*ખોટો ખ્યાલ*
જમનાબેનનો સ્વભાવ રહેણીકરણી અને બોલવાની પધ્ધતિથી હું શરૂઆતથી જ પરિચિત હતો. એ પરણીને અમારા ગામમાં આવ્યા ત્યારથી જ એમણે ઘરમાં પોતાનુ વર્ચસ્વ જમાવી દીધું હતું, એનું એક કારણ એ પણ હતું કે એ સાસુ વગરના ઘરમાં મોટી વહુ બનીને આવ્યાં હતાં. એમના સસરા સીધી લીટીના માણસ, અને જમનાબેન આમ પાછાં ઘરગૃહસ્થીની દરેક બાબતે હોંશિયાર પણ ખરાં…..
જમનાબેનના ઘેર જ્યારે મોટા દીકરાની વહુ આવી પછી છ જ મહિનામાં જ મોટાને બહારગામ નોકરી મળી એટલે જમનાબાએ તેને મોટાની હારે મોકલી દીધી.. પણ મોટાની વહુ શીલા ભારે કોઠાડાહી. એનાં મા બાપેગ્રુહસ્થીની સાથે સાથે એને ધર્મ પ્રત્યેની રૂચિ રાખવાના સંસ્કાર પણ પૂરેપૂરા આપેલા. સાત આઠ વરસ એ બહારગામ રહી પણ પછી એના પતિની વતનમાં બદલી થતાંએ સાસરીના ગામમાં પાછી ફરી, આ દરમિયાન જમનાબાના બીજા બે દીકરા ય પરણી ગયેલા પણ એકેયની વહુ સાથે જમનાબાને કાંઈ રાગ રહ્યો નહિ એટલે એ બે ય જૂદા જતા રહ્યા. મોટો બદલી થતાં ગામમાં પાછો આવ્યો પણ ઘરનું વાતાવરણ જોઇ એ ય ગામમાં ઘર ભાડે રાખીને જૂદો જ રહ્યો.
એવામાં એક દિવસ હું અને મારાં પત્ની મોટાની જોડે મારે ભાઈબંધી જેવું હોવાથી એને મળવા ગયેલાં ત્યારે રાતના નવેક વાગે જમનાબા મોટાના ઘેર આવ્યાં. એમને આવેલાં જોઈ મોટાની વહુ બોલી–
” મારા સાસુ તો દવા લગાવવા રાત્રે રોજ આવે છે..”
– આ સાંભળીને હું ને મારાં પત્ની સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયાં. મને એમ કે અમારી હાજરીમાં જ વળી સાસુવહુની કંઈક ટપાટપી થઈ જાય તો અમારે પાછા કોઇકને બે શબદ કહેવા પડે. મારા ઘેર આવીને રાત્રે સૂતા પહેલાં વાત નીકળતાં મેં મારાં પત્નીને કહ્યુ,
” જોયું જમનાબા પેલી બે વહુઓને જૂદી કાઢી છે ને મોટી આટલે વરસે ગામમાં આવી છે ને જૂદી રહે છે તો ય કોણ જાણે એની પાસે શું દવા કરાવવા આવ્યાં હશે ? કે પછી એને ય હેરાન કરવાનું બહાનું શોધતાં હશે ? ભઈશાબ આવી સાસુઓથી તો તોબા….”
મને આમ બોલતો સાંભળી મારાં પત્નીએ કહ્યું,
” તમે ય ખરા છો, સાંભળ્યા વગર બોલ બોલ કરો છો ?જમનાબા વહુ પાસે દવા કરાવવા કે લેવા નહોતાં આવ્યાં પણ એમની મોટી વહુને કમરમાં સતત દુખ્યા કરે છે છે તે એ રોજ આવીને એને કમરમાં માલિસ કરી આપે છે….! ! ”
” હેં શું વાત કરો છો ? …..”
આશ્ચર્ય સાથે મારાથી બોલાઈ ગયું. વળી પાછું મે વધારે ખાત્રી કરવા મારાં પત્નીને બીજી વાર પૂછ્યું,
” આવું તો ના જ બને ,જમનાબા પોતે વહુને માલિસ કરી આપે એ તો બહુ કહેવાય હોં…
“ના શું, એવું જ છે..”.
મારાં પત્નીએ મકકમતાથી કહ્યું.. હું ક્યાં ય સુધી જમનાબા વિશેના મારા ખોટા ખ્યાલોથી અકળાતો રહ્યો..
અનંત પટેલ