અમદાવાદ: એક તરફ ગુજરાત સહિત દેશની મોટા ભાગની વીજ ઉત્પાદક કંપનીઓ આર્થિક બોજાનો સામનો કરી રહી છે ત્યારે રાજ્યના પાવર સેક્ટરમાં પારદર્શકતા રાખવા મુદ્દે મુખ્ય વીજ ઉત્પાદક કંપની જીયુવીએનએલ વિવાદમાં સપડાઈ છે. રાજયમાં વીજખરીદીના આંકડા દર્શાવતી વેબસાઇટ બ્લોક કરવામાં આવતાં ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે જર્ક દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી ઉઠવા પામી છે. જીયુવીએનએલની વેબસાઈટ સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (એસએલડીસી) પર દૈનિક વીજ ખરીદીના આંકડા અપલોડ થતા હતા તે સાઈટ અચાનક જ જુલાઈ-૨૦૧૮થી બ્લોક કરી દેવાઈ છે.
આ મુદ્દે જર્કમાં પિટિશન કરાતાં જર્કે જીયુવીએનએલ અને એસએલડીસીને નોટિસ ફટકારી છે. ઈલેક્ટ્રિસિટી એક્ટની કલમ ૮૬(૩) મુજબ પાવર પરચેઝ મુદ્દે એસએલડીસીએ પારદર્શકતા રાખવી જરૂરી છે. આંકડાઓના આધારે કોની પાસેથી ક્યા ભાવે જીયુવીએનએલએ વીજ ખરીદી કરી તેની માહિતી કોઈપણ નાગરિક મેળવી શકે છે. કેન્દ્ર સરકારના વર્ષ-૨૦૧૭ના એક પરિપત્રના આધારે આ વેબસાઈટ પર દર્શાવાતા આંકડા બ્લોક કરવામાં આવ્યા હોવાનો બચાવ એસએલડીસીએ કર્યો છે,
પરંતુ અહીં સવાલ એ થાય છે કે પરિપત્ર આવ્યાના છેક એક વર્ષ બાદ તેનો અમલ કેમ કરાયો? દરમ્યાન એનર્જી એક્સપર્ટ કે. કે. બજાજ દ્વારા એક પ્રતિક્રિયામાં જણાવાયું હતું કે, કેન્દ્ર સરકારના વર્ષ-૨૦૧૭ના એક પરિપત્રના આધારે આ વેબસાઈટ બ્લોક કરવામાં આવ્યા હોવાનો બચાવ એસએલડીસીએ કર્યો હતો. આ વેબસાઈટ માટે હવે લોગઈન ફરજિયાત બનાવી દેવાયું છે. વીજકંપનીઓની આ મનમાની ગેરકાયદે અને ગેરબંધારણીય છે. નાગરિકોના હિતમાં જર્કે આ મામલો ગંભીરતાથી ધ્યાને લેવો જાઇએ.