અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઇ કામદારોને કાયમી કરવા, શીડયુલ કામદાર તરીકે સમાવવા સહિતની વિવિધ માંગણીઓને લઇ છેલ્લા પાંચ દિવસથી શહેરના સારંગપુર વિસ્તારમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્રતિક ઉપવાસ પર બેઠેલા અમદાવાદ વાલ્મીકી સમાજના અગ્રણીઓ સાથે અમ્યુકો સત્તાધીશો કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બહુ મચક નહી અપાતાં હવે વાલ્મીકી સમાજ અને સફાઇ કામદારોનો આ સમગ્ર મામલો વધુ વણસ્યો છે. સમગ્ર અમદાવાદ વાલ્મીકી સમાજના અગ્રણી નેતાઓ જયંતિ મકવાણા અને સુનીલ વાઘેલાએ આવતીકાલે સવારે સાત વાગ્યાથી આમરણાંત ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. તો, અમ્યુકો સત્તાવાળાઓ માટે પણ વાલ્મીકી સમાજનું આંદોલન વધુ ઉગ્ર બનતાં સમગ્ર મામલો માથાના દુઃખાવા સમાન બન્યો છે. સમગ્ર અમદાવાદ વાલ્મીકી સમાજ તરફથી અમદાવાદના કાયમી ૬૨૦૦ સફાઇ કામદારોને શીડયુલ સફાઇ કામદાર તરીકે સમાવવા અને મૃતકના વારસદારોને કાયમી નોકરી-જૂની પેન્શન યોજનાના લાભો સહિતની માંગણીઓનો આજે પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.
શહેરના સારંગપુર વિસ્તારમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આજે સમગ્ર અમદાવાદ વાલ્મીકી સમાજના આગેવાનો જયંતિ મકવાણા, સુનીલ વાઘેલા સહિતના અગ્રણીઓના નેજા હેઠળ પ્રતિક ઉપવાસ-ધરણાંનો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો., જેમાં વાલ્મીકી સમાજના આગેવાનોએ પાંચ-પાંચ દિવસથી પ્રતિક ઉપવાસ પર બેઠેલા હોવાછતાં મ્યુનિસિપલ કમિશનર કે અમ્યુકો સત્તાધીશો દ્વારા કોઇ વાટાઘાટો કે હકારાત્મક વલણ નહી દાખવાતાં ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. વાલ્મીકી સમાજના આગેવાનો અને સફાઇ કામદારો ખૂબ મોટી સંખ્યામાં આજના વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા. દરમ્યાન અમ્યુકોના જક્કી વલણથી નારાજ અમદાવાદ વાલ્મીકી સમાજના આગેવાનો જયંતિ મકવાણા અને સુનીલ વાઘેલા તરફથી આવતીકાલે સવારે સાત વાગ્યાથી ચામુંડા બ્રીજ સ્થિત મ્યુનિસિપલ હેલ્થ કવાર્ટસ, બ્લોક નંબર-૨ના ગેટ આગળ અને કવાર્ટસના મેદાનમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. વાલ્મીકી સમાજના આ બંને આગેવાનોએ જયાં સુધી સફાઇ કામદારોની માંગણીઓ નહી સંતોષાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ આંદોલન જારી રાખવાની અમ્યુકો સત્તાધીશોને ચીમકી આપી હતી. સમગ્ર અમદાવાદ વાલ્મીકી સમાજ તરફથી અમ્યુકોના સફાઇ કામદારોના હિતમાં ઉગ્ર માંગ કરતાં અગ્રણી નેતાઓ જયંતિ મકવાણા અને સુનીલ વાઘેલાએ જણાવ્યું હતું કે, અમ્યુકોના ૬૨૦૦ સફાઇ કામદારોને તાત્કાલિક શીડયુલ સફાઇ કામદાર તરીકે સમાવવામાં આવે અને તેઓને દાખલ તારીખથી લાભ અપાય, જે વારસદારોને નોકરી અપાઇ છે, તે ૨૦૦૪-૦૫ પછી જે પણ નવી નિમણૂંક પામેલ સફાઇ કામદારોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરો, કોન્ટ્રાકટપ્રથા બંધ કરી તેઓને જ કાયમી તરીકે સમાવો, હાઇકોર્ટના ચુકાદા મુજબ, પાંચ વર્ષ અથવા ૯૦૦ દિવસ પૂર્ણ કર્યા હોય તેવા સફાઇ કામદારોને કાયમી ગણવા, રેફયુઝ ખાતામાં કાયમી કામદારોની શીડયુલ જગ્યાઓ ખોલી નવી ભરતી કરો, વારસદારોની નોકરીમાં પિરણિત, અપરિણિત, વિધવા, ત્યકતા દિકરીઓ-મહિલાઓને વારસદારની સફાઇ કામદારની નોકરી આપવી, ઇજનેર વિભાગ સહિતના સંબંધિત વિભાગોમાં સફાઇ કામદારોની ભરતી કરવી સહિતની પડતર માંગણીઓ પરત્વે અમ્યુકો સત્તાવાળાઓએ હકારાત્મક અભિગમ અપનાવી તાત્કાલિક નિર્ણય લેવો પડશે, અન્યથા આગામી દિવસોમાં વાલ્મીકી સમાજ તરફથી સમગ્ર આંદોલનને વધુ ઉગ્ર અને જલદ બનાવવામાં આવશે.