યુગપત્રી
મિત્રો, ગયા શુક્રવારે ગુરુપુર્ણિમા હતી એટલે આપણે જીવનમાં ગુરુની જરૂરિયાત શું છે !? ગુરુ કોને કહેવાય !? એ વિશે વાત કરી. આપણે જોયું કે જે વ્યક્તિ જ્ઞાન, ભક્તિ, કર્મ, વૈરાગ્ય,અને વિવેકથી ભરપુર હોય એવી વ્યક્તિ ગુરૂ બનાવવા માટે યોગ્ય છે અને આવા ગુરુ માટે આપણા મનમાં એક જ ગીત ગુંજી ઉઠે કે,
बड़े अच्छे लगते है,ये धरती, ये नदिया, ये रैना और तुम….
હા, આજે આ ગીતને ગુરુ વિષય સાથે ગુંથીને આપ સૌની સમક્ષ રાખવું છે. મિત્રો આપણે ગુરુ બનાવીએ છીએ એ ગુરુ આપણને દ્રષ્ટિ આપે છે. માણસની આંખો એ બારી સમાન છે. જેવી રીતે બારીમાંથી અંદર અને બહાર એમ બન્ને તરફ જોઈ શકાય છે એમ માણસની આંખ બહારના દ્રશ્ય પણ જુવે છે અને પોતાની ભીતર પણ ઝાંકે છે. ગુરુ મળ્યા પહેલા આપણી દ્રષ્ટિ એ માત્ર સામાન્ય દ્રષ્ટિ હોય છે .જે જ્યાં-ત્યાં જોયા કરે છે, કોઈ વસ્તુ કે વ્યક્તિને જોઈને એના વિશે તર્ક-વિતર્ક કરે છે,શંકાઓ કરે છે, આપણી દ્રષ્ટિ ચંચળ હોય છે. પણ એકવાર ગુરુની નજર સાથે આપણી નજર મળતા પછી લગભગ કોઈ દ્વંદ્વ આપણામાં નથી રહેતો. ગુરુની સાથે આંખ ચાર થતા જ આપણી દ્રષ્ટિની ચંચળતા દૂર થઈ જાય છે, આપણું મન વિચારોથી,વિકારોથી મુક્ત થઈ જાય છે, સર્વે શંકાઓથી, ગમાં-અણગમાં,સારા-ખરાબ, વગેરેમાંથી મુક્ત થઈને કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે. પછી સાધકને બસ આટલું જ દેખાય છે અને આટલું જ ગમે છે :-
ये धरती, ये नदिया, ये रैना और तुम….
હા,પછી સાધકને ધરતી, નદી, રૈના એટલે કે રાત અને તુમ એટલે કે સદગુરૂ..
આપણને એમ થાય કે સાધકમાં આટલો બધો ફેરફાર કેમ આવ્યો…!? તો એનો જવાબ છે કે ગુરુ ચરણરજના પ્રતાપે. હા,ગુરુ ચરણરજ સમાન બીજું કોઈ અંજન નથી ! જેવી રીતે કાજળ આંજવાથી આપણી આંખોને ઠંડક થાય છે, એનું તેજ વધે છે એવી જ રીતે ગુરુ ચરણરજ આપણી આંખોને એક નબી દ્રષ્ટિ આપે છે. અને ગુરુ ચરણરજની મહિમા ગોસ્વામી તુલસીદાસ રામચરિત માનસની એક ચોપાઈમાં લખે છે કે,
गुरुपद रज मृदु मंजुल अंजन,नयनअमिअ दृग दोष बिभंजन ।
હા,ગુરુ મહારાજની ચરણરજ એ આપણી આંખો માટે કોમળ અને સુંદર અંજન છે. જે આંખોના દોષોને દૂર કરે છે. આ અંજનથી વિવેકરૂપી નેત્રો નિર્મળ થાય છે અને આપણી દ્રષ્ટિ સુધરે છે અને આપણને દેખાય છે સારપ.અન્યના દોષ જોવાને બદલે આપણને એ વ્યક્તિમાં રહેલી સારપ જ દેખાય છે.અને પછી સાધકને બીજું કાંઈ જોઇતું પણ નથી હોટ, બસ એનું મન આટલી જ વસ્તુઓ માંગે છે :- ધરતી,નદી,રાત અને સદગુરુ. આ ચાર વસ્તુની સાથે એક સાધક મળીને કુલ પાંચ વસ્તુ થાય છે. આ પાંચ વસ્તુ એ પંચતત્વના પ્રતીક છે.
આપણને એમ સવાલ થાય કે માત્ર આ ચાર વસ્તુઓ ધરતી, નદી, રાત અને સદગુરુ આ ચાર વસ્તુ જ સાધક કેમ માંગે છે !?
એનું કારણ છે કે સદગુરુ મળ્યા પછી સાધકની જરૂરિયાત બહુ ઓછી થઈ જાય છે. સાધક ઓછામાં ઓછી વસ્તુઓમાં પણ આનંદ પામે છે. સાધના કાળમાં શિષ્યને આસન જોઈએ એટલે ધરતી આસન છે,સાધના કરવા માટે શાંત, સુંદર અને રળિયામણું વાતાવરણ જોઈએ તો નદીનો કિનારો એ માટે સર્વશ્રેષ્ઠ છે. આપણા મોટાભાગના ઋષિઓએ નદીકાંઠે જ તપસ્યા કરી છે. સાધના કરવા માટે એક ચોક્ક્સ સમય જોઈએ છે કે જ્યારે કોઈ ખલેલ ન પહોચાડે, અને એ માટે રાત્રીનો સમય શ્રેષ્ઠ છે એટલે રૈના એટલે કે રાત્રી. પણ આ બધું ત્યારે જ કામનું છે જ્યારે સદગુરુ સાથે હોય માટે તુમ એટલે સદગુરુ.
આમ સદગુરૂની કૃપા પામીને રાત્રીના શાંત વાતાવરણમાં,કોઈ નદીને કિનારે કે શાંત વાતાવરણમાં,શિષ્ય જ્યારે આસન જમાવીને ભીતર ઉતરે ત્યારે એને અખંડ આનંદ મળે છે.આ અખંડ આનંદ મળવો એ સદગુરૂની કૃપા વગર શક્ય નથી. માટે સાધક એવું કહે છે કે,
बड़े अच्छे लगते है,ये धरती, ये नदिया, ये रैना और तुम….
વધુ આવતા શુક્રવારે…..
- યુગ અગ્રાવત