અમદાવાદઃ આવતીકાલે ભાઈ-બહેનના અમર અને પવિત્ર પ્રેમ પર્વ રક્ષાબંધનનો તહેવાર હોઇ અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં રક્ષાબંધનના પર્વ અને ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે. બહેનોએ પોતાના વ્હાલસોયા ભાઇને પ્રેમ, લાગણી અને આશીર્વાદ સાથે રાખડી બાંધવાની તૈયારીઓ કરી દીધી છે, તો સામે ભાઇઓ પણ પોતાની વ્હાલસોયી બહેનને યથાશકિત ભેટ-સોગાદ આપવા જાણે તત્પર બન્યા છે.
રક્ષાબંધનના તહેવારને લઇ મોડી રાત સુધી રાખડી બજારમાં ભારે ભીડ અને બહેનોની ખૂબ મોટી સંખ્યા જોવા મળી હતી. શહેર સહિત રાજયભરમાં બહેનોમાં આવતીકાલના પવિત્ર પર્વને લઇ ભારે ઉત્સાહ અને ઉમંગ પ્રવર્તી રહ્યો છે. રક્ષાબંધનના તહેવારને લઇ આવતીકાલની ઉજવણીના કાર્યક્રમો પણ નક્કી કરી દેવાયા છે. આ વર્ષે પણ રાખડી બજારમાં જાતજાતની અને ભાતભાતની રાખડીઓ, વેરાઇટી સાથે ઉપલબ્ધ છે તો, સોના-ચાંદીની રાખડી ખરીદનારો પણ એક અલગ વર્ગ હોઇ તેમાં પણ ભારે ડિમાન્ડ રહી છે. આ વખતે ચાઇનીઝ રાખડીઓની પણ બોલબાલા છે તો, બાળકો માટે છોટાભીમ, પોકો, મોટુ-પતલુ સહિતની ટેટુ સ્ટાઇલની અને રમકડાવાળી રાખડીઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડ અને બદલાતા જમાના સાથે જૂના જમાનાના ફુલગોટાની રાખડીઓ પણ બહેનો માટે એટલી જ કિંમતી અને ડિમાન્ડવાળી છે. સૂતરનો તાર તો, માત્ર એક નિમિત છે, વાત હકીકતમાં, બહેનની પોતાના વ્હાલસોયા ભાઇ માટેના અનહદ અને અવર્ણનીય પ્રેમ અને લાગણીની છે તો, ભાઇ પણ પોતાની બહેન સદાય સુખી રહે અને તેના જીવનમાં કયારેય દુઃખનો ઓછાયો ના આવે તે જ પ્રાર્થના કરી તેને યથાશકિત ભેટ-સોગાદ આપતા હોય છે.
રક્ષાબંધનના પવિત્ર પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ખાસ કરીને બહેનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાયો છે. ભારતના મુખ્ય તહેવારોમાં રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓ-બહેનોનું સૌથી વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે.
ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે, ત્યાં પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે. પૌરાણિક ઇતિહાસ મુજબ, જ્યારે સ્વર્ગના દેવતા ઈંદ્ર રાક્ષસોની સામે પરાજીત થયા હતાં ત્યારે ઈંદ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યુ હતું જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યાં હતાં ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દીધી, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેને નીભાવતાં રહ્યાં. માતા કુંતાએ પણ અભિમન્યુના હાથે મહાભારતના યુધ્ધ વખતે રાખડી બાંધી હતી, જયાં સુધી રાખડી હતી, ત્યાં સુધી અભિમન્યુને કંઇ જ થયુ નહી પરંતુ જેવી હાથ પરથી રાખડી છૂટી ગઇ કે, તે કૌરવોના હાથે મરાયો હતો. મહારાજા બલિના દ્વારપાળ બનેલા વિષ્ણુ ભગવાનને મુકિત અપાવવા માતા લક્ષ્મીએ પણ બલિ રાજાને રાખડી બાંધી બદલામાં વિષ્ણુ ભગવાનને મુક્ત કરાવ્યા હતા. જ્યારે રાજા પોરસ અને મહાન યોદ્ધા સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથે રક્ષાસુત્ર બાંધ્યું હતું તેને પણ રક્ષા-બંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે.
પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઈતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ-અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવે છે. માન્યતાઓ મુજબ ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધવી જોઈએ કારણ કે, ધાર્મિક કાર્યોમાં પણ બધા કામ સીધા હાથથી જ કરાય છે. શરીરનો જમણો ભાગ હમેશા સાચો માર્ગ જણાવે છે. શરીરના જમણા ભાગમાં નિયંત્રણ શક્તિ પણ વધારે હોય છે. રાખડીને કાંડા પર જ બાંધવા પાછળ આધ્યાત્મિક, આયુર્વેદિક અને મનોવૈજ્ઞાનિક કારણ છે.
આધ્યાત્મિક કારણની વાત કરીએ તો માનવું છે કે કાંડા પર રાખડી બાંધવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કૃપા મળે છે. માં દુર્ગાના બાર રૂપોના પણ આશીર્વાદ મળે છે જેનાથી જ્ઞાન, ધન અને શક્તિ મળે છે. આયુર્વેદ પ્રમાણે, કાંડા પરા રાખડી બાંધવાથી વાત, પિત્ત, કફ સંતુલિત રહે છે જેનાથી સ્વાસ્થ્ય પર અનૂકૂળ અસર પડે છે. કાંડા પર બાંધેલા રક્ષાસૂત્ર મનોવૈજ્ઞાનિક અસર પણ હોય છે. રાખડી રક્ષાના બંધનને દર્શાવે છે, તેથી માણસ પોતાને શક્તિના સંચારને અનુભવ કરે છે. તેથી આત્મવિશ્વાસ વધવાની સાથે જ સકારાત્મક વિચાર પણ વધે છે.