અમદાવાદ: ગુજરાતના ખેડૂતો અને જનતા માટે સારા સમાચાર છે. નર્મદા ડેમમાં ગુજરાતને સિંચાઇ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઇ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઇ છે. તો, ડેમમાં ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસના સારા વરસાદ અને નવા નીરના કારણે ડેમમાં પૂરતા પાણીનો સંગ્રહ થતાં બીજીબાજુ, રાજય સરકાર અને તંત્રએ પણ રાહતની લાગણી અનુભવી હતી. કારણ કે, નર્મદા ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ બનતાં ગુજરાતનું જળસંકટ જાણે હવે દૂર થયું છે.
બે મહિના પહેલા નર્મદા ડેમની જળસપાટી ગંભીર અને ચિંતાજનક હદે નીચી ઉતરી ગઇ હતી અને જા રાજયમાં સારો વરસાદ ના થાય તો, ગુજરાતમાં પાણીનું ભયંકર જળસંકટ ઉભુ થાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ચોમાસાની સીઝનમાં પણ શરૂઆતના તબક્કામાં સારા વરસાદ બાદ મેહુલિયો ત્રણથી ચાર સપ્તાહ સુધી ખેંચાઇ ગયો હતો અને એક વખત ફરી જળસંકટના વાદળો ઘેરાયા હતા.
ખુદ સરકાર પણ નર્મદા ડેમના ખાલી થવાની દહેશતમાં ચિંતામાં સરી પડી હતી ત્યારે મેઘરાજાએ તેના નવા રાઉન્ડમાં ધમાકેદાર એન્ટ્રી કરી ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ સહિતના ઉપરવાસના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાતા તેના કારણે નર્મદા ડેમમાં નવા પાણીની ભરપૂર આવક થઇ હતી. છેલ્લા ચાર દિવસમાં જ નર્મદા ડેમની જળસપાટીમાં પાંચ મીટરનો નોંધપાત્ર વધારો નોંધાયો હતો.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવકને પગલે હાલ પણ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે. નર્મદા ડેમની સપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઇ છે. અને નર્મદા ડેમમાં ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક પણ થઇ રહી છે. ગુજરાતને સિંચાઇ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ નર્મદા ડેમમાં થઇ ગયો છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવક અને પૂરતા જથ્થામાં પાણી સંગ્રહના કારણે ખેડૂતો અને પ્રજાજનોમાં ખુશી વ્યાપી ગઇ છે. હાલ નર્મદા ડેમમાં ૫૦૦.૫૬ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ચાર દિવસમાં પાંચ મીટર જેટલો વધારો થયો છે. ગુજરાત પરથી જળસંકટ દૂર થતાં સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે.