બનાસકાંઠા સીટ પરથી ચૂંટણી લડવાના લીલાધર વાઘેલાના નિવેદને જગાવી ચર્ચા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: વર્ષ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીને લઇને જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી લેવામાં આવી છે ત્યારે પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ નિવેદન કરીને નવી ચર્ચા જગાવી છે. લોકસભાની બનાસકાંઠા સીટ પરથી લડવાની ઇચ્છા લીલાધર વાઘેલાએ વ્યક્ત કરી છે. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જાગી છે.

લીલાધર વાઘેલાએ સાંસદ હરીભાઈ ચૌધરીને લોકસભા ચૂંટણી ન લડવા માટે અપીલ કરી છે. બનાસકાંઠામાંતી ચૂંટણી લડવાની ઇચ્છા છે અને તેમનો અધિકાર પણ છે તેવી વાત તેમણે કરી છે. અગાઉ પણ લીલાધર વાઘેલા વિવાદમાં રહી ચુક્યા છે. પાટણના સાંસદ લીલાધર વાઘેલા અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પોતાના દીકરાને ચૂંટણી લડવા ટિકિટ અપાવવા જીદે ચડ્યા હતા અને ટિકિટ ન મળે તો પાર્ટી છોડવાની ધમકી સુધ્ધા આપી ચૂક્યા હતા, પરંતુ ભાજપ હાઈકમાન્ડ ટસનું મસ થયું ન હતું અને વાઘેલાએ પોતાની જીદ પડતી મૂકી હતી. આજે ફરી વાર તેઓએ બનાસકાંઠામાંથી લોકસભાની ચૂંટણીને લઇને આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે.

આ મામલે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ પાર્ટી જે નક્કી કરે તેમ કરશે તેમ જણાવ્યું હતું. લીલાધર વાઘેલા એ જણાવ્યું કે ગત ચૂંટણી તેઓ બનાસકાંઠાથી જ લડવા માંગતા હતા, પરંતુ હરીભાઈ ચૌધરીના કારણે તેઓ પાટણથી લડ્યા હતા. તે વખતે હરીભાઈએ તેમજ પાર્ટીએ કમિટમેન્ટ આપ્યું હતું કે આગામી ચૂંટણીમાં તમને બનાસકાંઠાથી તક આપવામાં આવશે. હવે તેઓ પાર્ટી અને હરીભાઈ બન્નેને વિનંતી કરશે. લીલાધર વાઘેલાના નિવેદન બાદ ભાજપના ટોપ નેતાઓ તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Share This Article