ગમતાનો કરીએ ગુલાલ
” અનુભવની મજા કોઇને કહેવામાં નથી હોતી,
અસલ વસ્તુની ખૂબી એની છાયામા નથી હોતી.
– શ્રી નજીરભાતરી
આપણે કોઇ સુંદર સ્થળે ફરવા ગયા હોઇએ અને ત્યાંનું કુદરતી સૌંદર્ય જે રીતે આપણે માણ્યું હોય છે તેનું કોઇને વર્ણન કરવામાં ખાસ મજા આવતી નથી પરંતુ તે રમણીય સ્થળે આપણે એકલાએ કે મનગમતા સાથી સંગ જે ક્ષણો માણી હોય છે તેની અનુભૂતિ કંઇ અજબ હોય છે. આ બાબત વધારે સારી રીતે સમજાવવા કવિએ સરસ ઉદાહરણ પણ આપ્યુ છે કે કોઇપણ વસ્તુ કે પદાર્થની જે કાંઇ વિશિષ્ઠતાઓ છે તે આપણે તેના પડછાયામાં જોઇ શકતા નથી. તે વસ્તુનો જ્યાં સુધી આપણે ઉપયોગ ન કરીએ ત્યાં સુધી તેના ગુણનો કંઇ જ ખ્યાલ આવતો નથી. જીવનમાં મળેલા સમયનો આપણે સારુ સારુ માણવામાં ઉપયોગ કરી શકીએ તો એ જ ભવિષ્યનું આપણું સુંદર સંભારણુ બની જાય છે. કોઇ પ્રસંગે કે સ્થળે આપણે કરેલી સરસ અનુભૂતિ અથવા કોઇની સાથે ગાળેલી સુંદર અને આલ્હાદક ક્ષણો આપણને જ્યારે અકાંત મળે ત્યારે સ્મરણ કરીએ છીએ ત્યારે એક અદભૂત શાંતિ અનુભવાય છે મનમાં છૂપો આનંદ અનુભવાય છે. . માણ્યું તેનુ સ્મરણ કરવું એ જ આપણા માટે સૌથી વધુ સુખકર છે. કોઇને આપણા અનુભવોની વાતો કરીએ તો એમાં પણ આપણને અને સાંભળનારને આનંદ તો આવે જ છે તેમ છતાં સૌન્દર્યની કે સુખદ પ્રસંગની જે અનુભૂતિ આપણે કરી છે તે અદભૂત હોય છે તે સદાયને માટે આપણા જીવનનું એક મૂલ્યવાન સંભારણું બની રહે છે તે બાબત તો નિર્વિવાદ છે. તાજમહેલ કે કુતુબમિનાર જેવી ઇમારતોની ખૂબસૂરતી કંઇ એના પડછાયામાં આપણને જોવા ન મળે એ પણ એટલું જ સ્વાભાવિક છે.
અનંત પટેલ