નવીદિલ્હી: આસામમાં નેશનલ રજિસ્ટ્રર ઓફ સિટિઝન માટે ફાઇનલ ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યા બાદ આને લઇને રાજકીય હોબાળો મચી ગયો છે. આ ડ્રાફ્ટમાં ૪૦ લાખ લોકોના નામ નથી. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થઇ રહ્યો છે કે, આશરે આ ૪૦ લાખ લોકોનું શું થશે. અલબત્ત આ ફાઈનલ લિસ્ટ નથી પરંતુ ડ્રાફ્ટ છે. જે લોકોના નામ આમા સામેલ નથી તેવો આના માટે દાવો કરી શકે છે છતાં આને લઇને આસામમાં તંગદિલીની સ્થિતિ છે.
નવા નેશનલ સિટિઝન રજિસ્ટ્રારમાં આસામમાં રહેતા તમામ ભારતીય લોકોના નામ, સરનામા અને ફોટાઓ છે. આ પ્રથમ વખત છે જ્યારે વિસ્તારમાં ગેરકાયદેરીતે રહેતા લોકોના સંદર્ભમાં માહિતી જારી કરવામાં આવી રહી છે. દેશમાં લાગૂ નાગરિકતાના કાયદાથી થોડોક અલગરીતે રાજ્યમાં અસમ અકાર્ડ ૧૯૮૫ લાગૂ છે. તેના કહેવા મુજબ ૨૪મી માર્ચ ૧૯૭૧ની અડધી રાત સુધી પ્રદેશમાં પ્રવેશ કરનાર લોકોને ભારતીય નાગરિક ગણવામાં આવશે. નાગરિકતા માટે ૩૨૯૯૧૩૮૦ લોકોએ અરજી કરી હતી જે પૈકી ૨૮૯૩૮૬૭૭ને નાગરિકતા માટે લાયક ગણવામાં આવ્યા છે. જે ૪૦ લાખ લોકોના નામ યાદીમાં નથી તેમની પાસે હજુ પણ ક્લેઇમ કરવાની તક છે.
એનઆરસીના કો-ઓર્ડીનેટરનું કહેવું છે કે, આ યાદીના આધાર પર કોઇપણ નાગરિકને હાલમાં અટકાયતી સેન્ટરમાં મોકલવામાં આવનાર નથી. હવે પ્રશ્ન એ થાય છે કે, અંતિમ ડ્રાફ્ટ આવ્યા બાદ જે લોકોના નામ એનઆરસીમાં નથી તેમના ભાવિનું શું થશે.
આજે રાજનાથસિંહે આ સંદર્ભમાં ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, આ સમગ્ર મામલામાં પારદર્શકતા દર્શાવવામાં આવશે. એનઆરસી લિસ્ટને લઇને અડચણો દેખાઈ રહી છે. તમામ બાબતો સુપ્રીમ કોર્ટના દેખરેખમાં ચાલી રહી છે. જે લોકોને લાગે છે કે, તેમના નામ અંદર હોવા જોઇએ તેમને સામેલ કરવામાં આવી શકે છે.
રજિસ્ટ્રાર જનરલ શૈલેષે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, આ લિસ્ટ અંતિમ નથી. ક્લેઇમ અને વાંધાઓની નોંધણી કરવામાં આવશે. આગામી દિવસોમાં આ લોકોના મતાધિકારને લઇને પણ પ્રશ્નો ઉઠશે. આ ૪૦ લાખ લોકો મતદાન કરી શકશે કે કેમ તે સંદર્ભમાં અંતિમ નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવશે. ક્લેઇમ કરવાની તક આપવામાં આવી છે. ૩૦મી ઓગસ્ટથી લઇને ૨૮મી સપ્ટેમ્બર સુધી દાવા કરી શકાય છે. સમગ્ર સુનાવણી બાદ આનો નિકાલ કરવામાં આવશે. આસામમાં રહેલા અરજીદારો હેલ્પલાઈન નંબર ૧૫૧૦૭ પર કોઇપણ સમયે કોલ કરી શકે છે.
યાદીમાં એવા લોકોને પણ સામેલ કરવામાં આવશે જે લોકોના વંશજ દેશની પ્રથમ વસ્તીગણતરી ૧૯૫૧માં સામેલ હતા. આસામમાં ગેરકાયદેરીતે રહેતા બાંગ્લાદેશીઓનો મામલો ખુબ જટિલ મુદ્દો રહ્યો છે. આને લઇને કેટલાક મોટા હિંસક આંદોલન પણ થઇ ચુક્યા છે.
આસામના મુળ નાગરિકોએ તર્ક આપ્યું છે કે, ગેરકાયદેરીતે આવીને અહીં રહેતા લોકો તેમના અધિકારો મેળવી રહ્યા છે. ૮૦ના દશકમાં આને લઇને સ્ટુડન્ટ મુવમેન્ટ હાથ ધરાયું હતું. ત્યારબાદ આસામ ગણપરિષદ અને તત્કાલિન રાજીવ ગાંધી સરકાર વચ્ચે સમજૂતિ થઇ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ૧૯૭૧ સુધી જે પણ બાંગ્લાદેશી આસામમાં ઘુસ્યા છે તેમને નાગરિકતા આપવામાં આવશે. બાકીના લોકોને દેશ નિકાલ કરી દેવામાં આવશે. અંતિમ ડ્રાફ્ટ આવ્યા બાદ જે લોકોના નામ નથી તેમના ભાવિને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. તેમને પરત બાંગ્લાદેશ મોકલવામાં આવશે કે કેમ તે પણ પ્રશ્ન થઇ રહ્યો છે.