*વિજયી સ્મિત*
માલતીનો ચહેરો જ હસમુખો હતો ને વળી પાછાં એના બન્ને ગાલે એવા ખંજન પડે કે ગમે તેવો વિકરાળ પ્રક્રુત્તિ ધરાવતો પુરુષ હોય કે સ્ત્રી , બસ એના ચહેરા સામે નજર પડે કે શાંત જ થઈ જાય. તો આવી ! યુવતીના પતિ બનવું એ પણ પુરુષોમાં ભાગ્યની વાણાય છે. જનકે કોલેજના પહેલા વર્ષમાં માલતીને જોઇ ત્યારથી જ તે તેના મનમાં વસી ગઈ હતી પણ માલતીને જનક ગમશે કે કેમ એ નક્કી કરવાનું ઘણું અઘરુ હતું . પુરુષો તો સહજ રીતે ય ભ્રમરવ્રુત્તિ ધરાવતા હોય એટલે સુંદર યુવતી પર મનોમન દિલ આવી જાય એ પણ સ્વાભાવિક હતું. એ રીતે વિચારીએ તો માલતી એકલા જનકના મનમાં જ શું કામ બીજા ય ઘણા છોકરાઓના મનમાં સ્થાન મેળવી ચૂકી હતી. આવી છોકરીને જોતાં જ મનમાં પ્રેમની અનુભૂતિ થાય, તેને મળવાની ઝંખના જાગે, એક મીઠી તડપ અનુભવાય એ સહજ બાબત છે અને યુવાનીના ઉંબરે કદમ પડે ત્યારે તો આવું સહજ ગણાય છે…. પણ યુવક કે યુવતી પોતાની આવી લાગણી કે ભાવના સામેના પાત્રને પહોંચાડી શકે અને સામેથી ય એવો હકારાત્મક પ્રતિસાદ મળે એવું બધા કિસ્સામાં બનતું નથી, કોઇ એને યુવાનીની ઘેલછા ગણે છે ને પછી આવા મોહ કે સંમોહનમાંથી તરત બહાર આવી જાય છે.
જનકને માટે માલતીને વધારે મળવાનું એ કારણે બન્યું કે માલતીના ગામથી ઉપડતી બસ જનકના ગામે થઈને જતી હતી અને જનકે પણ એ જ બસમાં કોલેજ જવાનું થતુ હતું… બસમાં ચઢતાં – ઉતરતાં કે કોલેજ સુધી ચાલતાં જતાં કે આવતાં ને બન્ને પાછાં એક જ ક્લાસમાં હોવાથી નોટસ-બુકસની આપ લે પણ થતી રહી….જનકનો આનંદ ક્રમશ: વધતો ગયો, માલતી સાથે તેણે બીજા વર્ષની પરીક્ષા આપી ત્યાં સુધીમાં સારી એવી ઘનિષ્ટતા થઈ ગઈ હતી. આ ઘનિષ્ટતામાં માલતી ખૂબ જ સાવધાની રાખતી હતી એ જનકે અનુભવ્યું હતું.. કેમ કે એણે ક્યારેક બસ સ્ટેંડ કે કોલેજ ની આસપાસની હોટલમાં ચા-નાસ્તો કરવાનો પ્રસ્તાવ મૂકેલો તો ત્યારે માલતી કોઇ સરસ બહાનું બતાવી ટાળી દેતી. જનકને તો માલતી ખૂબ જ ગમતી હતી, એણે તો મનમાં એની સાથે લગ્ન કરવાની મોટી આશા પણ બાંધી લીધી હતી… આમને આમ ચાલતું રહ્યું, કોલેજના છેલ્લા એટલે કે ત્રીજા વર્ષની શરુઆત થઈ ગઈ, જનક માલતીને તક મળે પ્રપોઝ કરવા, પોતાની ઇચ્છા વ્યક્ત કરવા તલપાપડ થઈ ગયો હતો અને એક દિવસ માલતીએ જ તેને જાણે આવી તક આપી દીધી. એણે સામેથી જ રજાના દિવસે કોલેજમાં એકસ્ટ્રા ક્લાસ માટે જવાનું છે તેવા બહાને બોલાવ્યો ને પોતે એક ખાસ અંગત વાત કહેવા માગે છે તેમ પણ કહેલું. જનક ઘરેથી એક બે અંગત મિત્રોનો પરામર્શ કરીને શું બોલવું, કઇ રીતે ક્યો શબ્દ વાપરવો તે નક્કી કરીને જ આવ્યો હતો …. બન્ને પહેલી જ વાર એક હોટેલમાં ગયાં. નાસ્તાનો ઓર્ડર આપી માલતી ક્શું કહે એ પહેલાં જ જનકે કહ્યું,
” તું કંઈ વાત કરે એ પહેલાં હું પણ તને એક અંગત વાત કરવા માગું છું જો તું તૈયાર હોય તો પહેલાં હું કહી દઉં ? ”
– માલતી વિચારમાં પડી ગઇ, તેણે આશ્ચ્રર્ય સાથે પૂછ્યું,
” તે તમારે પણ અંગત વાત કરવી છે ? પણ ના, પહેલાં હું મારી વાત કરીશ કેમ કે આજે અહીં મળવાનો પ્રોગ્રામ મેં જ બનાવ્યો છે –”
” સારું બોલ ” જનક પાસે કોઇ વિકલ્પ ન રહ્યો…
” જૂઓ, આપણે કોલેજમાં ત્રણ વર્ષથી સાથે ભણી રહ્યા છીએ, આપણે ઘણીવાર નોટસ કે બુકની આપ લે કરી છે, પણ મને એમાં એવું લાગ્યું છે કે તમે મારામાં વધુ રસ લઈ રહ્યા છો, તમારા ચહેરાના ભાવ અને તમારી બોડી લેંગ્વેજ પરથી મેં એવું તારણ કાઢ્યું છે કે કદાચ તમે મને પ્રેમ કરવા લાગ્યા હોવ….. ”
જનક તો માલતીની વાતથી રાજી થતો ગયો. માલતી આગળ બોલી,
” પણ તમે તમારા પ્રેમમાં કશું વિચારો એ પહેલાં હું તમને ચેતવવા માગું છું કે મને તમારા માટે એવી કોઇ જ લાગણી થઈ નથી. મેં તો તમને એક સારા મિત્ર અને માર્ગદર્શક માન્યા છે એટલે તમે મારા માટે આવું કશું વિચારતા નહિ અને કદાચ ભૂલથી ય એવો ભાવ થયો હોય તો પ્લીઝ મનમાંથી કાઢી નાખશો… હા એટલું જરૂર કે તમે મને મિત્ર ભાવે ગમે ત્યારે મળશો તો એ મને જરૂર ગમશે….”
-માલતીની વાત પૂરી થઈ પછી એ બોલી,’
‘હા, હવે કહો તમે શું કહેવા માગતા હતા ? ”
– જનક તો માલતીની વાત સાંભળી દંગ રહી ગયો .એને માલતી ધાર્યા કરતાં વધુ હોંશિયાર લાગી. હવે શું કરવું એ તે નક્કી કરી શકતો ન હતો. છતાં ય હિંમત એકઠી કરી ને બોલ્યો,
” ના ના, તમે કહો છો એવું તો મારા મનમાં કશું જ નથી, હું પણ તમને મિત્રભાવે જ મદદ કરતો રહ્યો છું, મળતો રહ્યો છું …”
” તો પછી તમારે એક અંગત વાત શું કહેવાની હતી ? એ હવે કહી નાખો– ”
માલતીએ જિજ્ઞાસાથી પૂછ્યું, તો પણ જનકે ગોળ ગોળ વાત કરી,
” ચાલો જવા દો, આપણે નાસ્તો કરી લઈએ એ વાત તો પછી બીજી કોઇવાર કરીશ….એમાં કંઇ ખાસ દમ નથી… ” કહી એ નાસ્તો શરૂ કરવા જતો હતો ત્યારે માલતીએ એનો હાથ હાથમાં લેતાં કહ્યું,
” શું યાર, જૂઠુ બોલતાં ય નથી આવડતું ? હું તો તમારો ટ્રાયલ લેતી હતી, આટલા દિવસોથી બસમાં મને ચોરી છૂપીથી ટીકી ટીકીને જોઈ છે છતાં ય બોસ…. શું છોકરીને પ્રપોઝ કરવામાં આટલી બધી શરમ ? તમારૂ જીનીયસપણું તો જચી ગયું હોં બોસ…. “જનક તો માલતીને જોતો જ રહ્યો….
કલાક પછી જનક અને માલતી હોટલમાંથી હસતાં હસતાં બહાર નીકળ્યાં ત્યારે બન્ને જણના ચહેરા પર વિજયનું સ્મિત જોવા મળતું હતું.
અનંત પટેલ