અમદાવાદઃ મણીનગર મધ્યસ્થ વેપારી ડેકોરેટર્સ મંડળ દ્વારા વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમના સંદર્ભમાં મણીનગર મધ્યસ્થ વેપારી ડેકોરેટર્સ મંડળ ૨૦૧૮-૧૯ દ્વારા વ્યવસાયિક રીતે કેવી રીતે આવનારા સમય સાથે તાલ મેળવી શકાય તે ઉદ્દેશ સાથે મણિનગર સ્થિત મણિ બા ભવન ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનાર વિશે જણાવતા મંડળના કારોબારી સભ્ય મિત્રેશ શાહે જણાવ્યું, “દર વર્ષે આયોજિત થતી વાર્ષિક સભાના ભાગરૂપે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મંડળ વેપારમાં હરિફાઇ નહિ પણ એક સૂત્રતા સાથે આગળ વધવું તેવો ધ્યેય ધરાવે છે અને આ જ કારણોથી અમે સૌ વેપારી મિત્રો વર્ષોથી હરિફ નહિ પણ મિત્ર તરીકે એક પરિવારની જેમ જ સંકળાયેલા છીએ. આવનારા હરિફાઇના સમયમાં કેવી રીતે નિર્ધારિત લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકાય તે અંગે સેમિનારના માધ્યમથી સમજ કેળવી હતી. વેપારીઓમાં એક જૂથ અને સામૂહિક વિકાસની ભાવના કેળવાય તે હેતુસર મણિનગર વિસ્તારના તમામ વેપારીઓના નામ અને સરનામા સહિતની એક ડિરેક્ટરી પણ બનાવીએ છીએ. ઉપસ્થિત તમામ વેપારીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે આ સેમિનારમાં ભાગ લઇ સફળ બનાવ્યો હતો.”
આ સેમિનાર અંતર્ગત વ્યાવસાય સાથે સંકળાયેલા પ્રશ્નોની યોગ્ય સમજ આપવામાં આવી હતી. સમારંભમાં જાણીતા પ્રેરણાદાયક વક્તા ઉદય ધોળકીયા દ્વારા વિવિધ ઉદાહરણો સાથે વ્યવસાયમાં અડચણ રૂપ બનતી જટિલતાઓ સામે કેવી રીતે સંતુલન જાળવી લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકાય તે વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વેપારીઓએ વિવિધ પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવ્યું હતું.
આ સેમિનારના આયોજન ઉપરાંત વેપારીઓના અભ્યાસ કરી રહેલા બાળકોનું પણ શુભેચ્છા ભેટ સમ્માન કરવામાં આવ્યું હતું.