજરીમાં આપણા જીવને ઠંડક મળે છે. અને હા,પવન જો વહેતો હોય તો જ શીતળતા આપે બાકી પવન વહેવાનું બંધ થાય એટલે ગરમી થવા લાગે માટે એવા મિત્રો કે જે હવાની ઠંડી લહેર જેવા હોય છે એ આપણને બધા દુઃખોથી દૂર થવામાં મદદરૂપ થાય છે
અને બીજું કે
उड़ती पतंग सा था वो,
સાચો મિત્ર પતંગ જેવો હોય છે જેમ પતંગને આકાશમાં ઉડાડીએ એટલે એ ઉપર તરફ જ ગતિ કરે છે એવી રીતે અમુક મિત્ર આપણી સાથે હોય તો આપણે પણ સારા અને સાચા માર્ગ પર ઉપર ચાલવામાં મદદ કરે છે. પતંગ એકલો જ ઉપર નથી જ
તો એની સાથે દોર પણ ઉપર જાય છે એવી જ રીતે સાચો મિત્ર પણ એકલો પ્રગતિ નથી કરતો પણ બધાને સાથે લઈને ચાલે છે માટે આવા મિત્રને જ્યાં હોય ત્યાંથી શોધવો પડે. આ દુનિયાની ભીડમાં ઓળખવો પડે માટે છેલ્લે એમ લખ્યું છે કે
कहाँ गया उसे ढूँढ़ो….
હા,આવો વહેતા પવનની લહેરખી જેવા શીતળ સ્વભાવ વાળો અને સૌને સાથે લઈને ચાલનારો મિત્ર જ્યાં હોય ત્યાંથી એને શોધવો જ પડે….!
વધુ આવતા શુક્રવારે…..
કોલમિસ્ટ :- યુગ અગ્રાવત