૭૨ મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે ઝાલાવાડની ભૂમિ ઉપર પધારેલા મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ તેમના પ્રજાજોગ ઉદ્દબોધનમાં ઝાલાવાડવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી આ જિલ્લા માટે બે મહત્વની જાહેરાત કરી હતી.
પાટડી તાલુકાના વણોદમાં નવી GIDC સ્થપાશે:-
મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, સુરેન્દ્રનગરના યુવાનોને ઊદ્યોગ ક્ષેત્રે રોજગારીની તકો આપવા આ સરકાર પડખે ઊભી છે. આ માટે જિલ્લાના પાટડીના વણોદમાં ૩પ૦ હેકટરમાં નવી જી.આઈ.ડી.સી. સ્થાપવામાં આવશે. આ જી.આઈ.ડી.સી. હાંસલપૂર – બેચરાજી પાસેના ઓટો – ઓટો એન્સીલયરી હબના મારૂતિ સૂઝૂકીના પ્લાન્ટથી માત્ર ૧પ કિ.મી. જ દૂર છે. આ જી.આઈ.ડી.સી.ને માંડલ બેચરાજી સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનનો લાભ પણ મળશે. તેના કારણે હવે યુવાનોને રોજગારી સાથે નાના એકમો – યુવા સાહસિકોને ઊદ્યોગ સ્થાપવાની તક પણ આ નવી જી.આઈ.ડી.સી. આપશે.
સુરેન્દ્રનગરને નવી એગ્રીકલ્ચર કોલેજ : –
મુખ્યમંત્રીએ ૭૨ મું સ્વાતંત્ર્ય પર્વ સુરેન્દ્રનગરમાં ઉજવી રહ્યા છીએ ત્યારે આ જિલ્લાને બીજી એક ભેટ આજે આપવાની જાહેરાત કરૂ છું. તેમ જણાવી સુરેન્દ્રનગરમાં ૭૫ એકર જમીન વિસ્તારમાં નવી એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી હતી.