અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. જો કે મોટાભાગે વરસાદમાં બ્રેકની સ્થિતિ રહી છે. દક્ષિણ ગુજરાત અને કચ્છના જિલ્લાઓમાં વરસાદ પડ્યો નથી. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદ માટેની કોઈપણ પ્રકારની ચેતવણી પણ જારી કરવામાં આવી નથી.
અમદાવાદ શહેર માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દીવ દમણ, દાદરા નગર હવેલીમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટા પડવાની આગાહી કરી છે. આનો મતલબ એ થયો કે ગુજરાતમાં આગામી દિવસમાં ભારે વરસાદ માટેની કોઈ શક્યતા દેખાઈ રહી નથી. નીચલી સપાટી ઉપર દક્ષિણ પશ્ચિમી પવનો ફુંકાઈ રહ્યા છે.
અમદાવાદ શહેરમાં આ વખતે ચોમાસાની સિઝનમાં નહિવત વરસાદ થયો છે. માત્ર પાંચથી છ ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે જે ચિંતા ઉપજાવે તેવો છે. જુદા જુદા ઝોનમાં આના કરતા પણ ઓછો વરસાદ રહ્યો છે. માત્ર એક જ વખત અમદાવાદ શહેરમાં ઉલ્લેખનિય વરસાદ થયો છે જેના ભાગરૂપે પાંચ ઈંચ સુધીનો વરસાદ થયો હતો. ત્યારબાદથી વરસાદમાં સંપૂર્ણપણે વિરામની સ્થિતિ રહી છે.
અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૧.૪ અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની સ્થિતિ આજે પણ જોવા મળે તેવી શક્યતા નહિવત દેખાઈ રહી છે. અમદાવાદ શહેરમાં કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા હતા. બીજી બાજુ વરસાદી માહોલ રહેતા એમ લાગી રહ્યું હતું કે વરસાદ પડશે મોટાભાગે વરસાદની કોઈ સ્થિતિ જોવા મળી ન હતી. પાટનગર ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન ૩૧.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી રહ્યું હતું.