અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તાર ખાતે આવેલા આઇડીયલ ઇન્સ્ટિટ્યુટ ખાતે ત્રિદિવસીય કલાઇડોસ્કોપ-૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું છે.
દીપ પ્રાગટ્ય કરી કલાઇડોસ્કોપ-૨૦૧૭નું ઉદ્ઘાટન પ્રખ્યાત આર્ટીસ્ટ વૃંદાવન સોલંકીના હસ્તે કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન પ્રસંગે આઇડીયલ સાથે સંકળાયેલ અનેક નામી હસ્તીઓ જોડાઇ હતી. સાથોસાથ આઇડીયલ ઇન્સ્ટિટ્યુટના વર્તમાન વિદ્યાર્થીઓથી લઇને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આઇડીયલ કેમ્પસ ખાતે વિશાળ સામિણાયામાં આર્ટ, ક્રાફ્ટ અને મ્યુઝીકને લગતા વિવિધ સ્ટોલ બાંધવામાં આવ્યા છે. જ્યાં આર્ટ, નેચર, ક્રાફ્ટ, મ્યુઝીક, ફૂડ, હોમ ડેકોરને રજૂ કરવામાં આવ્યા છે. આ ફેસ્ટિવલ ત્રણ દિવસ એટલે કે ૧૫, ૧૬ અને ૧૭ જાન્યુઆરી સુધી સવારે ૧૧થી રાત્રે ૯ કલાક દરમિયાન ચાલુ ખુલ્લો રહેશે.
આ પ્રસંગે આઇડીયલ ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર આશા મંડપ્પાએ જણાવ્યું કે અમે કલાઇડોસ્કોપ-૨૦૧૭નું આયોજન કરી ખૂબ જ આનંદિત છીએ. આ વખતે કલાઇડોસ્કોપ અમારા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષે અમે અમારા ડિઝાઇન સ્ટુડિયોના ૨૫ વર્ષ પણ પૂર્ણ કરી રહ્યા છીએ. આ વખતે અમારી આ સફરમાં અનેક લોકો જોડાયા છે અને હજુ પણ તેમનો અમારા પરનો વિશ્વાસ જળવાઇ રહ્યો છે. જો કલાઇડોસ્કોપ વિશે વાત કરવામાં આવે તો આ વર્ષે આર્ટ, કલ્ચર, ક્રાફ્ટ, નેચર અને મ્યુઝીકને લઇને અનેક પ્રતિભાઓ આઇડીયલ કેમ્પસ ખાતે જોડાઇ છે. તે સાથે અનેક એનજીઓ પણ અમારી સાથે સંકળાયેલી છે.
આ ત્રિદિવસીય કલાઇડોસ્કોપ ખાતે છેલ્લા ૨ દિવસમાં અનેક વર્કશોપનું આયોજન કરવામાં આવશે. જેમાં નાઇફ પેંઇન્ટીંગ, ક્લે વર્કશોપ, કિડ્સ ટેબલ કૂકીંગ વર્કશોપ, ગ્લાસ પેંઇન્ટીંગ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંતિમ દિવસે ધ ફેકલ્ટી નામના શહેરી બેંડ દ્વારા લાઇવ પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આઇડીયલ ખાતે રાત્રે લાઇવ મ્યુઝીક સાથે આર્ટ, કલ્ચર અને ક્રાફ્ટની મજા માળવી એક યાદગાર સંભારણું બની રહેશે.