જય દ્વારિકાધીશ….!!!
વાચક મિત્રો,આમ તો કૃષ્ણ સાથે મારો એટલો ગહેરો સંબંધ ક્યારેય નથી રહ્યો કારણ કે હું નાનપણથી મારા જીવનમાં શિવ અને શક્તિના સિદ્ધાંતો પર ચાલતો આવ્યો છું. મહાદેવ એકદમ વૈરાગી અને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, મહાદેવ શરીર પર ભસ્મ લગાવનારા અને કૃષ્ણ ચંદન લેપ લગાવનારા, મહાદેવ સ્મશાનમાં રહેનાર અને કૃષ્ણ સોનાની નગરીમાં રહેનાર, મહાદેવ ભાંગનું સેવન કરનાર અને કૃષ્ણ માખણનું સેવન કરનાર, મહાદેવ ગળામાં સર્પ અને રુદ્રાક્ષની માળા ધારણ કરનારા અને કૃષ્ણ તુલસી અને પારિજાત પુષ્પોની માળા ધારણ કરનારા….બંને દેવોની પ્રકૃતિ એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે પરંતુ સામ્યતા એ છે કે બંને એકબીજાને પોતાના આરાધ્ય માને છે. મહાદેવના મહિમા આગળ મારા હ્રદયે ક્યારેય શ્રીકૃષ્ણની મહત્તા સંપૂર્ણ રીતે સ્વીકારી નથી પરંતુ આજે પહેલી વાર ખબરપત્રીના માધ્યમ દ્વારા મને કૃષ્ણ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો જે મોકો મળ્યો છે તે મારા માટે એક સૌભાગ્યની વાત છે.
કૃષ્ણને મે હંમેશા એક રાજકારણી અને પ્રેરણાદાતાની નજરે જોયા છે અને કદાચ એટલે જ તે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. ભક્તોની મદદ અને દુષ્ટોના વિનાશ માટે તેમણે સામ, દામ, દંડ, ભેદ, છળ, કપટ, રાજરમત – કોઈ પણ વિકલ્પ બાકી નથી રાખ્યો. જો રાજકારણી કૃષ્ણની વાત કરુ તો જન્મ પછી તરત પૂતનાથી લઈને મહાભારતના યુદ્ધમાં જયદ્રથ સુધીના તમામના વિનાશ માટે જેમ જેમ જરૂર પડી તેમ તેમ ચોક્કસ વિકલ્પોનું ચયન કરીને તેમણે સંસારની રક્ષા કરી છે. જલંધરના વધ માટે પોતે વૃંદાનું સતીત્વ ખંડિત કરી આવ્યા પછી ભલે ફળરૂપે શાલિગ્રામ બનવાનો શાપ ગ્રહણ કરવો પડ્યો તો બીજી તરફ શંખચૂડથી બચાવવા માટે સોળ સહસ્ત્ર રાણીઓને પરણી આવ્યા અને રુક્મિણી દેવીની નારાજગી વ્હોરી લીધી. દુર્યોધન સમક્ષ આગિયાર અક્ષૌહિણી નારાયણી સેનાનો વિકલ્પ મૂકીને પોતે અર્જુન તરફ રહ્યા એ પણ તેમની રાજકારણમાં માહેરી હોવાનું સાક્ષાત પ્રમાણ છે. (એક અક્ષૌહિણી સેના એટલે 21870 રથ, 21870 હાથી, 65610 ઘોડેસવાર,અને 109350 પાયદળ સૈનિકોની સેના)
એક પ્રેરક તરીકે કૃષ્ણએ વિશ્વને ગીતાનું જે જ્ઞાન આપ્યું છે તે પ્રશંસનીય અને અતુલનીય છે. બાળપણથી જ વાંચનનો શોખ હોવા છતા મને હંમેશા આ પુસ્તક બોરિંગ અને કંટાળાજનક લાગતુ હતુ કારણ કે ન કોઈ ચિત્ર કે ન કોઈ રસપ્રદ વાત પરંતુ જીવનના રહસ્યો, એને સંલગ્ન રોચક તથ્યો અને સંપૂર્ણ સત્ય ક્યારેય રસપ્રદ નથી હોતા એ વાત સમજવા માટે મારે સમયની રાહ જોવી પડી હતી. મારા નાની હંમેશા મને સમજાવતા કે બેટા, જ્યારે પણ તારા જીવનમાં કોઈ એવો સમય આવે કે તુ પોતાને મૂંઝવણમાં અનુભવે, તારી પાસે બે વિકલ્પો હોય પણ શાનું ચયન કરવું એ વિશે દ્વિધા હોય ત્યારે ગીતાનું કોઈ પણ પાનું ખોલીને જોઈ લેજે, તરત જવાબ મળી જશે અને હકીકતમાં જ્યારે પ્રત્યક્ષ રીતે આ વાતનો મે અનુભવ કર્યો ત્યારે મને સમજાયું કે કૃષ્ણ કેટલા સચોટ અને પ્રખર પ્રેરક છે. તે પછી જ્યારે મે સંપૂર્ણ ગીતાનો અભ્યાસ કર્યો ત્યારે જાણ્યું કે ગીતામાં પુસ્તકના પાને પાને નહિ પરંતુ શબ્દે શબ્દે મારા તમામ પ્રશ્નોના જવાબ રહેલા છે.
ગીતા એ કોઈ નવલિકા કે ઉપન્યાસ નથી અને કૃષ્ણ એ કોઈ સામાન્ય શિક્ષક નથી. ગીતાનું જ્ઞાન અને કૃષ્ણ જેવો શિક્ષક ફક્ત એ જ વ્યક્તિ માટે છે, જે પડ્યા પછી જાતે ઊભા થવાની તૈયારી રાખતું હાય, જેનામાં હાથમાંથી સરી જતા સમયરૂપી ગાંડિવને જકડી રાખવાની ક્ષમતા હોય, પોતાના જ સગા વ્હાલા જો ગલત છે તો એમની સામે પડવાની હિંમત અને કોઈ પણ પરિસ્થિતિ સામે અડીખમ ઊભા રહેવાનું જીગર હોય. જો એક અર્ધ વ્યક્તિત્વ એક સંપૂર્ણ વ્યક્તિત્વને પામવાની ઘેલછા રાખે છે તો તે મૂર્ખતા છે.
તે સિવાય, ઈશ્વર હોવા છતા મનુષ્યાવતાર થકી સમયે એમને ઘણી થપાટો મારેલી છે. જન્મતાવેંત માતા પિતાથી દૂર જવું, પોતાનો એકમાત્ર પ્રેમ જેના પર ફક્ત રાધાનો હક હતો, તેનાથી જીવનભરની દૂરી, શિશુપાલ દ્વારા અપમાન, દુર્યોધન માટે પોતાના જ ભાઈની વિરુદ્ધ થવુ, પોતાની જ નજર સમક્ષ પોતાના જ યાદવકુળનો વિનાશ અને એક પારધીના હાથે પીડાદાયક મૃત્યુ. આ તમામ ઘા સહન કર્યા પછી પણ તેમણે ક્યારેય પોતાના કર્તવ્યો નિભાવવામાં પીછેહઠ નથી કરી. એક દોસ્ત તરીકે દૂર રહીને પણ સુદામાની મદદ કરી તો એક ભાઈ તરીકે દ્રૌપદીના ચીર પૂર્યા, એક આરાધ્ય તરીકે નરસિંહ મહેતાની દીકરીનું મામેરું ભર્યું તો એક પતિ તરીકે ભોજનમાં નમક સાથે સરખામણી કરીને પોતાના દાંપત્ય જીવનમાં રુક્મિણીનું પત્ની તરીકેનું સહ-મહત્વ વ્યક્ત કર્યું. સમયાનુસાર પોતાના વ્યક્તિત્વના તમામ પાસાઓ દુનિયા સમક્ષ રજૂ કરીને એક સામાન્ય પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ બની ગયા એવા મહાન અને સર્વોત્તમ વ્યક્તિત્વ શ્રીકૃષ્ણને મારા શત શત વંદન….
જય દ્રારિકાધીશ….
- આદિત શાહ