નવીદિલ્હીઃ પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ પર આવતીકાલે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી મોટી મહત્વકાંક્ષી યોજના આયુષ્યમાન ભારત અમલી બનવા જઈ રહી છે. આવતીકાલે ૨૫મી સપ્ટેમ્બરથી આયુષ્યમાન ભારત યોજના અમલી બની રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિશ્વની સૌથી મોટી સરકાર પ્રાયોજિત આરોગ્ય સંભાળની યોજના આયુષ્યમાન ભારત સ્કીમને લોન્ચ કરી દીધી હતી. આ યોજનાને લઈને છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. આ યોજનાથી ૫૦ કરોડથી વધુ લોકોને સીધો ફાયદો થશે. રવિવારના દિવસથી આને શરૂ કરી દેવામાં આવ્યા બાદ ૨૫મીથી આને વિધિવત રીતે આને અમલી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે ગરીબોમાં મફતમાં આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઝારખંડના રાંચીમાંથી મોદીએ મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા તો આયુષ્યમાન ભારત યોજનાને લોન્ચ કરી હતી. દુનિયાના સૌથી મોટા હેલ્થ પ્રોગ્રામને દેશના ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૪૪૫ જિલ્લામાં એક સાથે શરૂ કરવામાં આવ્યો છે.
મોદી સરકાર સત્તામાં આવ્યા બાદથી પંડિત દિનદયાળ ઉપાધ્યાયને સંપૂર્ણ સન્માન મળી રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમાં આવ્યા બાદ પંડિત દિનદયાળ ઉપાધ્યાયે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. જન્મદિવસે તેમને સંઘના લોકો અને સમર્થકો યાદ કરી રહ્યા છે અને તેમની સિદ્ધિઓને પણ યાદ કરી રહ્યા છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયનો જન્મ ૨૫ સપ્ટેમ્બર ૧૯૧૬ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ભગવતીપ્રસાદ હતું. તેઓ સ્ટેશનમાસ્તર હતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીએ સાત વર્ષની નાની વયે માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેઓનો ઉછેર મામાના ઘરે થયો હતો. પંડિત દિનદયાળ અભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતા. અભ્યાસકાળ દરમિયાન બધીજ પરીક્ષાઓ પ્રથમવર્ગમાં પાસ કરતાં હતાં. અભ્યાસમાં અગ્રસ્થાને રહેતા હોવાથી સ્વાભાવિક તેમની પસંદગી સારા દરજ્જાની સરકારી નોકરી માટે કરવામાં આવતી હતી. સરકારી નોકરી સ્વીકારવાને બદલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમાં આળી પોતાનું જીવન રાષ્ટ્રને તેઓએ સમર્પિત કર્યું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે ઉત્તર પ્રદેશમાં વર્ષો સુધી કાર્ય કર્યું હતું. રાષ્ટ્રની રાજનીતિમાં શ્યામાપ્રસાદ મુખર્જીના વડપણ હેઠળ બનેલા ભારતીય જનસઘના અખિલ ભારતીય મહામંત્રી તરીકે વર્ષો સુધી કાર્ય કર્યું. ૧૯૬૮માં ભારતીય જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮ના રોજ શંકાસ્પદ હાલતમાં તેઓનું મૃત્યુ થયું.