વાહરે સરોજ વહુ…
અંબાલાલ પર વેવાઈનો ફોન આવ્યો, તેમણે અચાનક જ તેમની દીકરી સરોજની સગાઈ તોડવાનો નિર્ણય જણાવી દીધો. અંબાલાલ ને તો કંઈ સમજાયું નહિ ને તે તો આઘાતથી સાવ નિરાશ થઈ ગયા. વેવાઈએ તો ફોનમાં એટલું જ જણાવેલું કે તેમની સરોજને છોકરો પસંદ પડ્યો નથી એટલે બળજબરીથી લગ્ન કરાવવું બરબર નથી. સગાઈ પછી સરોજ એક બે વાર તેમના ઘેર પણ આવી ગઈ હતી.તેમના પુત્ર મિતેશ સાથે સારી રીતે હરવા ફરવા પણ ગયેલી . તેની વિવેક્પૂર્ણ રહેણી કરણી પણ અંબાલાલને ખૂબ જ પસંદ આવેલી ને હવે કહેવડાવે છે કે છોકરો પસંદ નથી….
– ” પહેલાં શું જોઈને હા પાડતી હશે ? ”
– ” લોક મારા છોકરા વિશે શું ધારશે ? ”
– ” સારું થયું કે લગ્ન પહેલાં જ ચોખવટ થઈ ગઈ શી ખબર કોઇના પ્રેમમાં ય પડેલી હોય ! ”
અંબાલાલ અને તેમનાં પત્ની વિમળાબેનના મનમાં તેમની થનાર પુત્રવધૂ વિશે આવા જાત જાતના વિચારો આવી ગયા. સાંજે મિતેશ ઓફિસેથી ઘેર આવ્યો ત્યારે બંને જણે દીકરાને વેવાઈના ફોનની વાત કરી. તેમની વાત ધ્યાનથી સાંભળી લીધા પછી મિતેશે કહ્યું ,
” પપ્પા , સરોજના પપ્પાએ ભલે ગમે એમ કહ્યું હોય પણ હું સરોજને સારી રીતે ઓળખું છું એ આવું કશું કરે એવી નથી, તમને ખબર નહિ હોય પણ મારી સગાઈ કરી ત્યારે ય અના પપ્પાની ઇચ્છા તો ઓછી હતી, પણ સરોજે જ મારી સાથે સગાઈ કરવાનો આગ્રહ રાખેલો… અને આજે પણ એ તો મારી સથે લગ્ન કરવા તૈયાર છે. એણે તો મને એટલે સુધી કહી દીધુ છે કે જો મારા પપ્પા નહિ માને ને પણ જો તમે સંમત હશો તો હું તમારા ઘેર જ આવવાની છું… ”
પછી થોડું અટકીને મિતેશ બોલ્યો ,
” પપ્પા , હમણાં કલાક પહેલાં જ એનો ફોન હતો ને એ કહેતી હતી કે મારા પપ્પા તમને ગમે તે કહે તમે કાંઈ ચિંતા રાખશો નહિ હું તો તમારી સાથે જ લગ્ન કરવાની છું ….”
અંબાલાલ અને વિમળાબેન તો સરોજની વાત સાંભળીને પ્રસન્ન થઈ ઉઠ્યાં . તેમને થયું છોકરી મક્કમ છે તો પછી એના પપ્પાએ પણ એની વાત માનવી પડશે જ… વળી મોટે ભાગે પપ્પા દિકરીની વાત માની જતા જ હોય છે. અને આ કિસ્સામાં પણ એવું જ થયેલું ! આજે સરોજ મિતેશ સાથે પરણીને અંબાલાલની પુત્રવધૂ બની જ ગઈ છે અને હા, એ ય પાછી એના પપ્પાને સંમતિ મેળવીને જ…….કહેવાનું થઈ આવે કે વાહ સરોજ વહુ…..
- અનંત પટેલ