છોટાઉદેપુર નજીક બોડેલીમાં એક સાથે સાત બાળકોના જનાજા ગઇકાલે ઉઠ્યા હતા, જેના કારણે સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.
અત્રે નોંધનીય છે કે, હાલોલ નજીક ભાટ ગામ પાસે અકસ્માતમાં સાત બાળકોના કરૂણ મોત થઇ ગયા હતા. એક જ પરિવારના બાળકો હોવાથી ખળભાટ મચી ગયો હતો. હાલોલ બોડેલી રોડ ઉપર આ અકસ્માત થયો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીનો ખત્રી પરિવાર શનિવારે હાલોલની રહીમ કોલોનીમાં રહેતા તેમના સંબંધીને ત્યાં મળવા માટે ગયો હતો. રાત્રે જમ્યા બાદ ખત્રી પરિવાર હાલોલથી બોડેલી પરત જવા માટે નીકળ્યો હતો. હાલોલ-બોડેલી રોડ પર શિવરાજપુર નજીક ભાટ ગામના પાટીયા પાસે રાત્રે પોણા બાર વાગ્યે અચાનક જ કારનું ટાયર નીકળી ગયું હતું. જેથી કાર ગ્રીલ વગરના નાળામાં ખાબકી હતી. જેમાં એક જ પરિવારના સાત બાળકોના મોત નીપજ્યા હતા.
પોસ્ટમોર્ટમ બાદ બોડેલી ખાતે આજે બપોરે સાત બાળકોના જનાજા નીકળ્યા હતા. જેથી આખુ ગામ હિબકે ચડ્યું હતું.એક જ ગામના સાત બાળકોના મોતથી ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી.